તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, બે-બે વોટર આઈડી કાર્ડ અંગે ચૂંટણીપંચે શરૂ કરી તપાસ
Tejsawi Yadav : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે. તેજસ્વી પર બે અલગ અલગ મતદાર ઓળખ કાર્ડ હોવાનો આરોપ છે. ચૂંટણી પંચે આ મામલાની તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
વિવાદ કેવી રીતે થયો?
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેજસ્વીએ દાવો કર્યો કે તેમનું નામ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ બહાર પાડવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી. તેજસ્વીએ શનિવારે પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમણે ચૂંટણી પંચની વેબસાઇટ પર તેમનો EPIC નંબર (RAB2916120) શોધ્યો, પરંતુ 'કોઈ રેકોર્ડ મળ્યો નથી' એવો સંદેશ આવ્યો. તેમણે તેને 'લોકશાહી પર હુમલો' ગણાવ્યો અને કમિશન પર સવાલ ઉઠાવ્યા.
ચૂંટણીપંચે આપ્યો જવાબ
જોકે, ચૂંટણી પંચે તેમના દાવાને ફગાવી દીધો અને સ્પષ્ટતા કરી કે તેજસ્વીનું નામ મતદાન મથક નંબર 204, સીરીયલ નંબર 416 પર મતદાર યાદીમાં નોંધાયેલું છે. તેમનો માન્ય EPIC નંબર RAB0456228 છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે તેજસ્વીએ પત્રકાર પરિષદમાં જે EPIC નંબર RAB2916120 દર્શાવ્યો હતો તે છેલ્લા 10 વર્ષના રેકોર્ડમાં ક્યાંય જોવા મળતો નથી.
પંચને આ વાતની આશંકા
પંચને શંકા છે કે આ નંબર નકલી હોઈ શકે છે અથવા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હોઈ શકે છે. બીજી તરફ, EPIC નંબર RAB0456228, જેના આધારે તેજસ્વીએ 2015 અને 2020 ની વિધાનસભા ચૂંટણી લડી હતી, તે સત્તાવાર રેકોર્ડમાં હાજર છે. ચૂંટણી પંચે કહ્યું કે જો બીજો EPIC નંબર નકલી હોવાનું જાણવા મળશે તો તે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 હેઠળ ગંભીર ગુનો ગણાશે. ચૂંટણી પંચ આ બાબતની સંપૂર્ણ તપાસ કરી રહ્યું છે કે શું RJD કાર્યાલયમાંથી અન્ય નકલી મતદાર ID બનાવવામાં આવ્યા છે કે નહીં.
બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને જેડીયુ પ્રવક્તા નીરજ કુમારે તેજસ્વી પર બે મતદાર ઓળખપત્ર હોવાનો આરોપ લગાવ્યો અને તેને 'ચૂંટણી કૌભાંડ' ગણાવ્યું. ચૌધરીએ કહ્યું, 'પ્રેસ કોન્ફરન્સમાં તેજસ્વીએ જે સત્ય બતાવ્યું છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમણે એક મોટું કૌભાંડ કર્યું છે. આની કડક તપાસ થવી જોઈએ.' જેડીયુ નેતા નીરજ કુમારે આઈપીસીની કલમ 171F હેઠળ કેસ નોંધવાની અને તેજસ્વીના મતદાન અધિકારને હંગામી ધોરણે સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.