India

સંસદમાં 2/3 બહુમતીનું ગણિત: સીમાંકન અને મહિલા અનામત માટે મોદી સરકારને કેટલા વોટ ખૂટે છે?

By GS Team
10 Aug 20263 mins read
TukuTouch Logo
સંસદના ચોમાસુ સત્રમાં મહિલા અનામત અને સીમાંકન બિલ 2026 અંગે અનિશ્ચિતતા છે. કેન્દ્ર સરકાર DMK અને NCP(શરદચંદ્ર પવાર)નું સમર્થન મેળવવા FCRA બિલ પર ધીમી પડી છે. લોકસભામાં સીમાંકન બિલ પસાર કરવા 360 વોટ જરૂરી છે, NDA પાસે 319નું સમર્થન છે. DMKના સમર્થનથી NDA 346 સુધી પહોંચશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંસદમાં 2/3 બહુમતીનું ગણિત: સીમાંકન અને મહિલા અનામત માટે મોદી સરકારને કેટલા વોટ ખૂટે છે?

Delimitation Bill And Women Reservation Bill 2026 : સંસદનું ચોમાસુ સત્ર હવે માત્ર 4 દિવસમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. આમ છતાં મહિલા અનામત, સીમાંકન અને FCRA જેવા મહત્ત્ત્વના બિલ અંગે હજુ પણ અનિશ્ચિતતાની સ્થિતિ બનેલી છે. આમાંથી એકપણ વિધેયક સોમવારની લોકસભાની કાર્યસૂચિમાં શામેલ નથી. અહેવાલો મુજબ, સરકાર આ મહત્ત્વપૂર્ણ વિધેયકોને લઈને ખૂબ જ સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે. ચાલો સમજીએ કે હાલ સંસદમાં સીટોનું ગણિત શું કહે છે.

કેટલાક વિપક્ષી દળો બિલના સમર્થનમાં

કોંગ્રેસ અને તેના મોટાભાગના સાથી પક્ષોએ ભલે સીમાંકન અને FCRA સુધારા બિલનો વિરોધ કરવાની વાત કહી હોય, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં સરકાર તરફથી સંપર્ક કરવામાં આવ્યા બાદ કેટલાક વિપક્ષી દળોએ આ વિધેયકો અંગે પોતાના વલણમાં નરમાશના સંકેત આપ્યા છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર સીમાંકન બિલ અને મહિલા અનામતને લાગુ કરવા માટે DMK અને NCP(શરદચંદ્ર પવાર)નું સમર્થન મેળવવાના હેતુથી FCRA વિધેયક પર પોતાની ઝડપ ધીમી કરી રહી છે.

FCRA બિલ હાલ પૂરતું હોલ્ડ પર?

મળતી માહિતી મુજબ, સંસદની બિઝનેસ એડવાઈઝરી કમિટી(BAC)ની બેઠકમાં ચોમાસુ સત્રના બાકી રહેલા 4 દિવસના એજન્ડાને આખરી ઓપ આપવાનો છે. જોકે સોમવારના પ્રારંભિક એજન્ડામાં 4 નવા વિધેયક રજૂ કરવાની વાત કહેવામાં આવી છે, પરંતુ તેમાં FCRA સુધારા વિધેયકનો ક્યાંય ઉલ્લેખ નથી. આનાથી એવા સંકેત મળે છે કે FCRAમાં સુધારા અંગે ચાલી રહેલા હોબાળા વચ્ચે સરકાર હાલ પૂરતું તેને હોલ્ડ પર રાખી શકે છે.

FCRA બિલના વિરોધમાં DMK

આ અગાઉ વિદેશી યોગદાન (નિયમન) અધિનિયમ એટલે કે FCRAને લઈને દ્રમુકે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને ગયા અઠવાડિયે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમની પાર્ટીએ અગાઉમાં પણ સીમાંકન બિલનું સમર્થન નથી કર્યું અને ભવિષ્યમાં પણ નહીં કરે. બીજી તરફ ડીએમકે પ્રમુખ એમ. કે. સ્ટાલિને પણ વિવિધ ચર્ચના પ્રતિનિધિમંડળોની તે માંગનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે, જેમાં ગૃહમંત્રીને આ વિધેયક પાછું ખેંચવા અથવા સમીક્ષા માટે સંયુક્ત સંસદીય સમિતિ પાસે મોકલવા અપીલ કરવામાં આવી હતી.

કેમ ધીમી પડી સરકાર?

ભાજપના નેતૃત્ત્વ હેઠળના સત્તાધારી NDA માટે સ્થિતિ હાલ જટિલ છે. સરકાર સીમાંકન અને મહિલા અનામત કાયદાને લાગુ કરાવવા માટે સમર્થન મેળવવાના પ્રયાસો કરી રહી છે, જેના માટે ડીએમકે અને NCP (SP)નો સાથ જરૂરી છે. જોકે ડીએમકે અને સુપ્રિયા સુલેના નેતૃત્ત્વ વાળી NCP (SP) બંને FCRA બિલની કડક જોગવાઈઓના વિરોધમાં રહ્યા છે. આવામાં સીમાંકનના મુદ્દે આ પક્ષોને સાથે લાવવા માટે સરકાર FCRA બિલ અંગે નરમ વલણ અપનાવી રહી છે.

લોકસભામાં સીટોનું ગણિત

જો લોકસભાના તમામ 540 વર્તમાન સાંસદો વોટિંગ કરે છે, તો સીમાંકન વિધેયકને પસાર કરાવવા માટે 360 વોટની જરૂર પડશે. હાલમાં એનડીએ પાસે 319 સાંસદોનું સમર્થન છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસના 20 બળવાખોર સાંસદો અને શિવસેના (UBT)માંથી શિવસેનામાં આવેલા 6 સાંસદો પણ શામેલ છે. આ ઉપરાંત એનડીએને YSR કોંગ્રેસના સાંસદો સહિત અન્ય 5 સાંસદોના સમર્થનનો પણ ભરોસો છે. YSR કોંગ્રેસે એપ્રિલમાં પણ વિધેયકના પક્ષમાં મતદાન કર્યું હતું.

લોકસભામાં ડીએમકેનું સમર્થન જરૂરી

હવે જો ડીએમકે સરકારની સાથે આવીને સીમાંકન વિધેયકના પક્ષમાં વોટ કરે છે, તો એનડીએનો આંકડો 346 સુધી પહોંચી જશે. આ સ્થિતિમાં બહુમતી માટે તેને માત્ર 14 વધુ વોટની જરૂર પડશે. બીજી તરફ, જો ડીએમકે મતદાનમાંથી વોકઆઉટ કરે છે, તો કુલ મતદાન કરનારા સાંસદોની સંખ્યા 518 રહી જશે. આવામાં 2/3 બહુમતીનો આંકડો 345 થશે. આવી સ્થિતિમાં એનડીએએ વધુ 21 સાંસદોનું સમર્થન મેળવવું પડશે.

રાજ્યસભામાં YSR કોંગ્રેસનું સમર્થન જરૂરી

રાજ્યસભાની વાત કરીએ તો એનડીએ પાસે હાલમાં 154 સાંસદો છે. એનડીએને YSR કોંગ્રેસના 4 સાંસદોનું સમર્થન મળવાની આશા છે. આ રીતે રાજ્યસભામાં 2/3 બહુમતીના આંકડા સુધી પહોંચવા માટે એનડીએને માત્ર 6 વધુ વોટની જરૂર પડશે.