‘X’ની અરજી કર્ણાટક હાઇકોર્ટે ફગાવી, કહ્યું- 'અમેરિકાની જેમ ભારતમાં પણ નિયમો માનવા પડશે'
Court Dismisses ‘X’ Application : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે કેન્દ્ર સરકારના ટેકડાઉન ઑર્ડર વિરુદ્ધ કર્ણાટક હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જોકે કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારતમાં કામ કરતી તમામ સોશિયલ મીડિયા કંપનીઓ માટે દેશના કાયદાઓનું પાલન કરવું ફરજિયાત છે. સોશિયલ મીડિયામા નિયમો અને કાયદો આજના સમયની જરૂરિયાત છે, તેથી કંપનીઓને કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર કામ કરવાની મંજૂરી આપી શકાય નહીં.
કોર્ટે ‘એક્સ’ની ઝાટકણી કાઢી
કોર્ટે એમ પણ કહ્યું છે કે, ભારતીય બંધારણનો અનુચ્છેદ-19 માત્ર ભારતીય નાગરિકોને જ અભિવ્યક્તિની સ્વતંત્રતાની સુરક્ષા આપે છે, એટલે કે વિદેશી કંપનીઓ કે બિન-નાગરિકો માટે તેને લાગુ ન કરી શકાય. કોર્ટે એક્સ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, કંપની અમેરિકાના કાયદાઓનું પાલન કરે છે, પરંતુ ભારતના ટેકડાઉન આદેશો માનવાનો ઇન્કાર કરી રહ્યું છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, જે પ્લેટફોર્મ ભારતમાં કામ કરવા ઇચ્છે છે, તેઓએ દેશના કાયદાઓથી પરિચિત રહેવું જોઈએ.
આ પણ વાંચો : રેલવે કર્મચારીઓને ‘દિવાળી’, કેન્દ્ર સરકારે 78 દિવસનું બોનસ જાહેર કર્યું
કોર્ટે ભારતમાં અમેરિકન નિયમ લાગુ કરવાનો મુદ્દો પણ નકાર્યો
કોર્ટના નિર્ણયમાં કહ્યું છે કે, જો સોશિયલ મીડિયા પર નિયંત્રણ રાખવામાં ન આવે તો તેના કારણે સ્વતંત્રતા, અરાજકતા અને કાયદો-વ્યવસ્થાના ઉલ્લંઘન થઈ શકે છે, તેથી તેનું નિયંત્રણ કરવું જરૂરી છે. અરજીમાં ભારતમાં અમેરિકન ન્યાયશાસ્ત્ર લાગુ કરવાની પણ વાત કહેવામાં આવી છે, જેને કોર્ટે નકારી કાઢી છે. કોર્ટે કહ્યું છે કે, ભારતમાં નિયમો અને કાયદો અલગ છે.