ભારત સાથે કેમ પંગો લેવા માંગે છે બાંગ્લાદેશના યુનુસ? પાકિસ્તાન બાદ તુર્કીયેને આપ્યું વિવાદિત નકશો દર્શાવતું પેઇન્ટિંગ

India-Bangladesh Controversy : મોહમ્મદ યૂનુસ જ્યારથી બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બન્યા છે, ત્યારથી તેઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું, સંબંધો બગાડવાનું, ભારતના દુશ્મન દેશને સમર્થન આપવાનું અને આડકતરી રીતે ભારતને ટાર્ગેટ કરવાનું કામ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા યૂનુસે પાકિસ્તાનને એક વિવાદાસ્પદ પેઈન્ટિંગવાળો નકશો આપ્યો હતો, ત્યારે હવે તેમણે આવો જ નકશો તુર્કેઈને આપ્યો છે. આ નક્શામાં ભારતના પૂર્વોત્તર ક્ષેત્રને બાંગ્લાદેશનો ભાગ દેખાડાયો છે.
દસ્તાવેજમાં ભારત સાથે યુદ્ધની વિગતોનો ઉલ્લેખ
વિવાદાસ્પદ રાજકીય ગેમ રમનારા યૂનુસે તુર્કીના સંસદીય પ્રતિનિધિમંડળને એક આર્ટવર્ક ભેટ આપી છે, જેમાં કથિત રીતે ભારતના પૂર્વોત્તર ક્ષેત્રને બાંગ્લાદેશના હિસ્સા તરીકે દર્શાવવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ તુર્કીના પ્રતિનિધિમંડળને સોંપવામાં આવેલા દસ્તાવેજોમાં ભારત સાથે યુદ્ધ અને ત્યારબાદની યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
યૂનુસે અગાઉ પાકિસ્તાનને આવું પેઇન્ટિંગ ભેટ આપ્યું હતું
આ પહેલા યૂનુસે પાકિસ્તાનના વરિષ્ઠ સૈન્ય અધિકારી જનરલ સાહિર શમશાદ મિર્ઝાને પણ આ જ પ્રકારનો વિવાદાસ્પદ નકશો ભેટ આપ્યો હતો, જેના પર ભારતે સખત નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટના પર ભારત સરકાર ગંભીરતાથી નજર રાખી રહી છે.
યૂનુસ હંમેશા પાકિસ્તાનના સમર્થનમાં
આ તમામ ઘટનાક્રમ પરથી લાગી રહ્યું છે કે, યૂનુસ સરકાર બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવાના પ્રયાસોમાં કરી રહ્યા છે. તેઓ ભારતના દુશ્મન દેશો પાકિસ્તાન અને તુર્કેઈની હંમેશા સમર્થન આપતા રહ્યા છે. તાજેતરમાં જ ભારત-પાકિસ્તાન વચ્ચેના વિવાદમાં પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું, તો તુર્કેઈએ પણ પાકિસ્તાનની તરફેણ કરી હતી.
તુર્કેઈ પણ પાકિસ્તાન પ્રેમી
તુર્કેઈ કાશ્મીર વિવાદ મામલે હંમેશા પાકિસ્તાનના વલણને સમર્થન આપતો રહ્યો છે, જે ભારત-તુર્કેઈ સંબંધોમાં મુખ્ય તણાવનો મુદ્દો છે. તાજેતરમાં તુર્કેઈએ ભારત-પાકિસ્તાન તણાવના સમયગાળા દરમિયાન પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે, જેના કારણે દ્વિપક્ષીય સંબંધોમાં ગંભીર તણાવ આવ્યો છે.
આ પણ વાંચો : અમેરિકામાં મોટો આતંકી હુમલો ટળ્યો, FBIએ પાંચમાંથી બે વ્યક્તિની કરી ધરપકડ, હથિયારો જપ્ત

