ટ્રકમાં ઘૂસી ગઈ ટેમ્પો ટ્રાવેલર, 15 લોકોના મોત: જોધપુરમાં ગમખ્વાર અકસ્માત

Accident in Rajasthan: રાજસ્થાનના ફલોદી જિલ્લાના ભારતમાલા એક્સપ્રેસ વે પર રવિવારે (બીજી નવેમ્બર) મોડી સાંજે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં જોધપુરના સૂરસાગરના લોકો બિકાનેર સ્થિત કોલાયત મંદિરમાં દર્શન કરી ટેમ્પો ટ્રાવેલરમાં પાછા ફરી રહ્યા હતા. હનુમાન સાગર ચાર રસ્તા નજીક પૂરપાટ ઝડપે ટેમ્પો ટ્રાવેલર રસ્તા પર ઊભા રહેલા ટ્રકની પાછળ ઘૂસી ગયો હતો. આ અકસ્માતમાં 15થી વધુ લોકોનાં મોત નિપજ્યાં, જ્યારે અન્ય 16 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.
ફલોદીના પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ કુંદન કંવરિયાએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો અંગે પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું, 'આ અકસ્માતમાં 15થી વધુ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં હતા. ઈજાગ્રસ્તોને ઓસિયાં હોસ્પિટલ ખસેડાયા હતા, ત્યાંથી ગ્રીન કોરિડોર બનાવી જોધપુર રેફર કરાયા હતા.'
આ પણ વાંચો: બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 17 મુસાફરોના મોત, તેલંગાણામાં ભીષણ અકસ્માત
શબ ટેમ્પો ટ્રાવેલરની સીટો અને લોખંડના પાઈપો વચ્ચે ફસાઈ ગયા
ફલોદીના ડીએસપી અચલસિંહ દેવડાએ કહ્યું કે, 'ટેમ્પો ટ્રાવેલર અને ટ્રક વચ્ચે અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પો ટ્રાવેલરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અનેક શબ ટેમ્પો ટ્રાવેલરની સીટો અને લોખંડના પાઈપો વચ્ચે ફસાઈ ગયા હતા. આ મૃતદેહોને બહાર કાઢવામાં પોલીસ અને સ્થાનિક લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.'
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
અકસ્માતની જાણ થતાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શરમાએ સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે 'X' પર પોસ્ટ કરીને લખ્યું 'ફલોદીના મતોડા ક્ષેત્રમાં માર્ગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ છે. મારી સંવેદનાઓ શોકાકુલ પરિવારજનો સાથે છે. જિલ્લા તંત્રના અધિકારીઓને બધા જ ઘાયલોની યોગ્ય સારવાર કરાવવા માટે નિર્દેશ આપી દેવાયા છે. પ્રભુને પ્રાર્થના છે કે દિવંગત આત્માઓને શાંતિ આપે તથા ઈજાગ્રસ્તોને ઝડપથી સાજા કરે.'

