India

નેસ્લે પર તવાઈ : બેબી ફૂડ પ્રોડક્ટમાં ખોટા દાવા બદલ ફૂડ ઓથોરિટીના પગલાં

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હી: FSSAI એ નેસ્લે ઈન્ડિયાના 3 બેબી ફૂડ ઉત્પાદનો સામે નિયમોના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. નેન એક્સેલા પ્રો સ્ટેજ-1 અને લેક્ટોજેન પ્રો-1 માં ખોટા દાવા અને બાયોટિનનું અયોગ્ય પ્રમાણ જોવા મળ્યું. નેસ્લેએ ઉત્પાદનો સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. સરકારે ફૂડ સેમ્પલિંગ રિપોર્ટ 14 દિવસમાં આપવા લેબોરેટરીઓને નિર્દેશ આપ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેસ્લે પર તવાઈ : બેબી ફૂડ પ્રોડક્ટમાં ખોટા દાવા બદલ ફૂડ ઓથોરિટીના પગલાં

નવી દિલ્હી: દેશમાં ફૂડ નિયમનકાર એફએસએસએઆઈએ શુક્રવારે ત્રણ બેબ ફૂડ ઉત્પાદનોમાં નિયમોના કથિત ભંગ બદલ નેસ્લે ઈન્ડિયા સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ એફએમસીજી કંપનીએ દાવો કર્યો હતો કે તેના ઉત્પાદનો બાળકો માટે સંપૂર્ણ સુરક્ષિત અને લાગુ સરકારી નિયમોને અનુરૂપ છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે દેશમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા અને ભેળસેળીયા તત્વો પર ત્વરિત પગલાં લેવા ખાદ્ય પ્રયોગશાળાઓને ફૂડ સેમ્પલિંગના ટેસ્ટિંગ રિપોર્ટ ૧૪ દિવસમાં આપી દેવા નિર્દેશ આપ્યા છે.
દેશમાં બાળકો માટે પોષક આહાર બનાવતી એફએમસીજીની અગ્રણી કંપની નેસ્લેના નવજાત બાળકો માટે વપરાશમાં લેવાતા ફોર્મ્યુલા મિલ્ક સંબંધિત ઉત્પાદનો નેન એક્સેલા પ્રો સ્ટેજ-૧ અને લેક્ટોજેન પ્રો-૧ સામે ફૂડ ઓથોરિટી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)એ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
એફએસએસએઆઈને આ ઉત્પાદનોની જાહેરાતોમાં કરાયેલા દાવા અને ઉત્પાદનમાં જરૂરી પોષક તત્વ બાયોટિનનું પ્રમાણ અયોગ્ય હોવાનું જણાયું છે. ફૂડ ઓથોરિટી મુજબ નેસ્લે ઈન્ડિયાએ નવજાત બાળકોના બે ઉત્પાદનો અંગે જાહેરાતોમાં ખોટા દાવાઓ કર્યા છે. નેસ્લે ઈન્ડિયાના નાન એક્સેલ્લાપ્રો સ્ટેજ-૧ તથા લેક્ટોજેન પ્રો-૧ નાના બાળકો માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ્યુલા મિલ્ક કેટેગરીમાં આવે છે.
ફૂડ ઓથોરિટી મુજબ કંપનીની જાહેરાતમાં કરાયેલા કેટલાક દાવા નિશ્ચિત માપદંડોને અનુરુપ નહોતા. તેના આધારે કાર્યવાહી કરાઈ છે. કંપનીના અન્ય એક ઉત્પાદનમાં બાયોટિનનું પ્રમાણ ઓછું છે. આ એક જરૂરી વિટામિન છે, જે શરીર માટે મહત્વપૂર્ણ હોય છે. ફૂડ ઓથોરિટીએ આ ઉત્પાદનની બે વખત તપાસ કરી અને બંને વખત તેનું પ્રમાણ નિશ્ચિત માત્રા કરતાં ઓછું જણાયું હતું.
બેબી ફૂડના કિસ્સામાં ઉત્પાદનોના પેકેજિંગ અને જાહેરાતમાં કરાતા દાવા અંગે આકરા નિયમો હોય છે. જોકે, નેસ્લે ઈન્ડિયાએ ફૂડ ઓથોરિટીના દાવાઓને નકારી કાઢ્યા છે અને તેના ઉત્પાદનો બાળકો માટે એકદમ સુરક્ષિત તથા સરકારી નિયમોને અનુરૂપ હોવાનું જણાવ્યું હતું. ફૂડ ઓથોરિટીના સૂત્રોએ કહ્યું કે, તેમની કાર્યવાહીનો અર્થ એ નથી કે નેસ્લેના બધા બેબી ફૂડ ઉત્પાદનો અસુરક્ષિત છે. વર્તમાન કેસ માત્ર જાહેરાતના દાવા અને બાયોટિનની માત્રા સંબંધે છે. અન્ય એક ઘટનાક્રમમાં દેશમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે ત્વરિત પગલાં લેવા માટે એફએસએસએઆઈએ ખાદ્ય પ્રયોગશાળાઓને ખાવા-પીવાની વસ્તુઓના સેમ્પલ મળ્યાના ૧૪ દિવસમાં ટેસ્ટિંગ રિપોર્ટ આપવા નિર્દેશ આપ્યા છે. વિદેશોમાંથી આયાત થતા ખાદ્ય પદાર્થોના કિસ્સામાં આ સમય મર્યાદા માત્ર પાંચ દિવસ કરાઈ છે. એફએસએસઅએઆઈએ આ અંગે મંગળવારે નોટિફિકેશન પણ બહાર પાડયું હતું. જોકે, આ નિયમો ૧ એપ્રિલ, ૨૦૨૭થી સમગ્ર દેશમાં લાગુ પડશે.