Mallikarjun Kharge On RSS And BJP : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનો ઉલ્લેખ કરીને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધ્યું છે.’
RSS પર ફરી પ્રતિબંધ લગાવી દેવો જોઈએ : ખડગે
ખડગેએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના એક નિવેદન સંબંધિત સવાલના જવાબમાં કહ્યું કે, ‘મારો વ્યક્તિગત વિચાર છે કે, આરએસએસ પર ફરી પ્રતિબંધ લગાવી દેવો જોઈએ, કારણ કે દેશમાં કાયદો-વ્યવસ્થા સંબંધીત મોટાભાગની ગડબડી માટે આરએસએસ અને ભાજપ જવાબદાર છે.’
સરદાર પટેલે RSS પર પ્રતિબંધ મૂક્યો હતો : કોંગ્રેસ અધ્યક્ષ
કોંગ્રેસ અધ્યક્ષે દાવો કર્યો છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂઠને સાચુ બતાવવામાં માહેર છે. સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના ધર્મનિરપેક્ષ અને લોકશાહી સ્વરૂપની રક્ષા માટે RSS પર પ્રતિબંધ મૂક્યો હતો. તમે (ભાજપ) દરેક બાબતે કોંગ્રેસને દોષ આપો છે, તો પછી તમારી પણ કરતૂત જોઈલો. તમે સત્યને જેટલું મિટાવવાનો પ્રયાસ કરશો, પરંતુ તે નહીં મટે.’
‘ભાજપ નેહરુ-પટેલ વચ્ચે ઝઘડો બતાવવાનો પ્રયાસ કરે છે’
તેમણે એમ પણ કહ્યું કે, ભાજપ હંમેશા નેહરુ અને પટેલ વચ્ચે ઝઘડો દેખાડવાનો પ્રયાસ કરે છે, જ્યારે નેહરુ અને પટેલ વચ્ચે ખૂબ સાચા સંબંધો હતા. પટેલે નેહરુને પ્રજાના સેવક ગણાવ્યા હતા. હું ભાજપને કહેવા માંગું છું કે, તમે દહીમાં કાંકડા ન શોધો. તમારો ઈતિહાસ સૌને ખબર છે. સૌથી પ્રથમ નહેરુએ જ ગુજરાતમાં પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. સરદાર સરોવર બંધનો પાયો પણ નાખ્યો હતો.’
PM મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનીટી પાસે આજે ‘એકતા દિવસ પરેડ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ વિશેષ ઉપસ્થિત રહીને પ્રજાને સંબોધન કર્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘સરદાર પટેલ અન્ય રજવાડાઓની જેમ આખા કાશ્મીરને ભારતમાં ભેળવવા માગતા હતા, પરંતુ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમ થવા દીધું નહીં.’
કોંગ્રેસની ભૂલનું નુકસાન દેશે દાયકાઓ સુધી ભોગવવું પડ્યું : મોદી
વડાપ્રધાને એમ પણ કહ્યું કે, ‘સરદાર પટેલનું માનવું હતું કે, ઈતિહાસ લખવામાં સમય ન બગાડવો જોઈએ, પરંતુ ઈતિહાસ બનાવવા માટે સખત મહેનત કરવી જોઈએ. સરદાર પટેલ આખા કાશ્મીરનું એકીકરણ કરવા માગતા હતા, જે રીતે તેમણે અન્ય રજવાડાઓ સાથે કર્યું હતું. પરંતુ નેહરુજીએ તેમની ઈચ્છા પૂરી થવા દીધી નહીં. કાશ્મીરનું વિભાજન થયું, તેને અલગ બંધારણ અને અલગ ધ્વજ આપવામાં આવ્યો અને કોંગ્રેસની આ ભૂલનું નુકસાન દેશે દાયકાઓ સુધી ભોગવવું પડ્યું.’
આ પણ વાંચો : SOU ખાતે ભવ્ય એકતા પરેડ, એરફોર્સે આકાશી સેલ્યુટ આપ્યું, મહિલા નેતૃત્વમાં માર્ચ પાસ્ટ


