મહાદેવ એપ કૌભાંડ કેસનો મુખ્ય આરોપી દુબઈમાંથી લાપતા, પ્રત્યાર્પણની આશા રાખનાર ભારતને ઝટકો

Mahadev Betting App Scam : 6000 કરોડ રૂપિયાનાના મહાદેવ ઓનલાઇન સટ્ટાબાજી એપ કૌભાંડના મુખ્ય આરોપી અને એપનો પ્રમોટર રવિ ઉપ્પલ યુએઈમાંથી કથિત ગુમ થઈ ગયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. યુએઈના અધિકારીઓએ ભારતીય એજન્સીઓને આ અંગેની જાણ કરી છે, જેના કારણે સીબીઆઈ, ઈડી અને છત્તીસગઢ પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસને મોટો ફટકો પડ્યો છે. ઉપ્પલ અને તેના સહ-માલિક સૌરભ ચંદ્રાકર પર ગેરકાયદે સટ્ટાબાજી દ્વારા હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે.
ઉપ્પલ ફરાર થઈ ગયો હોવાની શંકા ઘેરી બની
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ કૌભાંડના બીજા મુખ્ય આરોપી અને સહ-માલિક સૌરભ ચંદ્રાકરને ઑક્ટોબર 2024માં ઇન્ટરપોલના રેડ નોટિસના આધારે યુએઈના અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યો હતો, જોકે બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ફરાર થયેલા હોવાની શંકા ધરાવતા રવિ ઉપ્પલને ડિસેમ્બર 2023માં પણ યુએઈ અધિકારીઓએ ટૂંકા સમય માટે અટકાયતમાં લીધો હતો, પરંતુ ત્યારબાદ તેને મુક્ત કરી દેવાયો હતો. CBI અને EDએ આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. રવિ ઉપ્પલની ગેરહાજરીથી તેના ભાગી જવાની શંકા ઘેરી બની છે.
આ પણ વાંચો : VIDEO : હરિયાણામાં ધોળા દિવસે યુવતી પર ગોળીબાર, હુમલાખોર ઓળખીતો જ નીકળ્યો
UAE પ્રત્યાર્પણની પ્રક્રિયા બંધ કરશે
રિપોર્ટ મુજબ, યુએઈએ પ્રત્યાર્પણની પ્રક્રિયા બંધ કરવાની શરુઆત કરી દીધી છે. 50 વર્ષથી ઓછી ઉંમરનો રવિ ઉપ્પલ સૌરભ ચંદ્રાકર સાથે મળીને 6000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપી છે. 2018માં આ બંનેએ સાથે મળીને આ સટ્ટાબાજી ઍપ્લિકેશન શરુ કરી હતી. ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે, સટ્ટાબાજીનું આ સામ્રાજ્ય ઓછામાં ઓછા 3200 પેનલોમાં જુદા જુદા શહેરોમાં ચાલતું હતું અને તેની રોજની કમાણી લગભગ 240 કરોડ રૂપિયા હતી. ઉપ્પલ અને ચંદ્રાકરે દુબઈમાં તેમના લગભગ 3500 સ્ટાફ માટે 20 બંગલા ભાડે લીધા હતા. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નામ પણ આ કેસમાં સામે આવ્યું છે.

