મોદીનો બાપ પણ જેલમાં જશે : ખડગેના વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બિહાર કોંગ્રેસમાં યાદવાસ્થળીથી કોંગ્રેસ પ્રમુખ અકળાયા
- 'સર'ની કાર્યવાહીમાં ભારે ગેરરીતિ, છેલ્લા બે વર્ષમાં યોજાયેલી બધી ચૂંટણીઓ-સરકારો રદ કરી બેલટ પેપરથી ચૂંટણી કરાવવા ખડગેની માગ
પટના : દેશમાં ચૂંટણી પ્રક્રિયા, વોટચોરી, એસઆઈઆર, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનો સતત વિરોધ કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના એક કાર્યક્રમમાં બિહાર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવતા ખડગે અકળાઈ ઊઠયા હતા. ખડગેના ભાષણ સમયે ભારે હોબાળો થયો હતો તે સમયે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા પર અશોભનીય ટીપ્પણી કરતા કહ્યું કે, 'મોદીનો બાપ પણ જશે.' તેમના આ વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો મચી ગયો હતો. ભાજપે આ મુદ્દે ખડગેની આકરી ઝાટકણી કાઢી હતી.
પટનામાં બિહારના પહેલા મુખ્યમંત્રી ડો. કૃષ્ણ સિંહની ૧૩૯મી જયંતી પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સંબોધન કરી રહ્યા હતા. આ સમયે કાર્યક્રમની બહાર બિહાર કોંગ્રેસ અધ્યક્ષ રાજેશ રામ અને પ્રભારી કૃષ્ણા અલ્લાવરુને હટાવવા મુદ્દે ભારે હોબાળો મચી ગયો હતો. વધુમાં કાર્યક્રમની અંદર ખડગે સતત પીએમ મોદી વિરુદ્ધ બોલી રહ્યા હતા. એસઆઈર મુદ્દે ખડગેએ કહ્યું કે, ચૂંટણી પંચની મતદાર યાદી સુધારા માટેની 'સર'ની કાર્યવાહીમાં ગેરરીતિ આચરનારાઓને કોંગ્રેસ જેલમાં ધકેલશે. આ સમયે એક યુવકે ખડગેને ટોકીને કહ્યું વડાપ્રધાન મોદી ક્યાંય નહીં જાય, જેના જવાબમાં ખડગેએ જવાબ આપ્યો, 'મોદીનો બાપ પણ જશે'. મોદીની ખોટું બોલવાની આદત છે. ખડગે સતત ત્રણ વખત આવું બોલ્યા હતા. એટલે કે ખડગે એવું કહેવા માગતા હતા કે, 'મોદીનો બાપ પણ જેલમાં જશે.'
કોંગ્રેસ પ્રમુખ ખડગેએ દેશમાં છેલ્લા બે વર્ષમાં યોજાયેલી ચૂંટણીઓ રદ કરવા અને ભવિષ્યની બધી જ ચૂંટણીઓ બેલટ પેપરથી કરવાની માગણી કરી હતી. બેલટ પેપરથી યોજાયેલી ચૂંટણી પારદર્શીતાની ખાતરી આપે છે અને ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ સ્થાપિત થશે.
મલ્લિકાર્જુન ખડગેએ મતદાર યાદીમાં સુધારા માટેની ચૂંટણી પંચની 'એસઆઈઆર' કાર્યવાહીના વિરોધમાં થઈ રહેલા દેખાવોને આઝાદીની બીજી લડાઈ સાથે સરખાવ્યા હતા. તેમણે દેશમાં તાત્કાલિક એસઆઈઆર કાર્યવાહી રોકવાની પણ માગ કરી હતી. આરએસએસ અને ભાજપને ભાગલાવાદી તત્વો ગણાવતા ખડગેએ એમ પણ કહ્યું કે, આરએસએસને નાબૂદ નહીં કરી દેવાય ત્યાં સુધી દેશમાં શાંતિ નહીં સ્થપાય. કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે આકરી પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ કહ્યું કે, વડાપ્રધાન અને તેમના દિવંગત પિતા વિરુદ્ધ અસભ્ય ભાષાનો ઉપયોગ દુર્ભાગ્યપૂર્ણ છે. દેશની જનતા જાણે છે કે તેઓ જે પક્ષમાંથી આવે છે તેમની સંસ્કૃતિ ગાળાગાળી કરવાની છે.
તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસ ક્યારેક વડાપ્રધાનના દિવંગત માતાજી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરે છે તો ક્યારે વડાપ્રધાનને નિશાન બનાવે છે. દેશની જનતા આ પ્રકારનું વર્તન સાંખી નહીં લે. સતત ચૂંટણીઓમાં પરાજયથી હતાશ કોંગ્રેસ હવે ગાળાગાળીનું રાજકારણ કરી રહી છે. કોંગ્રેસ પહેલા પણ પીએમ મોદી અને તેમના પરિવારનું અપમાન કરી ચૂકી છે.
કોંગ્રેસ પ્રમુખ ખડગેને મવાલી જેવી ભાષા શોભતી નથી
નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે પટનામાં કોંગ્રેસના જ એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીના દિવંગત પિતા અંગે અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેની ભારે ટીકા થઈ રહી છે. લોકોએ ખડગેની આ ભાષાને મવાલીઓની ભાષા સાથે સરખાવી હતી. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે કોંગ્રેસ આ દેશનો સૌથી જૂનો રાજકીય પક્ષ છે, જે નોંધપાત્ર રાજકીય વારસો ધરાવે છે. વડાપ્રધાન મોદી ભલે સંસદની અંદર અને બહાર સ્વર્ગસ્થ પંડિત નેહેરૂ અને સ્વ. રાજીવ ગાંધી સહિત ગાંધી પરિવાર વિશે ગમે તેવી ભાષા વાપરે પરંતુ કોંગ્રેસ પ્રમુખ ખડગેને મવાલી જેવી ભાષાનો ઉપયોગ કરવો શોભતું નથી. તેમણે મોદીની ટીકા કરતી વખતે પણ પક્ષના વારસાને શોભે તેવી સૌમ્ય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.




