GST બચત ઉત્સવની શરૂઆત, આત્મનિર્ભર ભારતની હાકલ: PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની મુખ્ય વાતો
PM Modi Addresses the Nation: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GST સ્લેબમાં સુધારા લાગુ થયાના એક દિવસ અગાઉ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું, કે 'નવરાત્રિના પ્રથમ દિવસથી GST બચત ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. તમે તમારી મનપસંદ વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકશો. દેશના ગરીબ, મિડલ ક્લાસ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વેપારીઑને આ બચત ઉત્સવનો લાભ મળશે. તહેવારોની સિઝનમાં સૌ કોઈનું મોં મીઠું થશે.'
દાયકાઓ સુધી ટેક્સની જાળમાં ફસાયેલો હતો દેશ: PM મોદી
PM મોદીએ વધુમાં કહ્યું, કે ભારતના દેશની જનતા તથા વેપારી દાયકાઓ સુધી વિવિધ ટેક્સની જાળમાં ફસાયેલા હતા. એક શહેરથી બીજા શહેરમાં માલ-સામાન પાઠવવો હોય તો અનેક મંજૂરીઓ લેવી પડતી તથા ટેક્સ ભરવા પડતાં. વિવિધ સ્થળો પર ટેક્સના જુદા જુદા નિયમો હતા. 2014માં એક કંપનીને કોઈ માલ-સામાન બેંગલુરુથી હૈદરાબાદ મોકલવો હોય તો, માલ-સામાન બેંગલુરુથી સીધું જ હૈદરાબાદ મોકલો તેની સરખામણીમાં માલ-સામાન પહેલા યુરોપ મોકલી ત્યાંથી હૈદરાબાદ મોકલવો સરળ પડતો.
રોજિંદા જીવનની વસ્તુઓ સસ્તી થશે: PM મોદી
PM મોદીએ કહ્યું, કે 'દેશની વર્તમાન જરૂરિયાત અને ભવિષ્યના સપનાઓને જોતાં GSTમાં સુધારા લાગુ થશે. હવેથી માત્ર 5 અને 18 ટકા એમ બે જ સ્લેબ રહેશે. ખાણીપીણીનો સામાન, દવાઓ, સાબુ, બ્રશ, આરોગ્ય વીમા સહિત અનેક સામાન-સેવાઓ સસ્તી થઈ જશે. જે સામાન અગાઉ 12 ટકા ટેક્સ લગાવાતો હતો, તેમાંથી 99 ટકા વસ્તુઓ હવે 5 ટકા સ્લેબમાં સમાવાઈ છે.
ફરવા જવું પણ સસ્તું થઈ જશે: PM મોદી
આ વર્ષે જ સરકારે 12 લાખ રૂપિયાની સુધીની આવક પર આવકવેરા પર રાહત આપી. હવે GSTમાં સુધારાના કારણે લોકોને ડબલ ગિફ્ટ મળી છે. ઘર માટે ટીવી, ફ્રિજ, બાઈક કે કાર ખરીદવી સસ્તી થઈ જશે. હવે ફરવા જવું પણ સસ્તું થઈ જશે કારણ કે હોટલ રૂમના ભાડા પર પણ GST ઘટાડવામાં આવ્યો છે. મને ખુશી છે કે આ સુધારાથી વેપારીઓ પણ ખુશ છે.
PM મોદીએ દાવો કર્યો છે કે આવકવેરા અને GSTના છૂટનો સરવાળો કરીએ તો છેલ્લા એક વર્ષમાં લેવાયેલા નિર્ણયના કારણે દેશના લોકોની અઢી લાખ કરોડ રૂપિયાની બચત થશે.
આત્મનિર્ભર ભારતની હાંકલ
PM મોદીએ આત્મનિર્ભર ભારતની હાંકલ કરતાં કહ્યું કે, GSTમાં સુધારાના કારણે MSMEsને પણ ડબલ ફાયદો થવાનો છે. મારી તમારાથી ઘણી અપેક્ષા છે. ભારતની જરૂરિયાતની ચીજ વસ્તુઓ ભારતમાં જ બનવી જોઈએ. આપણાં દેશમાં તૈયાર થયેલી પ્રોડક્ટ્સ દુનિયામાં દરેક કસોટી પર શ્રેષ્ઠ હોવી જોઈએ. ઉદ્યોગો એવી પ્રોડક્ટ્સ બનાવે જે દુનિયામાં ભારતનું ગૌરવ વધારે. દેશની સમૃદ્ધિને સ્વદેશીના મંત્રથી જ શક્તિ મળશે. આપણાં રોજબરોજની વસ્તુઓમાં વિદેશી વસ્તુઓ જોડાઈ ગઈ છે. આપણે તેનાથી પણ મુક્તિ મેળવવી પડશે. આપણે મેડ ઈન ઈન્ડિયા સામાન જ ખરીદવો જોઈએ.
રાજ્યોને અપીલ
PM મોદીએ ભારતની તમામ રાજ્ય સરકારોને અપીલ કરતાં કહ્યું, કે આત્મનિર્ભર ભારતના અભિયાનમાં તમે પણ જોડાઓ અને તમારા રાજ્યમાં રોકાણ માટે માહોલ બનાવો. મેન્યુફેક્ચરિંગને ગતિ આપો. કેન્દ્ર અને રાજ્ય મળીને આગળ વધશે તો દરેક રાજ્ય વિકસિત થશે અને ભારત વિકસિત થશે.
PM મોદીનું ભાષણ લાઈવ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યારે ક્યારે કર્યું રાષ્ટ્રજોગ સંબોધન?
8 નવેમ્બર 2016 – નોટબંધીની જાહેરાત
27 માર્ચ 2019 – મિશન શક્તિ
24 માર્ચ 2020 – કોવિડ 19 લોકડાઉનની જાહેરાત .
14 એપ્રિલ 2020 – ફરી લોકડાઉનને લઈને સંબોધન
12 મે 2020 – આત્મનિર્ભર ભારત આર્થિક પેકેજની જાહેરાત
30 જૂન 2020 – લોકડાઉનમાં છૂટ એટલે કે અનલોક 2.0 અંગે જાહેરાત
20 ઓકટોબર 2020 – કોવિડ સંબંધિત નીતિઓ મુદ્દે જાહેરાત
7 જૂન 2021 – કોરોના વેક્સિનેશન ડ્રાઈવ અંગે જાહેરાત
19 નવેમ્બર 2021 – ત્રણ કૃષિ કાયદા રદ કરવા અંગે જાહેરાત
8 ઓગસ્ટ 2019 – કલમ 370 હટાવ્યા બાદ સંબોધન
12 મે 2025 – ઓપરેશન સિંદૂર અંગે