VIDEO : જયપુરમાં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યાં, અનેક ગાડીઓને ટક્કર મારી! 19ના મોત

Jaipur Dumper Accident: રાજસ્થાનના જયપુરમાં ડમ્પરે અનેક ગાડીઓને ટક્કર મારતા 19 લોકોના મોત થયા છે, જ્યારે 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર ઈજાના કારણે મોતનો આંકડો હજુ પણ વધે તેવી આશંકા છે. સ્થાનિકોનો દાવો છે કે બેફામ ડમ્પર ચાલકે સૌથી પહેલા એક કારને ટક્કર મારી અને પછી અન્ય ગાડીઓને કચડતો ગયો. અકસ્માત એટલો ભીષણ હતો કે ડમ્પરના 30થી 40 ગાડીઓની એક બીજામાં ટક્કર થઈ. ડમ્પરની સામે જે આવ્યું તેને ટક્કર મારી અને આશરે 50 લોકોને કચડી નાંખ્યા. ડ્રાઈવરે ચિક્કાર દારૂ પીધો હોવાનો પણ દાવો છે. અકસ્માત બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક ધોરણે પોલીસે કહ્યું છે કે ડમ્પર ચાલકે 5થી વધુ ગાડીઓને ટક્કર મારી 50 લોકોને કચડ્યાં છે, જેના કારણે 19 લોકોના મોત થયાના અહેવાલ છે. કેટલાક લોકો ગાડીઓની નીચે દબાઈ ગયા હતા.
ડમ્પરે અનેક ગાડીઓને ટક્કર મારી
લોહા મંડી રોડ નંબર 14 પર થયેલા આ અકસ્માત બાદ ગાડીઓના ફૂરચાં ઊડી ગયા હતા. અકસ્માત બપોરે 1 વાગ્યાની આસપાસ થયો. ડમ્પર અનેક વાહનો અને માણસોને કચડતો ગયો પછી છેલ્લે મોટા ડિવાઈડર સાથે અથડાઈ ઊભો રહ્યો.
રસ્તા પર જ્યાં જુઓ ત્યાં મૃતદેહો અને માનવ અંગો વિખેરાયા
ઘટના એટલી ઝડપથી બની કે લોકોને બચીને ભાગવાનો મોકો પણ ન મળ્યો. રસ્તા પર જ્યાં ત્યાં લોકોના મૃતદેહ વિખેરાઈ ગયા. અનેક લોકોના શરીરના અંગ પણ કપાઈને રસ્તા પર વિખેરાઈ ગયા હતા. ઈજાગ્રસ્તો રસ્તા પર મદદની માંગ સાથે તડપતાં હતા.
ઘટનાસ્થળના દૃશ્યો
અનેક લોકો ગાડીઓની અંદર અથવા નીચે દબાયા
પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પહોંચ્યા હતા ડમ્પરને હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. વાહનો ક્ષતિગ્રસ્ત થયા બાદ અનેક લોકો કારની અંદર જ ફસાઈ ગયા હતા. તેમને કટિંગ મશીનની મદદથી બહાર કાઢવામાં આવ્યા.
તપાસ બાદ જ અકસ્માતનું કારણ જાણી શકાશે
હાલ તો પોલીસ મૃતકોની ઓળખ કરી તેમના પરિજનોને જાણ કરવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિકોમાંથી કેટલાકનો દાવો છે કે ડ્રાઈવર નશામાં હતો જ્યારે કેટલાકનો દાવો છે કે બ્રેક ફેઈલ થઈ હતી. સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે.
આજે સવારે જ તેલંગાણામાં અકસ્માતમાં 20ના મોત
તેલંગાણાના રંગારેડ્ડીમાં નેશનલ હાઈવે પર સોમવારે સવારે ડમ્પર અને બસ વચ્ચે ટક્કરમાં 20 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. બસ તંદૂરથી હૈદરાબાદ જઈ રહી છે જેમાં 70થી વધુ મુસાફરો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર ડમ્પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ સાથે ટક્કર થઈ હતી. ટક્કર બાદ બસના ફૂરચાં ઊડી ગયા હતા અને ડમ્પરમાં ભરવામાં આવેલી નીચે પડતાં કેટલાક લોકો તેમાં દટાઈ પણ ગયા હતા.
ગઇકાલે રાજસ્થાનમાં અકસ્માતમાં 15ના મોત
બીજી તરફ રાજસ્થાનના ફલોદી જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ પર રવિવારે રાત્રે ભીષણ અકસ્માતમાં 15 લોકોએ જીવ ગુમાવ્યો. જોધપુરના 18 શ્રદ્ધાળુ બિકાનેરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ટેમ્પો ટ્રાવેલર રસ્તા પર ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી.

