કાશ્મીરમાં તાપમાન '0' એ પહોંચ્યું, ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપ વચ્ચે 6 રાજ્યોમાં વરસાદની આગાહી

Weather news : દેશભરમાં હવામાનના બે અલગ-અલગ રૂપ જોવા મળી રહ્યા છે. એક તરફ ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે, તો બીજી તરફ દક્ષિણ ભારતમાં ભારે વરસાદે જનજીવનને અસર કરી છે. હવામાન વિભાગે આગામી એક-બે દિવસમાં ઉત્તર ભારતમાં શીતલહેરની આગાહી કરી છે અને દક્ષિણના છ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હી-યુપી-બિહારમાં ઠંડીનું જોર વધ્યું
દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. IMD અનુસાર, લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે, જ્યારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. સવાર-સાંજ 20 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા છતાં પ્રદૂષણમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે.
ઉત્તર પ્રદેશ: યુપીમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાશે. આગ્રા, કાનપુર, ગોરખપુર, પ્રયાગરાજ અને વારાણસી જેવા શહેરોમાં 24 નવેમ્બરે તાપમાન ઝડપથી ઘટશે. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં શીતલહેરનો પ્રકોપ જોવા મળી શકે છે.
બિહાર: રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. મહત્તમ તાપમાનમાં ઘટાડો અને 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.
પર્વતીય રાજ્યોમાં તાપમાન શૂન્યથી નીચે
પર્વતીય રાજ્યોમાં ઠંડી સતત વધી રહી છે. કાશ્મીર ઘાટી અને અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં રાત્રિનું તાપમાન શૂન્યથી નીચે જઈ રહ્યું છે.
શ્રીનગર: શનિવારે રાત્રે લઘુત્તમ તાપમાન માઈનસ 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનની સૌથી ઠંડી રાત હતી.
હિમાચલ પ્રદેશ: રવિવારે 13 સ્થળોએ લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી ઓછું નોંધાયું હતું.
ઉત્તરાખંડ: સવાર-સાંજ ઠંડીનું જોર વધ્યું છે. પહાડોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવા ધુમ્મસને કારણે મુશ્કેલીઓ વધી રહી છે.
દક્ષિણના 6 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ, તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંદામાન-નિકોબાર દ્વીપસમૂહના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન દરિયા કિનારે રહેતા માછીમારોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

