For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદીએ રૂ.75 હજાર કરોડની કિસાન યોજના ખૂલ્લી મૂકી, એક કરોડ ખેડૂતોના ખાતામાં બે હજાર જમા થશે

- બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને વર્ષે છ હજારની સહાય આપવાનું શરૃ

- નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વીડિયો કોન્ફરન્સથી સંબોધ્યા, સિંચાઇ ક્ષેત્રે એક લાખ કરોડ રૃપિયા ફાળવ્યાનો દાવો

Updated: Feb 24th, 2019

Article Content Image

કોંગ્રેસે ૧૦ વર્ષમાં ખેડૂતોને માત્ર બાવન હજાર કરોડની જ સહાય કરી, અમે દર વર્ષે ૭૫ હજાર કરોડ આપીશું : વડા પ્રધાન 

ગોરખપુર, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર

કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલા રજુ કરેલા બજેટમાં બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોના ખાતામાં વર્ષે છ હજાર રૃપિયા જમા કરાવવાનું વચન આપ્યું છે. જેના ભાગરુપે હાલ પહેલા ઇન્સ્ટોલમેન્ટ તરીકે આશરે એક કરોડ ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રૃપિયા જમા કરવાની પ્રક્રિયા શરૃ કરી હતી. 

દરમિયાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે જે લાભાર્થી ખેડૂતોને આ પૈસા નથી મળ્યા તેમને પણ ટુંક સમયમા મળવા લાગશે. વર્ષમાં છ હજાર એટલે કે મહિને ૫૦૦ રૃપિયાની સહાય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી. આ યોજનાને પીએમ કિસાન યોજના નામ આપવામાં આવ્યું છે. જે ખેડૂતોની યાદી રાજ્ય સરકારોએ મોકલી છે તેને આ લાભ હાલ મળી રહ્યો છે. 

દરમિયાન નરેન્દ્ર મોદીએ વિવિધ રાજ્યોમાં કેટલાક ખેડૂતોને વીડિયો કોન્ફરન્સથી સંબોધ્યા હતા. સાથે પૂર્વ કોંગ્રેસ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જે રાજ્યો આ મુદ્દે રાજનીતી કરી રહ્યા છે અને લાભાર્થી ખેડૂતોની યાદી નથી મોકલી રહ્યા તેઓને પ્રજા માફ નહીં કરે.

કોંગ્રેસ આરોપ લગાવી રહી છે કે ૫૦૦ રૃપિયાની સહાય આપીને સરકારે ખેડૂતોની મજાક કરી હતી. આ અંગે જવાબ આપતા મોદીએ કહ્યું હતું કે અગાઉ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોઇ પણ સહાય ખેડૂતોને નથી કરી અને હવે અમારી કામગીરી પર સવાલો ઉઠાવે છે. 

મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસે ૧૦ વર્ષના શાસનમાં ખેડૂતોને માત્ર ૫૨ હજાર કરોડની જ સહાય આપી હતી જ્યારે અમે દર વર્ષે ખેડૂતોને ૭૫ હજાર કરોડની સહાય આપી રહ્યા છીએ. ખેડૂતો હાલ પણ માગણી કરી રહ્યા છે કે અમને કેન્દ્રની મોદી સરકાર ટેકાના ભાવ નથી આપી રહી.

આ સ્થિતિ વચ્ચે મોદીએ અગાઉની સરકારોને દોષ આપતા કહ્યું હતું કે અગાઉની કોંગ્રેસ સરકારે જો ખેડૂતોેને લઘુતમ વેતન આપ્યુ હોત તો ખેડૂતો આટલુ દેવું કરવા માટે મજબુર ન થયા હોત. હાલ જે યોજના અમે લોંચ કરી છે તે વિપક્ષને પસંદ નથી પડતી અને તેથી જ કોંગ્રેસ, સપા, બસપાની મહા મિલાવટ થઇ છે.

અગાઉની સરકારોને ખેડૂતોની કોઇ જ ચિંતા નહોતી તેથી ખેડૂતોના હિતમાં કોઇ જ યોગ્ય પગલા ન લીધા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મારી સરકાર પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના પર જ એક લાખ કરોડ રૃપિયા ખર્ચ કરવા જઇ રહી છે. આ માટે વિવિધ સિંચાઇ યોજનાઓને ખુલ્લી મુકવામાં આવી છે જેનાથી લાખો ખેડૂતોને લાભ મળશે.

Gujarat