Get The App

મુસ્લિમ કે ખ્રિસ્તી થશે તેને અનામત, એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
મુસ્લિમ કે ખ્રિસ્તી થશે તેને અનામત, એટ્રોસિટી કાયદાનો લાભ નહીં મળે 1 - image

- ધર્માંતરણ અંગે સુપ્રીમનો મહત્વનો ચુકાદો

- હિન્દુ, શીખ, બૌદ્ધ સિવાયના ધર્મમાં ગયા બાદ અનામત, એટ્રોસિટી કાયદાનો ઉપયોગ ના કરી શકો : સુપ્રીમ

નવી દિલ્હી : ધર્માંતરણને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો કોઇ વ્યક્તિ હિન્દુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાયના કોઇ પણ ધર્મમાં જાય તો તેને અનામતનો લાભ નહીં મળે, એટલુ જ નહીં આવી વ્યક્તિને એસસી, એસટી કાયદા અંતર્ગત એટ્રોસિટી સામે જે રક્ષણ મળતું હતું તે પણ નહીં અપાય. એટલે જો કોઇ વ્યક્તિ ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મ અપનાવે તો તેને અનામત અને એસસી, એસટી કાયદાના લાભથી દૂર કરી દેવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રાની બેંચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો, અગાઉ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટ દ્વારા પણ એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે જો એસસી સમાજ સાથે જોડાયેલી વ્યક્તિ હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના ધર્મમાં જાય તો તે તાત્કાલીક અસરથી અનામતનો લાભ ગુમાવી દે છે. સુપ્રીમ કોર્ટમાં આંધ્ર પ્રદેશ હાઇકોર્ટના આ ચુકાદાને પડકારાયો હતો, જોકે સુપ્રીમે હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે. 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે જો કોઇ વ્યક્તિ ધર્માંતરણ કરી લીધા બાદ પાછી હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મમાં પરત ફરે તો ફરી પાછા તે અનામત અને એસસી, એસટી કાયદા હેઠળના રક્ષણ માટે દાવો કરી શકે છે પરંતુ તેણે એ સાબિત કરવું પડશે કે તેનો જન્મ એસસી સમાજમાં થયો હતો, ધર્મમાં પાછા આવ્યા તેના પુરાવા આપવા પડશે, તેમના સમાજના લોકોએ તેમનો સ્વીકાર કર્યો છે તે પણ સાબિત કરવું પડશે. આ સમગ્ર મામલો આંધ્ર પ્રદેશના એક પાદરી સાથે સંકળાયેલો છે.