For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહારાષ્ટ્રમાં 36 હજાર સાથે દેશમાં કોરોનાના નવા 1 લાખ કેસ

ઓમિક્રોનના કેસ વધતા 9 રાજ્યોને ટેસ્ટિંગ વધારવા કેન્દ્રનો નિર્દેશ

એક દિવસમાં ઓમિક્રોનના સૌથી વધુ 495 કેસ : દિલ્હી અને બંગાળમાં 15-15 હજાર કેસ

Updated: Jan 6th, 2022

Article Content Image
નવી દિલ્હી, તા.૬
ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે અને કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ દરરોજ લગભગ બમણા થઈ રહ્યા છે. દેશમાં ગુરુવારે કોરોનાના નવા એક લાખથી વધુ કેસ નોંધાયા હતા, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૩૬,૦૦૦ કેસ સામે આવ્યા હતા. ઉપરાંત દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં પણ એક જ દિવસમાં ૧૫-૧૫ હજાર કેસ નોંધાયા હતા. આ સિવાય તામિલનાડુ, કર્ણાટક, કેરળ સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.
દેશમાં હજુ ગયા સપ્તાહે જ કોરોના મહામારી નિયંત્રણ હેઠળ હોવાનું જણાતું હતું અને કોરોનાના દૈનિક કેસ ૫,૦૦૦થી ૭,૦૦૦ સામે આવી રહ્યા હતા. પરંતુ એક જ સપ્તાહમાં કોરોનાના દૈનિક કેસ એક લાખને પાર થઈ ગયા છે. દેશમાં ઓમિક્રોનના કેસમાં પણ અસાધારણ ઊછાળો આવ્યો હતો. ગુરુવારે એક દિવસમાં ઓમિક્રોનના સૌથી વધુ ૪૯૫ કેસ નોંધાયા છે. સાથે દેશમાં ઓમિક્રોનના કુલ કેસ ૨૬૩૦ને પાર થઈ ગયા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથતી વધુ ૭૯૭ કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩,૪૩,૪૧,૦૦૯ દર્દીઓ સાજા થયા છે.
દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ પણ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોનાના ૩૬,૨૬૫ કેસ નોંધાયા હતા અને ૧૩ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે ૮,૯૦૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. રાજ્યમાં ગુરુવારે ઓમિક્રોનના ૭૯ કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ પણ વધીને ૧,૧૪,૮૪૭ થઈ ગયા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની માગ દૈનિક ૮૦૦ મેટ્રિક ટનથી વધુ થશે તો રાજ્યમાં લોકડાઉન લાગુ કરવા અંગે વિચારણા કરાશે. મુંબઈમાં પણ કોરોનાના નવા કેસ ૨૦,૦૦૦ને પાર થઈ ગયા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ૭૯,૨૬૦ થઈ છે. મુંબઈમાં ટેસ્ટ કરાયેલા ૬૭ હજાર સેમ્પલમાંથી ૨૦,૧૮૧ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે.
દિલ્હીમાં પણ કોરોના સંક્રમણના કેસ વધીને ૧૫,૦૦૦ને પાર થઈ ગયા છે. અને વધુ છ લોકોનાં મોત થયા છે. એક્ટિવ કેસ ૩૧,૪૯૮ થયા છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ વધીને ૧૫.૩૪ ટકા થઈ ગયો છે. દિલ્હીમાં કોરોનાના વધતા કેસના પગલે ફરી એક વખત કોવિડ સેન્ટર્સ ખોલવામાં આવ્યા છે, જ્યાં ૧૦૦ ઓક્સિજન બેડવાળી સુવિધા છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના નવા ૧૫,૦૦૦ કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં ગુરુવારે સતત આઠમા દિવસે કોરોનાના કેસ વધ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગના બુલેટિન મુજબ કોરોનાના નવા ૧૫,૪૨૧ કેસ સામે આવ્યા હતા અને અડધાથી વધુ ૬,૫૬૯ નવા કેસ એકલા કોલકાતામાં જ નોંધાયા હતા.
તામિલનાડુમાં કોરોનાના દૈનિક કેસ ૬,૯૮૩ નોંધાયા હતા જ્યારે ૧૧નાં મોત નીપજ્યાં હતા. કર્ણાટકમાં પણ ૫,૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે જ્યારે એક દર્દીનું મોત થયું હતું. હરિયાણામાં પણ કોરોનાના નવા ૨,૬૭૮ કેસ સામે આવ્યા હતા.
દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુરુવારે કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેઓ બીજી વખત કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, આજે સાંજે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. મને હળવા લક્ષણો જણાય છે. વધુ કોઈ સમસ્યા નથી. મારા સંપર્કમાં આવનારા બધા લોકોએ તેમના કોરોના ટેસ્ટ કરાવવા જોઈએ. રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહમંત્રી નિત્યાનંદ રાયનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સીએપીએફના એક કાર્યક્રમમાં હાજરી આપ્યાના બીજા દિવસે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. સ્વાસ્થ્ય વિભાગમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી ભારતી પવારનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

Gujarat