કોલ્હાપુરી ચંપલની હવે દુનિયાભરમાં ચર્ચા! સરકારે કહ્યું- 10 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ મળે તેવી શક્યતા
Kolhapuri Chappal: જો તમે ક્યારેય કોલ્હાપુરી ચંપલની સાદગી અને કારીગરીને માણી હોય તો હવે આ ચંપલ ગ્લોબલ સ્ટેઝ પર જોવા માટે તૈયાર થઈ જાવ. મહારાષ્ટ્રના આ પરંપરાગત ચંપલે હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ધૂમ મચાવી છે. હકીકતમાં ભારત અને બ્રિટન વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો તેની પાછળ મોટો હાથ છે.
8000 થી 10000 કરોડ રૂપિયાનો બિઝનેસ થશે
આ અંગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે હાલમાં જ દિલ્હીમાં એક નિવેદનમાં ખુલાસો કર્યો હતો કે, કોલ્હાપુરી ચંપલ જે ભારતનું ભૌગોલિક સંકેત (GI) ઉત્પાદન છે, આવનારા દિવસોમાં તે 8000 થી 10000 કરોડ રૂપિયાનો બિઝનેસ થાય તેવી સંભાવના રહેલી છે. આ સમાચાર માત્ર કારીગરો માટે ખૂશખબરી નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રભાવને પણ દર્શાવે છે.
વૈશ્વિક બ્રાન્ડ્સની નજરમાં કોલ્હાપુરી ચંપલ
ગોયલે વધુ માહિતી આપતાં કહ્યું કે, જ્યારે કોઈ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડે કોલ્હાપુરી ચંપલની ડિઝાઇનનો ઉપયોગ કર્યો, ત્યારે વાણિજ્ય મંત્રાલયે તાત્કાલિક કાર્યવાહી કરી. તેમણે કહ્યું, 'અમારા ઉત્પાદનોને ક્રેડિટ અપાવવી એ અમારો અધિકાર છે. ભવિષ્યમાં જ્યારે કોલ્હાપુરી ચંપલ નિકાસ કરવામાં આવશે, ત્યારે ભારતને તેની ડિઝાઇન માટે સંપૂર્ણ ક્રેડિટ મળશે.' આ માત્ર કારીગરોની મહેનતનું સન્માન મળે છે એવુ નથી, પરંતુ વૈશ્વિક બ્રાન્ડ્સ પણ હવે ભારતીય ઉત્પાદનો સાથે જોડાવાની ઇચ્છા દર્શાવી રહી છે.
ગોયલના જણાવ્યા પ્રમાણે ઘણી પ્રખ્યાત કંપનીઓ કોલ્હાપુરી ચંપલ જેવા ઉત્પાદનોને પોતાના નામથી વેચીને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતારવા ઈચ્છે છે.
આ પણ વાંચો: કંબોડિયા-થાઈલેન્ડ યુદ્ધ: અત્યાર સુધી 32ના મોત, આ મુસ્લિમ દેશ મધ્યસ્થી બનવા તૈયાર
ભારત-બ્રિટેન FTAની અસર
ભારત અને બ્રિટન વચ્ચે હાલમાં થયેલા FTAમાં આ ચંપલને નવી ઓળખ મળી છે. આ કરાર હેઠળ કોલ્હાપુરી ચંપલ જેવા GI ઉત્પાદનોને બ્રિટનમાં ડ્યૂટી ફ્રી કરવામાં આવતાં રસ્તો ખુલી ગયો છે. જેથી મહારાષ્ટ્રના કારીગરોને નવી આવક ઉભી થશે અને સાથે રોજગાર પણ વધશે. ગોયલે કહ્યું કે, આ કરારથી માત્ર વ્યાપારનો જ વધારો નહીં પરંતુ ભારતીય હસ્તશિલ્પને ગ્લોબલ મંચ પર સ્થાપિત કરશે.