‘હાઇડ્રોજન બોમ્બ આવશે અને ભાજપનું...’ પટણામાં રાહુલ ગાંધીના પ્રહાર, ખડગે-તેજસ્વીએ પણ સાધ્યું નિશાન
Bihar Assembly Election-2025 : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે બુધવારે પટણામાં ‘અતિ પછાત ન્યાય સંકલ્પ યોજના’ શરુ કરી છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, વિપક્ષ નેતા તેજસ્વી યાદવ સહિતના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ બંધારણને ખતમ કરી રહી છે. તેમણે પોતાના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "મેં હાઇડ્રોજન બોમ્બની વાત કરી હતી, તે આવશે અને પછી તમને ભાજપનું સત્ય સામે આવી જશે.’
હાઇડ્રોજન બોમ્બ આવશે અને ભાજપનું સત્ય ખબર પડી જશે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધી(Rahul Gandhi)એ કહ્યું કે, ‘થોડા દિવસો પહેલા આપણે બધાએ સાથે મળીને વોટર અધિકાર યાત્રા કરી. 15 દિવસ સુધી જુદા જુદા જિલ્લામાં યુવાનોને જણાવ્યું કે, બંધારણ પર આક્રમણ થઈ રહ્યું છે, જે ફક્ત બિહારમાં જ નહીં, પરંતુ આખા દેશમાં થઈ રહ્યું છે.’ તેમણે ભાજપની નીતિઓ પર પ્રહારો કરતાં કહ્યું કે, ‘ભાજપ બંધારણને ખતમ કરી રહી છે. મેં હાઇડ્રોજન બોમ્બની વાત કરી હતી તે આવશે, પછી ભાજપે જે આખા દેશનું કર્યું, બિહારમાં કરવાનો પ્રયાસ કર્યો, જેને યુવાઓએ અટકાવ્યું, તેનું સત્ય ખબર પડી જશે.’
બિહારમાં સત્તા મેળવ્યા બાદ 10 સંકલ્પનો કાર્યક્રમ લાગુ કરીશું : ખડગે
આ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ જાહેરાત કરી છે કે, ‘જો અમારી પાર્ટી બિહારમાં સત્તામાં આવશે તો 10 સૂત્રીય કાર્યક્રમ લાગુ કરીશું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પછાત વર્ગો, દલિતો અને તેમના અધિકારોથી વંચિત અન્ય લોકોને ઉપર લાવવાનો છે. આ સંકલ્પ પત્ર રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે સાથે મળીને તૈયાર કર્યો છે. જ્યારે અમારી સરકાર બનશે, ત્યારે આ તમામ મુદ્દાઓનું પાલન કરવામાં આવશે. આ યોજના હેઠળ અતિ પછાત નિવારણ નિયમ પસાર કરવામાં આવશે. પંચાયત અને નગરપાલિકાઓમાં અનામતને 20 ટકાથી વધારીને 30 ટકા કરાશે અને તેને બંધારણની 9મી સૂચિમાં સમાવવા માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. અતિ પછાત જાતિ અને જનજાતિના લોકોને પાંચ ડિસમિલ જમીન આપવામાં આવશે. ખાનગી શાળાઓમાં અનામત બેઠકોનો અડધો ભાગ અતિ પછાત વર્ગ માટે આરક્ષિત કરવામાં આવશે. ’
આ પણ વાંચો : ‘X’ની અરજી કર્ણાટક હાઇકોર્ટે ફગાવી, કહ્યું- 'અમેરિકાની જેમ ભારતમાં પણ નિયમો માનવા પડશે'
હવે બિહારમાં ‘આયા નીતિશ ગયા નીતિશ’ થઈ રહ્યું છે : ખડગે
ખડગેએ રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar) પર કટાક્ષ કરતાં કહ્યું કે, ‘પહેલા 'આયા રામ, ગયા રામ' કહેવાતું હતું, અને હવે બિહારમાં 'આયા નીતિશ, ગયા નીતિશ' થઈ રહ્યું છે.’ આ દરમિયાન તેમણે રાહુલ અને તેજસ્વીને કહ્યું કે, જેઓ એક વખત ભાજપમાં જતા રહ્યા છે, તેઓને પરત ન લેતા.
તેજસ્વી યાદવે નીતિશ સરકાર પર સાધ્યું નિશાન
આરજેડીના નેતા તેજસ્વી યાદવે(Tejashwi Yadav) બિહાર સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, ‘રાજ્ય સરકારના મંત્રી જીવેશ મિશ્રાએ એક અતિ પછાત યુવકને ગાળો આપી અને માર માર્યો હતો. મારે પોલીસ સ્ટેશનમાં જઈને FIR કરાવવી પડી હતી અને તે જ પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ભાજપ માત્ર તડીપાર છે, તેઓ માત્ર તોડવાની રાજકારણ રમે છે અને અમે જોડવાનું રાજકારણ કરીએ છીએ. લાલુજીએ તેમના આકા અડવાણીની બિહારમાં ધરપકડ કરી હતી, તો તેમનો દીકરો કોઈથી ડરવાનો નથી. 2025માં નીતિશ બહુ થઈ ગયું, હવે એવા નેતાની જરૂર છે, જે બિહારને આગળ લઈ જઈ શકે. નીતિશ કુમાર હાઇજેક થઈ ચૂક્યા છે’
આ પણ વાંચો અને જોવો વીડિયો : આટલો મોટો ભૂવો નહીં જોયો હોય, અચાનક જ આખો રસ્તો ગાયબ જ થઈ ગયો