રાહુલ ગાંધી છેલ્લા 20 દિવસથી 'ગાયબ'? ન કોઈ ફોટો, ન કોઈ ટ્વીટ...કોંગ્રેસના અનેક કાર્યક્રમો ટળ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rahul Gandhi Patna Visit Cancelled 2026 : નીટ (NEET) પેપર લીક વિવાદના વિરોધમાં અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં 'છાત્રો કી ગૂંજ' આંદોલન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો બિહારની રાજધાની પટનામાં 15 જુલાઈએ પ્રસ્તાવિત મહત્વનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આ આંદોલન અને વિદ્યાર્થીઓ સાથે રાહુલ ગાંધીના સંવાદનો કાર્યક્રમ 17 જુલાઈએ ઉત્તરાખંડના દેહરાદૂનમાં યોજાશે. પટનાનો કાર્યક્રમ અચાનક સ્થગિત કરીને તેને અન્ય રાજ્યમાં લઈ જવાનો નિર્ણય બિહાર કોંગ્રેસમાં ચાલી રહેલા તીવ્ર આંતરિક વિવાદને કારણે લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રાહુલ ગાંધી ક્યાં છે? વિદેશ પ્રવાસને લઈને રાજકીય અટકળો
બીજી તરફ, રાહુલ ગાંધી છેલ્લા 20 દિવસથી જાહેર પ્રવૃત્તિઓમાં કે સોશિયલ મીડિયા પર સક્રિય ન દેખાતા તેઓ ક્યાં છે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. સૂત્રોના દાવા મુજબ રાહુલ ગાંધી હાલ વિદેશ પ્રવાસે છે. જોકે કોંગ્રેસ દ્વારા તેમની આ યાત્રા અંગે કોઈ સત્તાવાર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. તેમની ગેરહાજરીના કારણે જ કોંગ્રેસને અગાઉથી નક્કી કરેલા 'છાત્રો કી ગૂંજ' આંદોલન સંબંધિત કેટલાક કાર્યક્રમો પાછા ઠેલવા પડ્યા છે. સૂત્રોનું કહેવું છે કે 10 જુલાઈએ પ્રયાગરાજમાં યોજાનારો કાર્યક્રમ પણ આ જ કારણે સ્થગિત કરાયો હતો. રાહુલ ગાંધી 12 જુલાઈની સવારે સ્વદેશ પરત ફરે તેવી સંભાવના સેવાઈ રહી છે.
બિહાર કોંગ્રેસની બેઠકમાં લેવાયો નિર્ણય
પટનાના કાર્યક્રમને મોકૂફ રાખવાનો આખરી નિર્ણય બિહાર કોંગ્રેસની તાજેતરમાં મળેલી હાઈલેવલ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન સંગઠન સાથે જોડાયેલો વિવાદ અને જૂથવાદ ચરમસીમાએ પહોંચતા નેતાઓએ રાહુલ ગાંધીના કાર્યક્રમની સુરક્ષા અને સફળતાને ધ્યાનમાં રાખીને તેને બિહારની બહાર શિફ્ટ કરવાનું યોગ્ય માન્યું હતું. હવે દેહરાદૂનમાં 17 જુલાઈએ યોજાનારા આ કાર્યક્રમ માટે ઉત્તરાખંડ કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.









