India

1 ઓક્ટોબરથી લાગુ થશે LPG ગેસનો નવો નિયમ, સબસિડી જોઈતી હોય તો ઘરે બેઠા તરત કરો આ કામ

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
1 ઓક્ટોબર 2026થી ઘરેલુ LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાશે. હવે સબસિડીવાળા ગેસ માટે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત બનશે. આ નિયમ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા સબસિડીનો લાભ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા અને ગેરકાયદેસર ઉપયોગ અટકાવવા લાગુ કરાયો છે. જે ગ્રાહકો પ્રક્રિયા પૂર્ણ નહીં કરે, તેમને સબસિડી નહીં મળે અને બજાર ભાવે સિલિન્ડર ખરીદવો પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

1 ઓક્ટોબરથી લાગુ થશે LPG ગેસનો નવો નિયમ, સબસિડી જોઈતી હોય તો ઘરે બેઠા તરત કરો આ કામ

LPG Gas Booking New Rule : ઘરેલુ LPG સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 1 ઓક્ટોબર 2026થી રાંધણ ગેસ સિલિન્ડરની ખરીદીના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવેથી સબસિડીવાળા દરે ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે ગ્રાહકોએ બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન કરાવવું ફરજિયાત રહેશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના જણાવ્યા મુજબ, જે ગ્રાહકોએ આ પ્રક્રિયા અગાઉ પૂર્ણ કરી લીધી છે, તેમણે ફરી કંઈ કરવાની જરૂર નથી. દેશમાં 19 સપ્ટેમ્બર સુધીમાં આશરે 27.43 કરોડ એટલે કે લગભગ 89.9 ટકા સક્રિય ગ્રાહકો આ ચકાસણી પૂર્ણ કરી ચૂક્યા છે.

આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવા માટેના સરળ રસ્તા

જે ગ્રાહકોએ હજુ સુધી આ પ્રક્રિયા પૂરી નથી કરી, તેમની સુવિધા માટે ત્રણ સરળ વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

1… ગેસ સિલિન્ડરની ડિલિવરી આપવા આવતા કર્મચારી મારફતે ગ્રાહકો આ કામ કરાવી શકે છે. ડિલિવરી પર્સન પોતાની કંપનીની મોબાઇલ એપ દ્વારા સ્થળ પર જ ઓથેન્ટિકેશન પૂરું કરી આપશે.

2… જે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતા હોય, તેઓ સીધા પોતાની સંબંધિત ગેસ એજન્સીના શોરૂમ પર જઈને ત્યાંના સ્ટાફ પાસે પોતાની ઓળખ ચકાસણી કરાવી શકે છે.

3… ગ્રાહકો પોતાના મોબાઇલ ફોનથી પણ ઘરે બેઠા આ કામ કરી શકે છે. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો ‘IndianOil One’, ભારતગેસના ગ્રાહકો ‘Hello BPCL’ અને એચપી ગેસના ગ્રાહકો ‘HP Pay’ એપ દ્વારા પ્રક્રિયા પૂરી કરી શકે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પોર્ટલ પર જાતે ઇ-કેવાયસી કરવા માટે વીડિયો માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.

પ્રક્રિયા પૂર્ણ નહીં કરનાર ગ્રાહકો પર શું અસર પડશે?

જો કોઈ ગ્રાહક આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો પણ તેમનું ગેસ કનેક્શન બંધ થશે નહીં. સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે, પરંતુ તેઓને સરકાર તરફથી મળતી ગેસ સબસિડીનો લાભ મળશે નહીં અને બજાર ભાવે જ સિલિન્ડર ખરીદવો પડશે. આ સિવાય વિકલ્પ પસંદ કરવા માટે ગ્રાહકે પોર્ટલ, એપ, વોટ્સએપ કે IVRS દ્વારા નોંધણી કરાવવી પડશે. ઓથેન્ટિકેશન વગરના ગ્રાહકોને ઉપલબ્ધતા મુજબ માત્ર 5 કિલો કે 10 કિલોવાળા નાના સિલિન્ડર મળવાપાત્ર રહેશે.

સરકાર દ્વારા નવો નિયમ લાગુ કરવા પાછળનો હેતુ

મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ફેરફારનો મુખ્ય હેતુ સબસિડીનો લાભ સાચા અને જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવાનો અને બોગસ કે અયોગ્ય ગેસ કનેક્શનો રદ કરવાનો છે. આ સિવાય ઘરેલુ ગેસ સિલિન્ડરનો ગેરકાયદે કોમર્શિયલ કે ઔદ્યોગિક વપરાશ અટકાવવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું છે.

એલપીજી સબસિડીનું ગણિત

સરકાર હાલમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર મૂળ પડતર કિંમત કરતાં ઓછા ભાવે ગ્રાહકોને આપી રહી છે. સપ્ટેમ્બર 2026માં 14.2 કિલોના સિલિન્ડર પર પરોક્ષ સબસિડી આશરે 210 રૂપિયા હતી, જ્યારે જૂન 2026માં આ રકમ પ્રતિ સિલિન્ડર 721 રૂપિયા સુધી પહોંચી હતી. ઓઇલ કંપનીઓને થતા આ નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે છે.