India

દેશની વિવિધ હાઇકોર્ટોમાં 65 લાખથી વધુ પેન્ડિંગ કેસો

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
દેશની હાઇકોર્ટોમાં 65 લાખથી વધુ કેસો પેન્ડિંગ હોવાથી સામાન્ય લોકોને દાયકાઓ સુધી ન્યાય મળતો નથી. અલ્હાબાદ હાઈકોર્ટમાં 12.5 લાખ કેસ પડતર છે, જ્યાં રોજ 150-200 કેસોની સુનાવણી થાય છે. રાજસ્થાનના એક આરોગ્યકર્મીને 1999માં હટાવાયા બાદ 22 વર્ષે પણ ન્યાય મળ્યો નથી, જેથી તેમને સુપ્રીમ કોર્ટ જવું પડ્યું. આ સ્થિતિ ન્યાયિક વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશની વિવિધ હાઇકોર્ટોમાં 65 લાખથી વધુ પેન્ડિંગ કેસો
  • સામાન્ય લોકોને ન્યાય મળવામાં દાયકાઓ નીકળી જાય છે
  • અલ્લાહાબાદ હાઇકોર્ટમાં પ્રત્યેક બેન્ચ રોજ સરેરાશ ૧૫૦થી ૨૦૦ કેસોની સુનાવણી કરતી હોવા છતાં પેન્ડિંગ કેસો ૧૨.૫ લાખ

નવી દિલ્હી : ભારતીય કોર્ટોમાં વિલંબિત કેસોની સંખ્યા અંગે ફરી એક વખત ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યું છે. દેશની વિવિધ હાઇકોર્ટોમાં ૬૫ લાખથી વધારે કેસો વિલંબિત છે. જેના કારણે સામાન્ય લોકોને ન્યાય મળવામાં દાયકાઓનો સમય લાગી રહ્યો છે.
ઉદાહરણ તરીકે રાજસ્થાનનાં ઝાલોર જિલ્લાનાં એક આરોગ્યકર્મીને ૧૯૯૯માં રોજમદાર કર્મચારીનાં પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. તેની વિરુદ્ધ તેણે જોધપુર લેબર કોર્ટનાં ચુકાદાથી નાખુશ થઇને ૨૦૦૪માં રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી કરી હતી.
આ સમગ્ર કેસમાં ચોંકાવનારી અને હેરાન કરનારી વાત એ રહી છે કે આ ઘટનાનાં ૨૨ વર્ષ પછી પણ તેની અરજી પર સુનાવણી પૂર્ણ થઇ શકી નથી. નાછૂટકે તેને પોતાની અરજી પર ઝડપી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ જવું પડયું હતું.
આ કેસમાં મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઇ) સૂર્યકાંતનાં નેતૃત્ત્વવાળી બેન્ચે આ કેસ પર સુનાવણી કરતા જૂનો અને વ્યવહારિક આદેશ આપ્યો હતો. સુપ્રીમે જણાવ્યું હતું કે અમે અરજી પર વિચાર કરવા માટે કોઇ આધાર જોઇ રહ્યાં નથી પણ અરજકર્તાને પરવાનગી આપીએ છીએ કે તે તાત્કાલિક સુનાવણી માટે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે.
અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ૧૨.૫ લાખ કેસ પેન્ડિંગ છે. અહીં પ્રત્યેક જજ/બેન્ચ રોજ સરેરાશ ૧૫૦થી ૨૦૦ કેસોની સુનાવણી કરે છે તેમ છતાં ભારે બેકલોગને કારણે વિલંબિત કેસો ઓછા થતા નથી.
રાજસ્થાન હાઇકોર્ટમાં સાત લાખ કેસો, બોમ્બે હાઇકોર્ટમાં ૬.૪ લાખ કેસો, મદ્રાસ હાઇકોર્ટમાં ૫.૬ લાખ કેસો, મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં ૪.૯ લાખ કેસો, કર્ણાટક હાઇકોર્ટમાં ૩.૩ લાખ કેસો, આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં ૨.૫ લાખ કેસો, કલકત્તા હાઇકોર્ટમાં ૧.૯ લાખ કેસો, દિલ્હી હાઇકોર્ટમાં ૧.૨ લાખ કેસો પેન્ડિંગ છે.
ઉલ્લેખનીય છે કે દેશની વિવિધ હાઇકોર્ટોમાં ૧૫ લાખ એવા કેસ છે જે ૧૦ વર્ષથી પણ વધુ સમયથી વિલંબિત છે. આ કોર્ટોમાં કેસોનો બોજ એટલો વધી ગયો છે કે ન્યાયિક નિર્ણય લેવાની ક્ષમતા ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે.