Get The App

અમેરિકામાં મોટો આતંકી હુમલો ટળ્યો, FBIએ પાંચમાંથી બે વ્યક્તિની કરી ધરપકડ, હથિયારો જપ્ત

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં મોટો આતંકી હુમલો ટળ્યો, FBIએ પાંચમાંથી બે વ્યક્તિની કરી ધરપકડ, હથિયારો જપ્ત 1 - image


America Halloween Terror Attack Plot : અમેરિકામાં એક મોટો આતંકવાદી હુમલો થતો અટકાવવામાં આવ્યો છે. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને(FBI) આ માહિતી આપી છે. FBIના ડિરેક્ટર કાશ પટેલે કહ્યું કે, એફબીઆઇએ એક મોટા નરસંહાર થતો અટકાવ્યો છે. મિશિગનના બે વ્યક્તિઓએ ડેટ્રોઇટ નજીક હેલોવીન આતંકી હુમલાની યોજના બનાવી હતી. તેમના ષડયંત્રમાં હથિયારો એકઠા કરવા, હુમલા માટે ટાર્ગેટ શોધવો અને ગન રેન્જની તાલીમ સામેલ હતી.

કોર્ટ દસ્તાવેજમાં ષડયંત્રનો ખુલાસો થયો

ફેડરલ પ્રોસિક્યુટર્સે આ બે વ્યક્તિઓ પર મિશિગનમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચીને અમેરિકામાં હુમલો કરવાની યોજના બનાવવાનો આરોપ મૂક્યો છે. આ માહિતી સોમવારે જાહેર કરાયેલા કોર્ટ દસ્તાવેજમાંથી મળી છે.

બંને આરોપીએ હથિયારો ખરીદ્યા હતા

એફબીઆઇના સોગંદનામા મુજબ, મોહમ્મદ અલી અને માજિદ મહમૂદે તાજેતરના મહિનાઓમાં રાઇફલો સહિતના હથિયારો ખરીદ્યા હતા અને ઓનલાઇન વાતચીત કરી હતી. આનાથી સંકેત મળ્યા છે કે, તેઓને હુમલાના ષડયંત્રની જાણ હતી.

અલી-મહમૂદ પર ISISને મદદ કરવાનો આરોપ

અલી અને મહમૂદ પર એક ફેડરલ કાયદા હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. તેમના પર હથિયારો અને દારુગોળો ટ્રાન્સફર કરવાનો પ્રયાસ અથવા ષડયંત્ર રચવાનો આરોપ લગાવાયો છે. આ આરોપ આતંકવાદી પ્રવૃત્તિઓમાં ગણવામાં આવશે. આ ઉપરાંત બંને પર ISISને મદદ કરવાનો પણ આરોપ મૂકાયો છે.

ષડયંત્રમાં પાંચ લોકો સામેલ હોવાનો દાવો

સરકારી વકીલની દલીલ છે કે, આ ષડયંત્રમાં ઓછામાં ઓછા એક કિશોર સહિત પાંચ લોકો સામેલ હતા. જોકે અત્યાર સુધી માત્ર બે જ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના પર કેસ ચાલી રહ્યો છે. કોર્ટના દસ્તાવેજો મુજબ, આ આરોપીઓએ હુમલાને પાર પાડવા માટે ISIS સંબંધિત સંદેશા શેર કરવા એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. બંને આરોપીઓએ હજી સુધી કોઈ દલીલ આપી નથી. અલીના વકીલે ટિપ્પણી માટેની વિનંતીનો તાત્કાલિક જવાબ આપ્યો ન હતો અને મહમૂદના વકીલની માહિતી ઉપલબ્ધ નહોતી.

આ પણ વાંચો : કેનેડાનો ખતરનાક પ્લાન, લાખો ભારતીયો ટેન્શનમાં, અમેરિકા પણ આ મામલે પાડોશીની કરશે મદદ

હેલોવીન પર હુમલાની યોજના

બીજીતરફ એફબીઆઇના સોગંદનામામાં કહેવાયું છે કે, અમેરિકન અધિકારીઓનો આરોપ છે કે, બંને વ્યક્તિઓએ તાજેતરના અઠવાડિયામાં ગન રેન્જમાં ફાયરઆર્મ્સ ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી અને એવું લાગે છે કે, તેમણે હેલોવીન પર 31 ઑક્ટોબરે હુમલાની યોજના બનાવી હતી. જોકે દસ્તાવેજમાં સ્પષ્ટ ન હતું કે, કયા સ્થળે હુમલો કરવાના છે.

કાશ પટેલે પોસ્ટ કરીને માહિતી આપી

FBI ડિરેક્ટર કાશ પટેલે એક્સ પરની એક પોસ્ટમાં કહ્યું કે, ‘હેલોવીન વીકએન્ડ પર સંભવિત આતંકવાદી હુમલો થવાનો હતો, જોકે અમારા અધિકારીઓએ હુમલાને અટકાવી દીધો છે.’ બીજી તરફ, આ મામલાની જાણકારી ધરાવતા બે સૂત્રોએ કહ્યું કે, પટેલની આ પોસ્ટથી ન્યાય વિભાગે ચિંતા વ્યક્ત કરી છે કે, તપાસને જાહેરમાં લાવતાં પહેલા તેની વધુ તપાસ કરવી જોઈતી હતી.

આ પણ વાંચો : સુદાનમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે RSF દ્વારા ભારતીય યુવક આદર્શ બહેરાનું અપહરણ

Tags :