UK અને માલદિવ્સની મુલાકાતે જશે વડાપ્રધાન મોદી, બ્રિટનની સાથે FTAની થઈ શકે છે જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23થી 26 જુલાઇ દરમિયાન વિદેશ પ્રવાસે રહેશે, આ દરમિયાન તેઓ બ્રિટન, માલદિવ્સની મુલાકાત લેશે. આ મુલાકાતનો હેતુ ભારતના આ બન્ને દેશો સાથેના વેપાર અને રણનીતિક સંબંધોને મજબૂત કરવાનો છે. નરેન્દ્ર મોદી માલદિવ્સના 60માં રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.
નરેન્દ્ર મોદી સૌથી પહેલા બ્રિટનની મુલાકાત લેશે, તેઓ 23થી 24 તારીખ દરમિયાન બ્રિટનના પ્રવાસે રહેશે. આ દરમિયાન ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ)ને અંતિમ ઓપ આપવામાં આવી શકે છે. આ એગ્રીમેન્ટ દ્વારા વર્ષ 2030 સુધીમાં બન્ને દેશો વચ્ચેનો વેપાર 120 બિલિયન ડોલર સુધી લઇ જવાનો ઉદ્દેશ્ય છે.
વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે દ્વિપક્ષીય સંબંધોને લઈને થશે ચર્ચા
વડાપ્રધાન મોદીની આ ચોથી બ્રિટન યાત્રા હશે. આ યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી, ભારત-બ્રિટન દ્વિપક્ષીય સંબંધોને સંપૂર્ણ પાસાઓ પર વડાપ્રધાન કીર સ્ટાર્મરની સાથે વ્યાપક ચર્ચા કરશે. બંને નેતાઓ ક્ષેત્રીય અને વૈશ્વિક મહત્ત્વના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે.
કિંગ ચાર્લ્સ તૃતીય અને વડાપ્રધાન મોદીની થઈ શકે છે મુલાકાત
આ દરમિયાન વડાપ્રધાન મોદી અને બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયની મુલાકાતની પણ આશા છે. આ યાત્રા દરમિયાન બંને પક્ષ વેપાર અને અર્થવ્યવસ્થા, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા, આરોગ્ય, શિક્ષણ અને લોકો વચ્ચે સંબંધો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (CSP) ની પ્રગતિની પણ સમીક્ષા કરશે.
માલદીવ્સના 60માં સ્વતંત્રતા સમારોહના મુખ્ય મહેમાન હશે વડાપ્રધાન મોદી
બ્રિટન બાદ 25થી 26 જુલાઇ દરમિયાન નરેન્દ્ર મોદી માલદિવ્સની મુલાકાત લેશે. મોદી માલદિવ્સના 60માં નેશનલ ડેની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા છે તેથી તેઓ આ ઉજવણીમાં હાજર રહેશે. માલદિવ્સ અને ભારત વચ્ચે વિવાદો વધ્યા હતા, ખાસ કરીને માલદિવ્સના નવા પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુ ચીન સમર્થક હોવાથી ભારત વિરોધી નિર્ણયો લેવા લાગ્યા હતા. ઓક્ટોબર 2024ના રોજ મુઇઝ્ઝુ ભારતની મુલાકાતે આવ્યા હતા, હવે મોદી માલદિવ્સની મુલાકાતે જઇ રહ્યા છે. જે દરમિયાન બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારા થવાની શક્યતાઓ છે. સાથે જ બન્ને દેશો વચ્ચે કેટલાક કરારો અટકી પડ્યા હતા તે ફરી પાટા પર આવે તેવી આશા વ્યક્ત કરાઇ રહી છે.
વધુ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય મોબાઈલમાં ગેમ રમતા દેખાયા, વિપક્ષે કર્યા આક્રમક પ્રહાર