સાપ કરડ્યાનું જૂઠાણું રચીને પતિની હત્યા કરનાર પત્ની અને પ્રેમીને મૃત્યુદંડની સજા, મેરઠના ભયાનક હત્યાકાંડની સંપૂર્ણ કહાની
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Meerut Amit Kashyap Fake Snake Bite Murder Case: સંબંધોમાં જ્યારે દગો અને ષડયંત્ર ભળે છે, ત્યારે ગુનાખોરીની એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવે છે જે ભલભલાના રૂંવાડાં ઊભા કરી દે. ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં 'બ્લુ ડ્રમ' હત્યા કેસમાં પતિની હત્યા બદલ પત્ની અને એના પ્રેમીને ફાંસીની સજા સંભળાવાઈ તેના બે જ દિવસ બાદમાં વધુ એક મેરઠમાં બનેલી એવી જ બીજી ઘટનામાં પણ ગુનેગારોને ફાંસીની સજા સંભળાવાઈ છે. એક પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરીને તેને સાપ કરડવાની કુદરતી ઘટના સાબિત કરવાનું ખતરનાક કાવતરું રચ્યું હતું. જોકે, પોલીસની સતર્કતાથી આ 'પરફેક્ટ ક્રાઈમ'નો પર્દાફાશ થયો અને છેવટે અદાલતે બંને દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે.
શું હતી સમગ્ર ઘટના?
આ ઘટના મેરઠના બહસુમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અકબરપુર સદાત ગામની છે. અહીં રહેતા અમિત કશ્યપની પત્ની રવિતાને તેના પાડોશી અમરદીપ સાથે ગેરકાયદે સંબંધો હતા. આ સંબંધોમાં પતિ વચ્ચે આવતો હોવાથી બંનેએ તેને રસ્તામાંથી હટાવી દેવાનો ભયાનક પ્લાન બનાવ્યો. 12 એપ્રિલ 2025ની રાત્રે જ્યારે અમિત સૂતો હતો, ત્યારે રવિતા અને અમરદીપે મળીને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી.
ગુનો છુપાવવા માટે કર્યો સાપનો ઉપયોગ
હત્યા બાદ પોલીસ અને પરિવારને ગુમરાહ કરવા માટે આરોપીઓએ એક વિચિત્ર યુક્તિ અપનાવી. તેમણે અમિતના મૃતદેહ નીચે એક 'ઘોડા પછાડ' સાપ છોડી દીધો. મુખ્યત્વે ઉંદરનો શિકાર કરતો હોવાથી ‘ઇન્ડિયન રેટ સ્નેક’ કહેવાતા આ બિનઝેરી સાપને સામાન્ય ભાષામાં ‘ધામણ’ કહેવાય છે. તે ખૂબ ઝડપથી ભાગતો હોવાથી ગામડાના લોકો એને 'ઘોડા પછાડ' (ભાગવામાં ઘોડાને પણ પાછળ છોડી દે એવો) કહે છે. અમિતના શરીરના વજન નીચે દબાઈ જવાના કારણે સાપે તેના મૃતદેહને 5 વાર ડંખ પણ માર્યા. સવારે રવિતાએ કંઈ જ ખબર ન હોવાનું નાટક કર્યું અને અંધશ્રદ્ધાના કારણે પરિવારે પણ માની લીધું કે અમિતનું મોત સાપ કરડવાથી થયું હતું.
પોલીસ અધિકારીની સતર્કતાથી ફૂટ્યો ભાંડો
આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે થાણા પ્રભારી દારોગા ઈંદુ વર્મા ઘટનાસ્થળે પહોંચ્યા. મૃતદેહની હાલત જોઈને તેમને મૃત્યુના કારણ બાબતે શંકા ગઈ, એટલે તેમણે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનું કહ્યું. એ સાંભળીને રવિતાના મોતિયાં મરી ગયા. તે ડરી ગઈ કે પોસ્ટમોર્ટમમાં મોતનું અસલી કારણ સામે આવશે અને તે ફસાઈ જશે, એટલે તેણે પોસ્ટમોર્ટમનો વિરોધ કર્યો. તેનું જોઈને તેના સાસરિયા પણ વિરોધ કરવા લાગ્યા. છતાં ઈંદુ વર્માએ મચક ન આપી, તેઓ પોસ્ટમોર્ટમ કરાવીને જ રહ્યાં અને રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું કે અમિતનું મોત સાપ કરડવાથી નહીં, પરંતુ ગળું દબાવવાથી થયું હતું. પોલીસની આકરી પૂછપરછમાં રવિતા ભાંગી પડી અને પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેમને જેલમાં ધકેલી દીધા.
1.5 વર્ષ ચાલેલી અદાલતી કાર્યવાહી બાદ સજા સંભળાવાઈ
આ કેસની સુનાવણી લગભગ 1.5 વર્ષ સુધી ચાલી. આ દરમિયાન 86 સુનાવણીઓ થઈ અને 12 સાક્ષીઓની જુબાની લેવામાં આવી. ફરિયાદ પક્ષ તરફથી સરકારી વકીલોએ મજબૂત દલીલો કરી. તેમણે દેશના પ્રખ્યાત 'શબનમ હત્યા કેસ' અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો સંદર્ભ આપીને આરોપીઓ પ્રત્યે કોઈ ઉદારતા ન દાખવવાની અપીલ કરી. 7 ઓક્ટોબરના રોજ કોર્ટે બંનેને દોષિત જાહેર કર્યા હતા. 16 ઓક્ટોબર, શુક્રવારના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચુકાદો આપવામાં આવ્યો.
કોર્ટે કર્યો 'સાવિત્રી'નો ઉલ્લેખ
ન્યાયાધીશે આ કેસને ‘દુર્લભમાં દુર્લભ’ (Rarest of Rare) ગણાવ્યો અને બંને આરોપીઓને ફાંસીની સજા ફટકારી. ચુકાદો આપતી વખતે કોર્ટે એક ભાવનાત્મક અને ઐતિહાસિક ટિપ્પણી કરતાં કહ્યું કે પત્ની એ પતિની અર્ધાંગિની (અડધું અંગ) છે. અદાલતે પૌરાણિક પાત્ર 'સાવિત્રી'નો ખાસ ઉલ્લેખ કર્યો, જેણે પોતાના પતિના પ્રાણ બચાવવા માટે યમરાજ સામે પણ લડત આપી હતી. જ્યારે અહીં એક પત્નીએ જ પોતાના પતિનો જીવ લીધો.
આ ચુકાદા બાદ અમિત કશ્યપની માતાએ ઊંડો સંતોષ અને ખુશી વ્યક્ત કરી હતી. ગુનેગાર ગમે તેટલી ચાલાકી કરે, પરંતુ તે કાયદાથી ક્યારેય બચી શકતો નથી, એની સાબિતી ફરી એકવાર આ કેસથી મળી.




