મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલરે 20 ગાડી અડફેટે લીધી, ચારના મોત
Mumbai Pune Expressway accident : મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં એક અનિયંત્રિત ટ્રેલરની બ્રેક ફેલ થઈ જવાના કારણે આ અકસ્માતમાં 20 ગાડીઓ અથડાઈ હતી. અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ભારે ટ્રાફિકને કારણે 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે લગભગ ત્રણ વાહનો સંપૂર્ણપણે ભંગાર થઈ ગયા હતા. આ ઉપરાંત અન્ય ઘણા વાહનોને ભારે નુકસાન થયું છે અને ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 15 થી વધુ લોકો ઘાયલ થયા હોવાનો રિપોર્ટ છે.
અનિયંત્રિત ટ્રેલરે લગભગ 20ને ટક્કર મારી
મળતી માહિતી મુજબ નવી બનેલી ટનલ પાસે એક અનિયંત્રિત ટ્રેલરે લગભગ 20ને ટક્કર મારી હતી. આ અકસ્માત નવી ટનલ અને ફૂડમોલ હોટલ વચ્ચે અકસ્માત ખોપોલી વિસ્તાર નજીક થયો હતો. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને અકસ્માત બાદ વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે સૌથી વ્યસ્ત એક્સપ્રેસ વે છે. તેમાં પણ વીકએન્ડના કારણે ગાડીઓનું ભારે દબાણ હતું. આ દરમિયાન અકસ્માતને કારણે વાહનોની લાંબી લાઇન લાગી ગઈ હતી.
અનિયંત્રિત ટ્રેલરે મારી ટક્કર
દુર્ઘટના લોનાવાલા ખંડાલા ઘાટથી મુંબઈ જતી લેન પર ઉતરતી વખતે ટ્રેલરની બ્રેક ફેલ થવાને કારણે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. અનિયંત્રિત ટ્રેલરે તેની આગળ જતા અનેક વાહનો અને ટ્રકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અનેક કારોને નુકસાન થયું છે. અકસ્માત પછી આ રૂટ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. અકસ્માત બાદ ફસાયેલા લોકોને તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવા માટે પોલીસ ટ્રાફિક વ્યવસ્થામાં જોડાઈ છે. ખોપોલી પોલીસ અને સ્થાનિક રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.
કેટલાક કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ
આ અંગે મળતી વધુ માહિતી પ્રમાણે એક્સપ્રેસ વે પરથી દરરોજ બે લાખથી વધુ વાહનો પસાર થાય છે. તેમા પણ વીક એન્ડમાં જ્યારે પ્રવાસીઓ ચોમાસા અને ધોધનો આનંદ માણવા માટે લોનાવલા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ સમય દરમિયાન મુંબઈથી ઘણા પ્રવાસીઓ સાંજે શહેર તરફ પરત ફરી રહ્યા હતા જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો.