હિમાચલના બે ભાઈએ એક જ મહિલા સાથે લગ્ન કરી બહુપતિત્વ ‘જોડીદાર’ પ્રથા જીવંત રાખી, શું આ કાયદેસર ગણાય?
Two Himachal Brothers Marry Same Woman: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના શિલ્લાઈ તાલુકામાં હમણાં એક અનોખી અને હવે લગભગ દુર્લભ બની ગયેલી પ્રથા પુનઃજીવિત થતી જોવા મળી છે. અહીં હટ્ટી જાતિના બે ભાઈઓએ એક જ યુવતી સાથે લગ્ન કર્યા છે. ‘જોડીદાર’ તરીકે ઓળખાતી આ બહુપતિત્વ પ્રથા આજના યુગમાં પણ અમલમાં મૂકવામાં આવે છે એ જાણીને લોકો દંગ રહી ગયા છે. આ લગ્નને કારણે એવો પ્રશ્ન પણ જાગે એમ છે કે શું આવા લગ્ન કાયદેસર ગણાય છે?
આ પણ વાંચોછ: તિબેટમાં નિર્માણાધીન ચીનનો ડેમ કેમ ભારત માટે ચિંતાનો વિષય, એને 'વૉટર બોમ્બ' કહેવાય છે
કેવી રીતે અને શા માટે થયા આ લગ્ન?
શિલ્લાઈના વતની અને હટ્ટી સમુદાયના ભાઈઓ પ્રદીપ નેગી અને કપિલ નેગીએ સુનિતા ચૌહાણ નામની યુવતી સાથે પરંપરાગત રીત-રિવાજ અનુસાર લગ્ન કરી લીધા હતા. ત્રણ દિવસ ચાલેલી લગ્નવિધિમાં લોકસંગીત અને નૃત્યનો જલસો માણવા સગાંસંબંધીઓ અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદીપ સરકારી નોકરી કરે છે અને કપિલ વિદેશમાં કાર્યરત છે.
નવપરણિતોએ શું કહ્યું?
આ લગ્ન બાબતે બંને ભાઈઓએ કહ્યું હતું કે, ‘આ લગ્ન અમારો સંયુક્ત નિર્ણય છે. સંયુક્ત પરિવારમાં એકતા જાળવી રાખવા માટે અને પત્ની પ્રત્યે પ્રેમ અને સન્માનનું સમીકરણ સાચવવા માટે અમે આ લગ્ન કર્યા છે.’ સુનિતાએ કોઈપણ પ્રકારના દબાણ વગર સ્વેચ્છાએ આ લગ્નસંબંધ સ્વીકાર્યો હોવાનું જણાવ્યું હતું.
હટ્ટી સમુદાયમાં શા માટે ચાલે છે બહુપતિત્વ પ્રથા?
બહુપતિત્વ એટલે એક જ સ્ત્રીના બે કે વધુ ભાઈઓ સાથે લગ્ન. આ પ્રથાને ‘જોડીદાર’ અથવા ‘જજદા’ નામે ઓળખવામાં આવે છે. સગા ભાઈઓના લગ્ન થતાં પારિવારિક જમીન અને સંપત્તિમાં ભાગ પડી જતો હોય છે, કેમ કે ભવિષ્યમાં બંનેનો પરિવાર અલગ થવાનો હોય છે. તેથી પારિવારિક જમીન અને સંપત્તિનું વિભાજન ન થાય અને સંયુક્ત પરિવાર જળવાઈ રહે, એ માટે ભાઈઓ એક જ સ્ત્રી સાથે લગ્ન કરે, એવી પ્રથાની શરૂઆત થઈ હતી.
કેટલી જૂની છે આ પ્રથા?
હટ્ટી જાતિને ત્રણ વર્ષ પહેલાં જ અનુસૂચિત જાતિનો દરજ્જો મળ્યો છે. તેઓ હિમાચલ અને ઉત્તરાખંડની સરહદે આવેલા પર્વતીય વિસ્તારમાં વસે છે. સદીઓથી ચાલતી આવતી જોડીદાર પ્રથા હિમાચલના કિન્નૌર જિલ્લા ઉપરાંત ઉત્તરાખંડના જૌનસર બાબર જેવા વિસ્તારોમાં પણ ચાલે છે. પર્વતીય વિસ્તારોની જમીનમાં ખેતી કરવું સરળ નથી હોતું, એવા વિસ્તારમાં ખેતઉપજ પણ મેદાની પ્રદેશની સરખામણીમાં ઓછી થતી હોય છે. આવી ઓછી આવક આપતી જમીનનું વિભાજન થતાં ભવિષ્યમાં કુટુંબના તમામ ભાઈઓને મુશ્કેલી પડે છે. તેથી જમીન અને સંપત્તિ અખંડિત રાખવા માટે ભાઈઓ એક જ સ્ત્રી સાથે લગ્ન કરીને એક જ પરિવાર જાળવી રાખતા હોય છે.
‘જોડીદાર લગ્ન’ કાયદેસર ગણાય છે?
આ પ્રકારના લગ્ન હિમાચલ પ્રદેશના મહેસૂલ કાયદા હેઠળ માન્ય ગણાતા આવ્યા છે. હટ્ટી સમુદાય હિન્દુ મેરેજ એક્ટ હેઠળ જ આવે છે, પરંતુ પરંપરા અને રિવાજોના સંદર્ભમાં તેમને કાયદો વિશિષ્ટ છૂટ આપે છે. કાનૂની દ્રષ્ટિએ જેમ ભારતના અન્ય આદિવાસી સમુદાયો માટે અલગ જોગવાઈઓ છે, તેમ આ સમુદાયની ‘જોડીદાર પ્રથા’ને પણ હિમાચલ હાઈકોર્ટે માન્યતા આપી છે. આ પ્રથા શહેરી લોકોને આશ્ચર્યજનક લાગે છે, પણ પર્વતીય લોકો માટે એ સામાન્ય બાબત છે.
આ પણ વાંચોછ: કાવડ યાત્રામાં હવે હોકી-બેઝબોલ બેટ નહીં લઈ જઈ શકાય... DJ વિવાદ બાદ તંત્રની કડકાઈ
જોડીદાર પ્રથાનું ભવિષ્ય કેવું છે?
જોડીદાર પ્રથા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. પ્રદીપ, કપિલ અને સુનિતાના લગ્ન જેવી એકલદોકલ ઘટનાઓ જ હવે બને છે. હટ્ટી સમુદાયના લોકોમાં પણ હવે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને તેઓ રોજગારી માટે શહેરો તરફ જઈ રહ્યાં છે, તેથી જોડીદાર પ્રથાનું પ્રમાણ હવે ઘટી રહ્યું છે.