ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી
Claims that farmers rich from ethanol false: ઇથેનોલયુક્ત ઈંધણને લીધે વાહનચાલકો અને ખેડૂતોને થયેલા નફા-નુકસાન બાબતે છેલ્લા થોડા સમયથી દેશમાં વ્યાપક ચર્ચા ચાલી રહી છે. સરકારનો દાવો છે કે ઇથેનોલ ઉત્પાદનના કારણે ખેડૂતોને લાભ થઈ રહ્યો છે અને શેરડીની ચૂકવણી પહેલાં કરતાં વધુ ઝડપથી થઈ રહી છે. જો કે, ખેડૂતોની તરફથી આ દાવાનો સ્પષ્ટ વિરોધ જણાય છે. તેમનું કહેવું છે કે ઇથેનોલથી તેમની આવકમાં કોઈ ખાસ વૃદ્ધિ થઈ નથી. મકાઈના ઉત્પાદકોની પરિસ્થિતિ પણ ઢાંકપિછોડા જેવી જ છે કારણ કે તેમને પણ પાકનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો.
મંત્રીઓની ભાષણબાજી કરતાં વાસ્તવિકતા જુદી
પેટ્રોલિયમ મંત્રાલય કહે છે કે ક્રૂડની આયાત પર થતો ખર્ચ હવે દેશના ખેડૂતોને મળી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સતત ઇથેનોલને 'ક્રાંતિકારી બળતણ' જાહેર કરીને તેના દ્વારા ખેડૂતોના જીવનમાં સુધારો થયાના દાવા કર્યા કરે છે, પરંતુ જ્યારે દેશના વિવિધ રાજ્યના શેરડી અને મકાઈના ખેડૂતો સ્પષ્ટપણે જણાવે છે કે તેમને ઇથેનોલથી કોઈ સીધો આર્થિક ફાયદો થયો નથી.
ચૂકવણીની ઝડપ: કાયદાનો અમલ કે ઇથેનોલની દેન?
ખેડૂતો શબ્દો ચોર્યા વિના કહે છે કે ઇથેનોલના નામે તેમને પ્રતિ લિટર એક પણ રૂપિયો વધારાનો નથી મળ્યો. ખાંડ મિલો દ્વારા શેરડીની ખરીદી FRP (ફેર એન્ડ રિમ્યુનરેટિવ પ્રાઇસ - વાજબી અને સારું વળતર) અથવા SAP (સ્ટેટ એડવાઈઝ્ડ પ્રાઇસ - રાજ્ય સલાહકાર ભાવ) ભાવે જ થાય છે, જે પહેલાં થતી હતી. ફરક માત્ર એટલો જ આવ્યો છે કે ચૂકવણીમાં થયેલો વિલંબ ઘટ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર ચૂકવણી મેળવવી તે તેમનો કાયદેસર અધિકાર છે, જેની ઘણાં સમયથી અવગણના કરાતી હતી. જો હવે ચૂકવણી વહેલી થવા લાગી હોય તો એ તો તેમનો હક છે, તે સરકારી નીતિની સફળતા નથી, તેને કાયદાના અમલીકરણ તરીકે જોવું વધુ યોગ્ય છે.
કાયદો શું કહે છે?
શુગરકેન કન્ટ્રોલ ઓર્ડર 1966ની કલમ 3(3) અને (3A) મુજબ, ખાંડ મિલો ખેડૂતોને શેરડીની ડિલિવરીના 14 દિવસની અંદર ચૂકવણી કરવા બંધાયેલી છે. જો મિલ આ ચૂકવણીમાં વિલંબ કરે, તો તેને 15% વાર્ષિક દરે વ્યાજ ચૂકવવું જરૂરી છે. દાયકાઓથી, ખેડૂતો આ કાયદેસર અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા હતા, જ્યારે કે મિલો અને સરકારોએ આ નિયમ પર ગંભીરતાથી કદી અમલ નહોતો કર્યો. આજે જો ચૂકવણીમાં સુધારો થયો છે, તો તેને ઇથેનોલ નીતિની સફળતા કહેવા કરતાં, લાંબા સમયથી ચાલતી આવેલી ગેરકાયદેસર પ્રથાનો અંત ગણવો વધુ યોગ્ય છે.
ઇથેનોલથી ખાંડ ક્ષેત્રને સ્થિરતા મળી?
કૃષિ ખર્ચ અને કિંમતો આયોગ (CACP – કમિશન ફોર એગ્રિકલ્ચરલ કોસ્ટ્સ એન્ડ પ્રાઇસીસ)ના મતે, ઇથેનોલ ઉત્પાદનથી ખાંડ ઉદ્યોગના નફામાં સુધારો થયો છે. 2017-18 અને 2018-19માં વિક્રમી ઉત્પાદન થવાથી ખાંડના ભાવમાં આવેલી ઘટાડાની સમસ્યાનો સામનો કરવા સરકારે અનેક પગલાં લીધા. રાષ્ટ્રીય બાયોફ્યુઅલ નીતિ-2018 હેઠળ ઇથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ, સબસિડી, નિકાસ સુવિધા અને ઇથેનોલ ઉત્પાદન માટેની સબવેન્શન જેવી યોજનાઓથી મિલોની નાણાકીય સ્થિતિ (તરલતા)માં સુધારો થયો. પરિણામે, બાકી રહેતા શેરડી ભાવનું પ્રમાણ 2019-20ના 16.4% થી ઘટીને 2023-24માં 3.5% થયું, જેથી ખાંડ ક્ષેત્રને સ્થિરતા મળી.
આ પણ વાંચો: ‘X’ની અરજી કર્ણાટક હાઈકોર્ટે ફગાવી, કહ્યું- 'અમેરિકાની જેમ ભારતમાં પણ નિયમો માનવા પડશે'
મકાઈના ખેડૂતોની સ્થિતિ: દાવા અને વાસ્તવિકતા
સરકારી મંત્રીઓ ઇથેનોલને મકાઈના ખેડૂતો માટે એક મોટી સફળતા ગણાવી રહ્યા છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું ઇથેનોલ પહેલાં વેપારીઓને ખેડૂતોને લઘુતમ ભાવ (MSP – મિનિમમ સપોર્ટ પ્રાઈસ)થી ઓછી કિંમત આપવાનો અધિકાર હતો? શેરડી, ચોખા અને મકાઈમાંથી ઇથેનોલ બનાવવાનું તો પહેલાંથી જ ચાલુ છે. સરકારી આંકડા જ જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં મકાઈના ખેડૂતોને સરેરાશ MSPની બરાબર કિંમત પણ મળી નથી. અને જો C2 (Comprehensive Cost - વ્યાપક ખર્ચ, જેમાં જમીનનું અંદાજિત ભાડું અને મૂડી પર વ્યાજનો સમાવેશ થાય છે) જોવામાં આવે, તો ખેડૂતોને તેમનો ખર્ચ પણ મળતો નથી.
આમ, ઇથેનોલના નામે ખેડૂતોના લાભના જે દાવા કરવામાં આવે છે, તે હકીકતમાં ભ્રામક જણાય છે.