India

મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, સુનામીનું એલર્ટ, પાડોશી દેશો પણ ધ્રૂજ્યા

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
મેક્સિકોના ચિયાપાસ રાજ્યના દરિયાકાંઠે શુક્રવારે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. તેનું કેન્દ્રબિંદુ પ્યુર્ટો મડેરો નજીક 10 કિલોમીટર ઊંડાઈએ હતું. આંચકા ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરમાં પણ અનુભવાયા. સુનામીનો ખતરો વધતા 10 લાખ લોકો માટે એલર્ટ જાહેર કરાયું છે. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ભૂકંપ 'પેસિફિક રિંગ ઓફ ફાયર' વિસ્તારમાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, સુનામીનું એલર્ટ, પાડોશી દેશો પણ ધ્રૂજ્યા

Mexico Earthquake : મેક્સિકોના દક્ષિણી રાજ્ય ચિયાપાસના દરિયાકાંઠાના વિસ્તારમાં શુક્રવારે 7.4 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. આ પ્રચંડ આંચકા બાદ વિસ્તારમાં સુનામી આવવાનો ખતરો વધી ગયો છે, જેને પગલે આશરે 10 લાખ લોકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

10 કિલોમીટરની ઊંડાઈએ હતું કેન્દ્રબિંદુ

અમેરિકી એજન્સી USGS ના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મેક્સિકોના પ્યુર્ટો મડેરો શહેરની નજીક જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેના આંચકા પાડોશી દેશો જેવા કે ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરમાં પણ અનુભવાયા હતા. જોકે, રાહતની વાત એ છે કે હાલમાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.

તટીય વિસ્તારોમાં પૂરનો મોટો ખતરો

ભૂકંપ બાદ તરત જ અધિકારીઓએ દરિયા કિનારાના વિસ્તારો માટે કડક ચેતવણી જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે સમુદ્રમાં ઉઠનારા ઊંચા અને ખતરનાક મોજા કિનારાના વિસ્તારોમાં પૂર લાવી શકે છે. તંત્ર દ્વારા લોકોને સંભવિત પૂર, દરિયાના તેજ પ્રવાહ અને ઊંચા મોજાથી સાવધ રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

'પેસિફિક રિંગ ઓફ ફાયર'માં ભૂકંપ

આ ભૂકંપ પ્રશાંત મહાસાગરની આસપાસ ફેલાયેલા 'પેસિફિક રિંગ ઓફ ફાયર' વિસ્તારમાં આવ્યો છે, જે આશરે 40,000 કિલોમીટર લાંબો પટ્ટો છે. આ વિસ્તાર દુનિયાનો સૌથી સક્રિય ભૂકંપ ઝોન ગણાય છે, જ્યાં દુનિયાના 90% ભૂકંપ આવે છે. છેલ્લા 30 દિવસમાં આ વિસ્તારમાં 22 ભૂકંપ નોંધાયા છે, જેમાં શુક્રવારનો આ આંચકો સૌથી શક્તિશાળી હતો.

અમેરિકાને સુનામીનો કોઈ ખતરો નથી

અમેરિકાના નેશનલ સુનામી વોર્નિંગ સેન્ટરે આ મામલે મોટી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે આ ભૂકંપના કારણે અમેરિકાના પશ્ચિમ કિનારા, બ્રિટિશ કોલંબિયા અને અલાસ્કા માટે સુનામીનો કોઈ જ ખતરો નથી.