For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાથી દેશમાં વધુ 507ના મોત, કુલ કેસ છ લાખની નજીક

- મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હીમાં સ્થિતિ વધુ કફોડી

- 3.59 લાખ લોકોને સાજા કરી લેવાયા, મહારાષ્ટ્રમાં કુલ કેસની સંખ્યા 1.80 લાખ, મુંબઇમાં કરફ્યૂ લાગુ

Updated: Jul 1st, 2020

Article Content Image

નવી દિલ્હી, તા. 1 જુલાઈ 2020, બુધવાર

ભારતમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. વાઇરસે એટલુ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું છે કે કુલ કેસોનો આંકડો હવે છ લાખની નજીક પહોંચી ગયો છે. જ્યારે માત્ર ૨૪ કલાકમાં જ વધુ ૫૦૨ લોકોએ જીવ ગૂમાવ્યો હતો અને ૨૧૮૧૫ નવા કેસ માત્ર એક જ દિવસમા સામે આવ્યા હતા. જેને પગલે કોરોનાના દર્દીઓનો કુલ આંકડો ૫.૯૭ લાખ સુધી પહોંચી ગયો હતો. 

કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૭૮૩૯ લોકોએ જીવ ગૂમાવ્યો છે. બીજી તરફ કુલ કેસ જ્યારે છ લાખ સુધી પહોંચવા આવ્યા છે ત્યારે ૩૫૯૨૩૪ લોકોને સાજા પણ કરી લેવામાં આવ્યા છે, જ્યારે બહુ જ મોટી સંખ્યામાં લોકો હજુ પણ સારવાર હેઠળ છે અથવા તો તેમને ક્વોરન્ટાઇન કરાયા છે. કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે જ્યાં આંકડો ૧.૮૦ લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે ગુજરાતમાં કુલ કેસો ૩૩૩૧૮  સુધી પહોંચી ગયા છે. દિલ્હીમાં આંકડો ૮૯,૮૦૨ને પાર પહોંચી ગયો છે. તો તામિલનાડુમાં પણ ૯૪૦૪૯ કેસો છે. 

૨૪ કલાકમાં એક સાથે મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સતત પાંચમાં દિવસે ૨૪ કલાકમાં સરેરાશ ૧૮ હજાર કેસો સામે આવી રહ્યા છે. કોરોનાની મહામારીથી બચવા માટે પાંચથી વધુ રાજ્યોમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. મુંબઇમાં ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. મુંબઇમાં કોરોનાના દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે. માત્ર મહારાષ્ટ્ર, દિલ્હી અને તામિલનાડુમાં જ કુલ મૃત્યુ પામેલામાં ૭૦ ટકા છે. જોકે આ દરમિયાન રીકવરી રેટ પણ ઉંચે આવી રહ્યો છે અને ૬૦ ટકા લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે. ભારતમાં જાન્યુઆરીના અંતે કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો, હાલ પરિસ્થિતિ એટલી કથળેલી છે કે વિશ્વમાં સૌથી કફોડી હાલત હોય તેવા દેશોમાં ભારત ચોથા ક્રમે છે.

Gujarat