‘8 વર્ષ સુધી ગબ્બર સિંહ ટેક્સ લગાવીને 55 લાખ કરોડ વસૂલ્યા’, કેન્દ્ર સરકાર પર ખડગેના આકરા પ્રહાર
Congress Alleges Modi Government : આગામી 22 સપ્ટેમ્બરથી લાગુ થનારી નવી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પ્રણાલીને કોંગ્રેસે "માત્ર મલમપટ્ટી" ગણાવી છે અને આરોપ લગાવ્યો છે કે આ સુધારા અપૂરતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સુધારાઓને ભારતના વિકાસને વેગ આપનારા ગણાવ્યા છે, જ્યારે કોંગ્રેસના નેતાઓએ સરકારની આલોચના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, જીએસટી સુધારાઓથી ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ વધશે અને નાગરિકો માટે બચતનો ઉત્સવ શરૂ થશે. તેમણે કહ્યું કે આનાથી ભારતના વિકાસને વેગ મળશે.
ખડગેએ PM મોદી પર સાધ્યું નિશાન
બીજીતરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)એ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ‘કોંગ્રેસના સરળ અને અસરકારક જીએસટીના બદલે, તમારી સરકારે નવ અલગ-અલગ સ્લેબના સ્વરૂપમાં ગબ્બર સિંહ ટેક્સ લાદ્યો છે અને આઠ વર્ષમાં 55 લાખ કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરી છે. હવે 2.5 લાખ કરોડના બચત ઉત્સવની વાત કરીને કેન્દ્ર સરકાર લોકોને માત્ર મલમપટ્ટી લગાવી રહી છે. જનતા ક્યારેય ભૂલશે નહીં કે, તમે તેમના દાળ-ચોખા-અનાજ, પેન્સિલ, પુસ્તકો, સારવાર અને ખેડૂતોના ટ્રેક્ટર - દરેક વસ્તુ પર સૌથી વધુ જીએસટી વસૂલ્યો છે. તમારી સરકારે જનતાની માફી માંગવી જોઈએ! સરકારે જે GST સિસ્ટમ લાગુ કરી છે તે જટિલ છે અને તેનાથી સામાન્ય લોકો પર આર્થિક બોજ વધ્યો છે. સરકારે ઊંચા ટેક્સ દ્વારા લોકો પાસેથી મોટી રકમ વસૂલી છે અને હવે થોડી રાહત આપીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહી છે. ’
GST સુધારા અપૂરતા : કોંગ્રેસ નેતા જયરામ રમેશ
કોંગ્રેસ નેતા જયરામ રમેશે (Jairam Ramesh) પણ જીએસટી સુધારાઓને અપૂરતા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે ‘કેન્દ્ર સરકારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ની ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. તેમણે કાપડ, પર્યટન, નિકાસકારો અને કૃષિ સંબંધિત ક્ષેત્રોની સમસ્યાઓને પણ હલ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. રમેશે રાજ્યોને વીજળી, આલ્કોહોલ, પેટ્રોલિયમ અને રિયલ એસ્ટેટ જેવી વસ્તુઓને GST હેઠળ લાવવા માટે પ્રોત્સાહિત કરવાની વાત પણ કરી છે.
GST કાઉન્સિલના નિર્ણય અને નવા દરો
જીએસટી કાઉન્સિલે ત્રીજી સપ્ટેમ્બરે નવા બે ટેક્સ સ્લેબ માળખાને મંજૂરી આપી હતી, જે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. આ નવા ફેરફારમાં મુખ્યત્વે 5 ટકા અને 18 ટકાના બે સ્લેબ હશે. તેનાથી સાબુ, શેમ્પૂ, માખણ, ઘી, વાસણો અને સ્ટેશનરી જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓ સસ્તી થશે. આ ઉપરાંત, આરોગ્ય અને જીવન વીમા પર કોઈ જીએસટી લાગશે નહીં. વાહનો અને ટેલિવિઝન-વોશિંગ મશીન જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર પણ દરો ઘટાડવામાં આવ્યા છે. જીએસટી પ્રણાલી જુલાઈ 2017માં લાગુ કરવામાં આવી હતી, જેણે વેટ અને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી જેવા ઘણા પરોક્ષ કરવેરાનું સ્થાન લીધું હતું.
આ પણ વાંચો : GST બચત ઉત્સવની શરૂઆત, આત્મનિર્ભર ભારતની હાકલ: PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની મુખ્ય વાતો