Nashik News : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં એક સરકારી હોસ્ટેલમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ પર તેમનાથી નાની ઉંમરના બાળકો સાથે રેગિંગના નામે 'અપ્રાકૃતિક સેક્સ' (સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય) કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસે આ મામલે સગીર આરોપીઓ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઘટનાની મુખ્ય વિગતો
નાશિક જિલ્લાની એક સરકારી હોસ્ટેલમાં, જ્યાં 60 વિદ્યાર્થીઓની ક્ષમતા છે અને હાલ 48 વિદ્યાર્થીઓ રહી રહ્યા છે. ધોરણ 10માં ભણતા સિનિયર વિદ્યાર્થીઓ, ધોરણ 5 અને 6માં ભણતા માસૂમ બાળકો પર રેગિંગના બહાને છેલ્લા 6-7 મહિનાથી અત્યાચાર ગુજારતો હતો. ભોગ બનનાર બાળકોએ હિંમત એકઠી કરી 22 ફેબ્રુઆરીએ હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટને આ અંગે જાણ કરી હતી.
તંત્ર અને હોસ્ટેલની બેદરકારી
રિપોર્ટ અનુસાર, જ્યારે આ ઘટના હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટના ધ્યાન પર આવી, ત્યારે તેમણે પોલીસને જાણ કરવાને બદલે આરોપી વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી તેમને ઘરે લઈ જવા કહ્યું હતું. આ મામલે જ્યારે એક પીડિત બાળકના વાલીએ હિંમત દાખવી મંગળવારે પોલીસ ફરિયાદ નોંધાવી, ત્યારે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.
પોલીસની કડક કાર્યવાહી
એસપી બાલાસાહેબ પાટીલે પોતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, આરોપી વિદ્યાર્થીઓને કસ્ટડીમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, ત્યારબાદ તેમને જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે.આ ઉપરાંત સ્ટાફ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટ સહિત ત્રણ કર્મચારીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમના પર આરોપ છે કે, ઘટનાની જાણ હોવા છતાં તેમણે પોલીસને સમયસર જાણ કરી નહોતી.
સેફ સિટી અને સુરક્ષા પર સવાલ
આ ઘટનાએ શિક્ષણ સંસ્થાઓ અને સરકારી હોસ્ટેલોમાં બાળકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. રેગિંગ જેવી બદીના નામે બાળકોનું જે રીતે જાતીય શોષણ કરવામાં આવ્યું, તેનાથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે.


