26 નવેમ્બરને બંધારણ દિવસ કેમ કહેવાય છે? જાણો કેટલા દિવસમાં તૈયાર થયું હતું ભારતનું બંધારણ

Constitution Day: ભારતના બંધારણને અપનાવવાની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવ્યું હતું, પરંતુ તે 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. આ જ કારણ છે કે 26 નવેમ્બરે બંધારણ દિવસ અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે 19 નવેમ્બર 2015 ના રોજ નાગરિકોમાં બંધારણના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 26 નવેમ્બરને 'બંધારણ દિવસ' તરીકે ઉજવવાના ભારત સરકારના નિર્ણયને સૂચિત કર્યો હતો.
આ પણ વાંચોઃ પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત, ઋષિકેશમાં સર્જાઈ દુર્ઘટના
કેટલાં દિવસમાં બન્યું ભારતનું બંધારણ?
ભારતીય બંધારણ સભાની ચૂંટણી જુલાઈ 1946માં યોજાઈ હતી. બંધારણ સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બર, 1946ના રોજ મળી હતી. 14-15 ઓગસ્ટની રાત્રે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ, બંધારણ સભા બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. બંધારણ સભામાં 299 સભ્યો હતા, જેમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ તેના પ્રમુખ હતા. બંધારણ સભાએ 26 નવેમ્બર, 1949ના રોજ તેનું કાર્ય પૂર્ણ કર્યું અને 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. તેને ઘડવામાં બે વર્ષ, 11 મહિના અને આઠ દિવસ લાગ્યા.
આંબેડકરનું યોગદાન
ડૉ. બી.આર. આંબેડકરે ભારતીય બંધારણના ડ્રાફ્ટિંગ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ હતા, જેના કારણે તેમને "બંધારણના પિતા"નું બિરુદ મળ્યું. તેમણે સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના સિદ્ધાંતોને સમાવિષ્ટ કરવા માટે બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો, જેનો હેતુ તમામ નાગરિકોના અધિકારો સુનિશ્ચિત કરવાનો હતો. તેમણે સમાજના વંચિત વર્ગોને સામાજિક અને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનામત જેવી જોગવાઈઓનો પણ સમાવેશ કર્યો.
ભારતીય બંધારણ શા માટે ખાસ છે?
ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. બંધારણ મુજબ, ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે, જેનો અર્થ એ છે કે બધા ધર્મોને સમાન આદર આપવામાં આવે છે અને રાજ્યમાં એક પણ ધર્મ નથી. તે એક મજબૂત કેન્દ્ર સાથેની સંઘીય વ્યવસ્થા છે, જે એકાત્મક તત્ત્વો પણ દર્શાવે છે, જેમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાઓનું વિભાજન છે.

