Economy Reform : અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યો છે, જેના કારણે ભારતની નિકાસ પર અસર પડવાની છે. જોકે ભારતના કોઈપણ સેક્ટર પર તેની અસર ન પડે અને આર્થિક પ્રગતિ જળવાઈ રહે તે માટે ભારત સરકાર તમામ પગલા ભરી રહી છે. આ જ ક્રમમાં થોડા દિવસ પહેલા સરકારે GSTમાં અનેક ફેરફાર કરીને રાહત આપી હતી. આ દરમિયાન અનેક પ્રોડક્ટની જીએસટીમાં ઘટાડો કરાયો, એટલું જ નહીં સ્થાનીક ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વદેશી અપનાવવાની અપીલ કરી છે. ત્યાર વધુ રાહત મળે તે માટે નીતિ આયોગ પણ ટૂંક સમયમાં મોટી જાહેરાત કરી શકે છે.
દિવાળી પહેલા મોટી જાહેરાત કરવાની તૈયારી
નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રહ્મણ્યમે સંકેત આપ્યા છે કે, ભારત સરકાર આર્થિક સુધારા કરવા માટેની દિશામાં દિવાળી સુધીમાં વધુ મોટી જાહેરાત કરી શકે છે. તેમણે કહ્યું કે, હાલ 13-14 મુખ્ય સેક્ટરોમાં સુધારાની તૈચારીઓ ચાલી રહી છે, જેમાં કેન્દ્ર સરકાર વેપાર અને MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) સેક્ટરો પર વિશેષ ધ્યાને કેન્દ્રીત કરી રહી છે.
સમિતીઓએ સુધારાના પ્રસ્તાવ રજૂ કર્યા
તેમણે એમ પણ કહ્યું કે, આ સેક્ટરો ભારતની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે, તેથી આ સેક્ટરોમાં ફેરફાર કરવાથી ઉત્પાદન ક્ષમતા, નવીનતા અને સ્પર્ધાત્મકતામાં વધારો થશે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના નેતૃત્વમાં અનેક સમિતીઓએ સેક્ટરોમાં સુધારાના પ્રસ્તાવનો રિપોર્ટ રજુ કરી દીધો છે. તેનાથી સંકેત મળી રહ્યા છે કે, આગામી સમયમાં કોઈ મોટી જાહેરાત થઈ શકે છે.
સરકાર નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન લોન્ચ કરશે
આ સાથે તેમણએ સ્પષ્ટ કહ્યું કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન નામની એક પહેલ શરૂ કરવાની તૈયારીમાં છે. આ મિશનનો મુખ્ય હેતુ ભારતની મેન્યુફેક્ચરિંગ સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવવાનો, ઔદ્યોગિક આધારને વિવિધતા આપવાનો અને ભારતને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ સાથે વધુ ઊંડાણપૂર્વક જોડવાનો છે. ભારત નિકાસ વધારવા પર પણ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ભારતે હજી પણ એવી વસ્તુઓનો વેપાર કર્યો છે, જે વૈશ્વિક સ્તરે અત્યંત વ્યાપાર નથી કરતી. સમયની માંગ છે કે ભારત એવા ઉત્પાદનોના બજારમાં પ્રવેશ કરે, જેની માંગ વિશ્વ સ્તરે હોય.
આ પણ વાંચો : માત્ર એક એપમાં કરી શકશો તમામ કામ... ચૂંટણી પંચની મોટી જાહેરાત, જાણો શું છે ECINet?


