મહારાષ્ટ્ર વિધાનસભામાં ધારાસભ્ય મોબાઈલમાં ગેમ રમતા દેખાયા, વિપક્ષે કર્યા આક્રમક પ્રહાર
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથના ધારાસભ્યે મંત્રી માણિકરાવ કોકાટેનો એક વીડિયો સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યો છે. જેમાં મંત્રી કોકાટે વિધાનસભામાં મોબાઈલ પર ગેમ રમતાં જોવા મળ્યા છે. આ વીડિયો વાઈરલ થતાં એનસીપી- શરદ પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવારે અજીત પવારની એનસીપીની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, આ પક્ષ ભાજપની સલાહ-સૂચન વિના કોઈ કામ કરી શકે તેમ નથી. મંત્રીના આ વીડિયો પર કોંગ્રેસે પણ નિશાન સાધ્યું છે.
કૃષિ મંત્રી પાસે કોઈ કામ નથી
એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે લખ્યું હતું કે, સત્તાધારી પક્ષ એનસીપી જૂથ ભાજપની સલાહ-સૂચન વિના કોઈ કામ કરતું નથી. જેના લીધે જ રાજ્યમાં કૃષિ સંબંધિત અનેક મુદ્દાઓ પેન્ડિંગ છે. રોજના આઠ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોવા છતાં કૃષિ મંત્રી પાસે કોઈ કામ નથી. તેઓ ગેમ રમવામાં મશગૂલ છે. ઉલ્લેખનીય છે, આ મામલે કોકાટેએ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચોઃ સંસદનું ચોમાસુ સત્રમાં આવતીકાલથી ઘમસાણ, જાણો વિપક્ષ કયા કયા મુદ્દે સરકારને ઘેરવા તૈયાર
કોંગ્રેસે છેતરપિંડીનો આક્ષેપ કર્યો
કોંગ્રેસના ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે મહાયુતિ સરકાર પર ખેડૂતો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ મૂક્યો છે. વડેટ્ટીવારે જણાવ્યું કે, રાજ્યમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને કૃષિ મંત્રી મોબાઈલ ફોન પર ગેમ રમી રહ્યા છે. આ છેતરપિંડી કરનારી અને વિશ્વાસઘાતી સરકારને ખેડૂતોને કોઈ ચિંતા નથી. હું ખેડૂતોને અપીલ કરૂ છું કે, તેમને બોધપાઠ ભણાવે.
ફડણવીસની ઠાકરે સાથે મુલાકાત પર પણ બોલ્યાં...
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરે મુંબઈની એક હોટલમાં મળ્યા હતાં. તેમની આ મુલાકાત અંગે વડેટ્ટીવારે જણાવ્યું કે, બંને અલગ-અલગ કાર્યક્રમો માટે હોટલમાં ઉપસ્થિત હતાં. તેમની મુલાકાત થઈ નથી. જો મુલાકાત થઈ હોત તો તે રાજકીય મુલાકાત થઈ હોત.