India

સુધારા શરૂઆતી તબક્કે ખરાબ-ખોટા જ લાગતા હોય છે : અગ્નિપથ યોજનાનો બચાવ કરતા PM મોદી

By GS Team
20 Jun 20222 mins read
This article was originally published on 20 Jun 2022
સુધારા શરૂઆતી તબક્કે ખરાબ-ખોટા જ લાગતા હોય છે : અગ્નિપથ યોજનાનો બચાવ કરતા PM મોદી

- સરકારે  છેલ્લા આઠ વર્ષોમાં  સ્પેસ અને ડિફેન્સ સેક્ટરને યુવાનો માટે ખોલી દીધું છે - સુધારાનો માર્ગ જ આપણને નવા લક્ષ્યો સુધી લઈ જાય છે : મોદી

નવી દિલ્હી, તા. 20 જૂન 2022, સોમવાર

દેશમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને ચારેકોર વિવાદ જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં હિંસક પ્રદર્શન થયા છે અને અગ્નિજ્વાળાઓ પ્રસરી રહી છે.  આ દરમિયાન કર્ણાટકમાં બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  બેંગલોર ખાતે જનસભાનને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે અગ્નિપથ યોજનાનું નામ લીધા વગર યુવનોને મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે તેમની સરકારે  છેલ્લા આઠ વર્ષોમાં  સ્પેસ અને ડિફેન્સ સેક્ટરને યુવાનો માટે ખોલી દીધું છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, સુધારાનો માર્ગ જ આપણને નવા લક્ષ્યો સુધી લઈ જાય છે.  જેના ઉપર દશકાથી સરકારનો એકાધિકાર હતો તેવા ડિફેન્સ અને સ્પેસ સેક્ટરને અમે યુવાનો માટે ખોલી દીધુ છે. ડ્રોનથી શરૂ કરીને દર બીજી ટેક્નોલોજીમાં અમે યુવાનોને કામ કરવાની તક આપી રહ્યા છીએ. આજે અમે યુવાનોને કહી રહ્યા છીએ કે, સરકારે બનાવેલી વર્લ્ડ ક્લાસ ટેકેનોલોજી અંગે પોતાના આઈડિયા આપે, પોતાના ઈનપુટ આપે.

પીએમ મોદીએ એ વાત ઉપર ભાર મુક્યો કે, એકમ ભલે સરકારી હોય કે ખાનગી હોય, બંને દેશની અમૂલ્ય સંપતિ છે. આથી દરેકને સમાન સ્તરનું મેદાન મળવું જોઈએ. તેમણે એ અંગે ખુશી જાહેર કરી કે, છેલ્લા 8 વર્ષમાં 100થી વધુ બિલિયન ડોલર કંપનીઓ ઉભી થઈ છે અને આ યાદીમાં દર મહિને નવી કંપનીઓ જોડાઈ રહી છે. તેમના મતે, ભારત સ્ટાર્ટ અપ ક્ષેત્રે વિશ્વમાં સૌથી ઝડપથી કામ કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં હજારો કરોડનો બિઝનેસ કરી ચુક્યું છે.  

પ્રધાનનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકની મુલાકાત લીધી હતી અને આશરે 27000 કરોડની વિવિધ યોજનાઓને ગ્રીન સિગ્નલ આપ્યું છે. તેમણે બેંગ્લોરમાં રેલ્વે પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને બીઆર આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સનું ઉદઘાટન કર્યુ છે. 

આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે,સરકાર બેંગેલોરને ટ્રાફિક જામમાથી મુક્તિ આપવા માટે રેલ, રોડ, મેટ્રો, અંડર પાસ, ફલાઈ ઓવર અને ડબલ એન્જિન ઉપર કામ કરી રહી છે.  અમારી સરકાર બેંગલોરના સબ-અર્બન વિસ્તારોને વધુ સારી કનેક્ટિવિટી આપવા કટિબદ્ધ છે.