શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઇચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mani Shankar Aiyar Slams Congress Leaders: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે પોતાની જ પાર્ટીના નેતાઓ સામે મોરચો ખોલીને રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. અય્યરે શશિ થરૂર, પવન ખેડા અને જયરામ રમેશ જેવા દિગ્ગજ નેતાઓ સામે જાહેરમાં રોષ વ્યક્ત કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે, કોંગ્રેસના નેતાઓ અંદરોઅંદર એટલા વિખરાયેલા છે કે તેઓ ડાબેરી પક્ષો કરતા પણ એકબીજા પ્રત્યે વધુ નફરત ધરાવે છે. આ તીવ્ર જૂથવાદને ટાંકીને તેમણે એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે, આગામી કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે વિજય મેળવવો મુશ્કેલ બનશે.
શશિ થરૂરની વિદેશ મંત્રી બનવાની મહત્ત્વાકાંક્ષા પર કટાક્ષ
અય્યરે ખાસ કરીને પવન ખેડા પર આકરા પ્રહારો કરતાં તેમને પાર્ટીની 'કઠપૂતળી' ગણાવ્યા હતા. તેમણે ટીકા કરતાં કહ્યું કે, 'ખેડા કોઈ વાસ્તવિક પ્રવક્તા નથી પરંતુ એક હતાશ પૂર્વ અધિકારી છે, જે છેલ્લા બે વર્ષથી તેમને અપશબ્દો કહી રહ્યા છે.' આ ઉપરાંત, તેમણે શશિ થરૂરને 'પાકિસ્તાન વિરોધી' ગણાવીને એવો કટાક્ષ કર્યો હતો કે થરૂરની મહત્ત્વાકાંક્ષા આગામી વિદેશ મંત્રી બનવાની છે, જ્યારે જયરામ રમેશ માત્ર પોતાની હોદ્દો કે નોકરી બચાવવા માટે જ મથામણ કરી રહ્યા છે.
પંચાયતી રાજ મામલે કોંગ્રેસ વિરુદ્ધ અય્યરનો કટાક્ષ
આ સમગ્ર વિવાદની શરુઆત ત્યારે થઈ જ્યારે અય્યરે રવિવારે એક કાર્યક્રમ દરમિયાન ડાબેરી નેતા પિનરાઈ વિજયન કેરળના મુખ્યમંત્રી પદે યથાવત્ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વિજયનને વિનંતી કરતાં જણાવ્યું હતું કે, પંચાયતી રાજના અમલીકરણ બાબતે કોંગ્રેસે જે જવાબદારી અધૂરી છોડી છે તે હવે તેઓ સંભાળી લે. અય્યરના આ નિવેદનને કારણે કેરળ કોંગ્રેસ માટે ક્ષોભજનક સ્થિતિ પેદા થઈ હતી, જેને પગલે હાઇકમાન્ડે તાત્કાલિક તેમનાથી અંતર જાળવી લીધું છે. પવન ખેડાએ આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, અય્યર છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસ સાથે સક્રિય રીતે જોડાયેલા નથી અને તેમના નિવેદનો એ પક્ષનો નહીં પણ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે.








