Get The App

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો 1 - image

New Flight Ticket Refund: એવિએશન રેગ્યુલેટર DGCA (ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન) દ્વારા 26 માર્ચ 2026થી એર ટિકિટ રિફન્ડને લગતા નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. આ ફેરફારોનો મુખ્ય હેતુ મુસાફરો માટે રિફન્ડ પ્રક્રિયાને સરળ, પારદર્શક અને વધુ વિશ્વસનીય બનાવવાનો છે. એરલાઇન્સ દ્વારા રિફન્ડમાં થતા વિલંબ અને મનસ્વી ચાર્જ અંગેની ફરિયાદો બાદ સરકારે આ કડક ધોરણો નક્કી કર્યા છે. હવે ટિકિટ કેન્સલ કરવા પર પૈસા પાછા મેળવવાનું કામ પહેલા કરતા વધુ ઝડપી અને નિષ્પક્ષ બનશે.

નવા રિફન્ડ નિયમોમાં મુખ્ય ફેરફારો

1. રિફન્ડ માટેની સમયમર્યાદા નક્કી

ક્રેડિટ કાર્ડથી બુકિંગ: 7 દિવસની અંદર રિફન્ડ આપવું ફરજિયાત

રોકડથી બુકિંગ: એરલાઇન ઓફિસ પરથી તરત જ રિફન્ડ મળશે

ટ્રાવેલ એજન્ટ/પોર્ટલ દ્વારા બુકિંગ: 14 કામકાજના દિવસોમાં રિફન્ડ આપવું પડશે

નોંધ: એજન્ટ દ્વારા બુકિંગ કરાયું હોય તો પણ રિફન્ડની અંતિમ જવાબદારી એરલાઇનની રહેશે

2. પ્રોસેસિંગ ફી નાબૂદ

હવે એરલાઇન્સ રિફન્ડ પ્રોસેસ કરવાના નામે મુસાફરો પાસેથી કોઈપણ વધારાનો પ્રોસેસિંગ ચાર્જ વસૂલી શકશે નહીં.

3. પૂરેપૂરા પૈસા પાછા મળશે

રિફન્ડમાં નીચેની રકમનો સમાવેશ કરવામાં આવશે

ટિકિટનો દર (Base Fare)

ટેક્સ

યુઝર ડેવલપમેન્ટ ફી (UDF)

એરપોર્ટ ડેવલપમેન્ટ ફી (ADF)

પેસેન્જર સર્વિસ ફી (PSF)

આ નિયમ નોન-રિફન્ડેબલ ટિકિટ કે પ્રોમોશનલ ઓફર પર પણ લાગુ થશે.

4. 48 કલાકનો 'ફ્રી કેન્સલેશન' વિકલ્પ

ટિકિટ બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વગર ટિકિટ કેન્સલ કે મોડિફાય કરી શકાશે.

જો કે નવી ટિકિટ લેવા પર જે તે સમયનું સામાન્ય ભાડું ચૂકવવાનું રહેશે.

મર્યાદા: ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ઉડાનના 7 દિવસ પહેલા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 15 દિવસ પહેલા બુકિંગ કર્યું હોય તો જ આ લાભ મળશે.

5. ક્રેડિટ શેલ હવે વૈકલ્પિક

એરલાઇન્સ મુસાફરોને રિફન્ડની રકમ 'ક્રેડિટ શેલ' (ભવિષ્યમાં મુસાફરી કરવા માટેના પોઈન્ટ્સ)માં રાખવા માટે મજબૂર કરી શકશે નહીં. મુસાફર પાસે પૂરેપૂરા પૈસા પાછા મેળવવા અથવા ક્રેડિટ શેલ રાખવાનો વિકલ્પ રહેશે.

6. માહિતીની પારદર્શિતા

એરલાઇન્સે રિફન્ડની રકમ અને તેનું વિભાજન સ્પષ્ટ રીતે દર્શાવવું પડશે.

કેન્સલેશન ચાર્જની માહિતી બુકિંગ સમયે જ આપવી ફરજિયાત છે.

7. કેન્સલેશન ચાર્જ પર મર્યાદા

એરલાઇન્સ હવે બેઝ ફેર + ફ્યુલ સરચાર્જથી વધુ કેન્સલેશન ચાર્જ વસૂલી શકશે નહીં. (એજન્ટ ચાર્જ અલગ હોઈ શકે છે જે બુકિંગ વખતે જણાવવા જરૂરી છે).

8. નામ સુધારણામાં રાહત

જો ટિકિટમાં નામની સ્પેલિંગમાં ભૂલ હોય, તો 24 કલાકની અંદર સુધારો કરાવવા પર કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં.

9. મેડિકલ ઇમરજન્સીમાં રિફન્ડ

જો મુસાફર અથવા તેના પરિવારના સભ્ય (એક જ PNR પર) હોસ્પિટલમાં દાખલ હોય, તો એરલાઇને રિફન્ડ અથવા ક્રેડિટ શેલની સુવિધા આપવી પડશે.

DGCAનો મુખ્ય ઉદ્દેશ્ય

આ નવા નિયમો પાછળ સરકારનો ઉદ્દેશ્ય મુસાફરોની ફરિયાદોમાં ઘટાડો લાવવાનો અને એરલાઇન્સની મનમાની અટકાવવાનો છે. હવેથી હવાઈ મુસાફરી વધુ સુરક્ષિત અને ગ્રાહકલક્ષી બનશે.