રાહુલ ગાંધીના આરોપ બાદ અજિત પવારે સ્વીકાર્યું - દીકરાને ખબર નહોતી કે જમીન સરકારી છે

Ajit Pawar Land Case: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના દીકરા પાર્થ પવારની કંપની સાથે જોડાયેલા 300 કરોડના કથિત જમીનના કરારમાં થયેલા કૌભાંડમાં શુક્રવારે (7 નવેમ્બર) વધુ એક FIR દાખલ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે.
જમીન સરકારી, વેચી ન શકાય
મહારાષ્ટ્રના જોઇન્ટ ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન રાજેન્દ્ર મુથેએ શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે, પુણેની આ 40 એકર જમીન રાજ્ય સરકારની માલિકીની છે અને તેને કોઈ પણ સંજોગોમાં વેચી શકાતી નથી. આ જમીનના વેચાણમાં કથિત ગેરરીતિઓની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના કૂપવાડામાં એન્કાઉન્ટર, ભારતીય જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા
મુથેએ જણાવ્યું કે, "7/12 દસ્તાવેજમાં મુંબઈ સરકાર (પૂર્વની બોમ્બે સરકાર)ને માલિક દર્શાવવામાં આવ્યા છે. પાવર ઑફ એટર્ની ધરાવનાર વ્યક્તિ કોઈપણ કિંમતે જમીન વેચી શકે નહીં. અમે તમામ બાબતોની તપાસ કરી રહ્યા છીએ અને સાત દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપીશું."
ફરિયાદ અને આરોપીઓ
આ જમીન મુંધવા વિસ્તારની 40 એકર સરકારી જમીન છે. આ કરાર પાર્થ પવાર અને દિગ્વિજય પાટીલની માલિકીની અમાડિયા એન્ટરપ્રાઇઝેસ LLP અને પાવર ઑફ એટર્ની ધારક શીતલ તેજવાની વચ્ચે થયો હતો.
શુક્રવારે પોલીસમાં પાર્થ પવારના વ્યવસાયિક ભાગીદાર દિગ્વિજય પાટીલ, શીતલ તેજવાની અને સસ્પેન્ડ થયેલા મામલતદાર સૂર્યકાંત યેવાલે વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ પહેલા ગુરુવારે મહાનિરીક્ષક રજિસ્ટ્રાર કાર્યાલય દ્વારા દિગ્વિજય પાટીલ, શીતલ તેજવાની અને સબ-રજિસ્ટ્રાર આર. બી. તારૂ વિરુદ્ધ ગબન અને છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. જિલ્લા કલેક્ટર જિતેન્દ્ર ડૂડીએ આ મામલો આર્થિક ગુના શાખા (EOW)ને સોંપ્યો છે.
કરાર રદ કરાયો: અજિત પવાર
અજિત પવારે શુક્રવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે, તેમના પુત્ર પાર્થ અને તેમના વ્યવસાયિક ભાગીદારને જાણ નહોતી કે તેમની કંપની દ્વારા ખરીદવામાં આવેલી જમીન સરકારી છે. હવે જાણ થતા જ તેમણે આ કરાર રદ કરી દીધો છે. આ મામલે તપાસ માટે રચાયેલી સમિતિ એક મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સોંપશે.
રાહુલ ગાંધીનો આરોપ
નોંધનીય છે કે, આ પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ગંભીર આક્ષેપો કરી કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં રૂ.1800 કરોડની સરકારી જમીન, જે દલિતો માટે આરક્ષિત હતી, તે માત્ર રૂ.300 કરોડમાં મંત્રીજીના પુત્રની કંપનીને વેચી દેવામાં આવી. આ સોદામાં સ્ટેમ્પ ડ્યુટી પણ હટાવી દેવામાં આવી, એટલે કે એક તો લૂંટ અને ઉપરથી કાયદાકીય મંજૂરીમાં પણ છૂટ! વૉટ ચોરી કરીને બનેલી મહારાષ્ટ્ર સરકારે જમીન ચોરી કરી છે. આ સરકારનું માનવું છે કે, જેટલું લૂંટવું હોય તેટલું લૂંટી લો, વૉટ ચોરી કરીને ફરી સત્તામાં આવી જઈશું. આ સરકારને લોકશાહીની ચિંતા નથી તેમજ પ્રજા અને દલિતોના અધિકારોની પણ ચિંતા નથી.’
વતન સિસ્ટમની જમીન
આ 40 એકર જમીન મૂળ મહાર સમુદાયના 272 માલિકો તરફથી શીતલ તેજવાની પાસે પાવર ઑફ એટર્ની હતી. આઝાદી પહેલા રાજ્યના આ ગામમાં વતન સિસ્ટમ હેઠળ, અમુક સેવાઓના બદલામાં રોકડને બદલે જમીન અથવા રેવન્યુના અધિકાર મળતા હતા.
અન્ના હજારેની ટિપ્પણી
ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તા અન્ના હજારેએ આ કરાર પર ટિપ્પણી કરતા કહ્યું કે, "જો મંત્રીઓના સંતાનો ખોટા કામ કરે છે, તો તેના માટે મંત્રીઓને જ દોષી ઠેરવવા જોઈએ."
1800 કરોડની જમીન 300 કરોડમાં પધરાવી દીધી, CMએ આપ્યા તપાસના આદેશ
પુણેના કોરેગાંવ પાર્ક જેવા પોશ વિસ્તારમાં 1800 કરોડની કિંમત ધરાવતી સરકારી જમીન પાર્થ પવાર તથા તેમના ભાગીદારોને ફક્ત 300 કરોડ રુપિયામાં પધરાવી દેવાઈ હોવાનો તથા આ જમીન સોદાના દસ્તાવેજ પર ફક્ત 500 રુપિયાની સ્ટેમ્પ ડયૂટી લેવાઈ હોવાના ઘટસ્ફોટ બાદ મહાયુતિ સરકાર ભીંસમાં મૂકાઈ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તમામ પ્રકરણની તપાસના આદેશો આપ્યા છે અને રાજ્યના બે મહેસૂલી અધિકારીઓને તત્કાળ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સરકારી માલિકીની જમીન કેવી રીતે વેચી નાખી
આક્ષેપો અનુસાર પાર્થ પવારની ભાગીદારી ધરાવતી કંપની અમેડિયા એન્ટરપ્રાઈઝીસ એલએલપીને પુણેના મુંઠવા વિસ્તારમાં 300 કરોડની જમીન વેચવામાં આવી છે. સરકારી ચોપડે આ જમીન શ્રી સરકાર એટલે કે સરકારી માલિકીની દર્શાવાઈ છે. તો આ જમીન પાર્થ પવારની કંપનીને વેચવાની પરવાનગી કોણે આપી, આ કિંમત કોણે નક્કી કરી તેવા સવાલો સર્જાયા છે. 300 કરોડના સોદા પર 21 કરોડ જેટલી સ્ટેમ્પ ડયૂટી લાગવી જોઈએ તેને બદલે ફક્ત 500 રુપિયા સ્ટેમ્પ ડયૂટી લેવાઈ છે. આ સ્ટેમ્પ ડયૂટી માફીની સૂચના પણ કોણે આપી તેવા પ્રશ્નો પણ થયા છે.
બે અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Maharashtra CM Devendra Fadnavis) મહારાષ્ટ્ર મહેસૂલ વિભાગને તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગેરવ્યવહારોના સંકેત મળ્યા બાદ પુણે તહસીલદાર સૂર્યકાંત યેવલેને તેમજ સબ રજીસ્ટારને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. એટલું જ નહિ આ પ્રકારના જમીન સોદાના વ્યવહારની તપાસ માટે એક સમિતિની રચના કરી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. જમીન સોદા અંગેના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે આ પ્રકરણની સંપૂર્ણ માહિતી મહેસૂલ વિભાગ, આઇ.જી.આર અને લેન્ડ રેકોર્ડ વિભાગ દ્વારા મંગાવ્યા છે. પ્રાથમિક તપાસમાં કેટલીક ગંભીર બાબત સામે આવી છે. જો આ મામલે ક્યાંય અનિયમિતતા થયેલી મળી આવશે તો તેની સામે કઠોર કાર્યવાહી થશે.
અગાઉ અજિતને સિંચાઈ કૌભાંડમાં ક્લિનચીટ મળી હતી
ઉલ્લેખનીય છે કે, જ્યારે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સામે કોંગ્રેસ - એન.સી.પીની સરકાર વેળા કરાયેલા જળ સિંચાઇ તેમજ ઉર્જા વિભાગમાં કરેલા કરોડો રૃપિયાના ભ્રષ્ટાચારનો આરોપ મૂકાયો હતો. પરંતુ તેઓ ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિમાં જોડાઇ જતાં તેમના પર મૂકાયેલા બધા આરોપમાંથી મુક્ત કરાયા હતા.

