'કોઈ માનવા તૈયાર નથી કે પહલગામ હુમલો પાકિસ્તાને કર્યો....' દિગ્ગજ નેતાના નિવેદનથી વિવાદ
Mani Shankar Aiyar Controversial Statement: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા પર સવાલ ઉઠાવતા મણિશંકર અય્યર વિવાદ ઊભો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ કહ્યું કે, 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના કોઈ પુરાવા નથી. ભારતે જે 33 દેશોમાં પોતાનું સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું, તેમણે પણ આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર નથી માન્યું.
મણિશંકર અય્યરનું વિવાદિત નિવેદન
મણિશંકર અય્યરે ઓપરેશન સિંદૂર પર સરકારનો સાથ આપનાર કોંગ્રેસ નેતા શશિ થરૂર પર પણ પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, 'થરૂર અને તેમની ટીમ જે 33 દેશોની મુલાકાત કરી, તેમાંથી કોઈએ પણ પહલગામ આતંકી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર નથી ગણાવ્યું. ન તો સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને ન અમેરિકાએ પાકિસ્તાનને આ માટે ગુનેગાર માન્યું. આપણે દુનિયાભરમાં કહેતા રહ્યા કે, આની પાછળ પાકિસ્તાન હતું પરંતુ આપણ વાત પર કોઈએ વિશ્વાસ ન કર્યો.'
આ પણ વાંચોઃ તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, બે-બે વોટર આઈડી કાર્ડ અંગે ચૂંટણીપંચે શરૂ કરી તપાસ
કોઈ પુરાવા નથી...
કોંગ્રેસ નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'અત્યાર સુધી, આપણે એવા કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી કે, જે સાબિત કરે કે આ હુમલો પાકિસ્તાની એજન્સીના મગજની ઉપજ હતો અથવા તેમણે તેને અંજામ આપ્યો હતો."
ભાજપનો પ્રહાર
મણિશંકર અય્યરના આ નિવેદનથી ભાજપ રોષે ભરાયું છે. ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ અય્યર પર પ્રહાર કરતા કહ્યું કે, 'કદાચ કોંગ્રેસ પાર્ટીને એ નથી ખબર કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની નિરીક્ષણ પેનલે આ હુમલામાં લશ્કર-એ-તૈયબા (એલઈટી)ની એક શાખા ટીઆરએફની ભૂમિકા પર ચિંતા વ્યક્ત કરી છે. કદાચ કોંગ્રેસને એ પણ નથી ખબર કે, આતંકવાદનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, ભલે તે લશ્કર હોય કે જૈશ, જેમના ઠેકાણા આપણે ઓપરેશન સિંદૂરમાં નષ્ટ કરી દીધા હતા. આ દુઃખદ છે કે કોંગ્રેસ પાકિસ્તાનનો બચાવ કરી રહી છે અને આપણાં સૈન્ય દળોનું અપમાન કરી રહી છે.'
આ પણ વાંચોઃ સ્પેને ભારતને સોંપ્યા તમામ C-295 લશ્કરી કાર્ગો વિમાન, 11 કલાક સતત ઉડવાની ક્ષમતા
ભાજપના એક અન્ય પ્રવક્તા સીઆર કેસવને કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટી અને તેના નેતા પાકિસ્તાનના સૌથી મોટા સમર્થન બનીને બેઠા છે અને ભારત વિરોધી અને પાકિસ્તાન સમર્થક દુષ્પ્રચારમાં જ પોતાનું અસલ હેતું શોધે છે. આ ખરેખર શરમજનક છે.'