'ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે..', ભાજપના કદાવર નેતાએ મુંઝવણ દૂર કરી

Nitish Kumar: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને ઊભા થઈ રહેલા સવાલો વચ્ચે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે તમામ ગૂંચવણો દૂર કરી દીધી છે. શુક્રવારે (7 નવેમ્બર) રાજનાથ સિંહે સ્પષ્ટતા કરી કે, ચૂંટણી પછી પણ નીતિશ કુમાર જ બિહારના મુખ્યમંત્રી બનશે.
160થી વધુ બેઠકો જીતનો દાવો
તેમણે દાવો કર્યો હતો કે, આ ચૂંટણીમાં NDA બિહારની 243 બેઠકોમાંથી 160થી વધુ બેઠકો પર જીત મેળવશે. ઉલ્લેખનીય છે કે, મહાગઠબંધન દ્વારા તેજસ્વી યાદવને મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કર્યા બાદ વિપક્ષ NDAના મુખ્યમંત્રીના ચહેરાની સત્તાવાર જાહેરાત માટે સતત માંગ કરી રહ્યો હતો.
નીતિશ કુમાર જ રહેશે મુખ્યમંત્રીઃ રાજનાથ સિંહ
એક ઇન્ટરવ્યુમાં રાજનાથ સિંહે મુખ્યમંત્રીના ચહેરાના સવાલનો જવાબ આપતા કહ્યું કે, NDA નીતિશ કુમારના નેતૃત્વમાં જ ચૂંટણી લડી રહ્યું છે. સ્વાભાવિક છે કે ચૂંટણી પછી પણ તેઓ જ મુખ્યમંત્રી હશે. NDAની રેલીઓમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેના પરથી નિશ્ચિતપણે લાગે છે કે ગઠબંધનને બે-તૃતિયાંશ બહુમતી મળશે. મહિલાઓને વિશ્વાસ છે કે નીતિશ કુમારના શાસનમાં (RJDના શાસનથી વિપરીત) કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે છે.
આ પણ વાંચોઃ નોટબંધીના 9 વર્ષ પૂરાં, 1000 રૂપિયાની નોટ લોકો ભૂલ્યાં! 2000ની નોટ આવી અને જતી પણ રહી
ચિરાગ પાસવાન બનશે નાયબ મુખ્યમંત્રી?
ભાજપ અને ચિરાગ પાસવાનના પક્ષ LJP (રામવિલાસ)માંથી એક-એક નાયબ મુખ્યમંત્રી હશે તેવા અટકળો પર તેમણે કહ્યું કે, ભવિષ્યમાં જે કંઈ પણ નક્કી થશે, તે સર્વસંમતિથી નક્કી કરવામાં આવશે. તેમજ તેમણે કહ્યું કે, ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાત બિહાર ચૂંટણી પછી થઈ શકે છે.
આ સિવાય રાજનાથ સિંહે બિહારની ચૂંટણીમાં પ્રશાંત કિશોરના 'જન સુરાજ' પક્ષના પ્રભાવને નકાર્યો અને દાવો કર્યો કે આ પક્ષ એક પણ બેઠક જીતી શકશે નહીં.

