Get The App

પહેલી ઓગસ્ટથી હેલ્મેટ વગર પેટ્રોલ નહીં મળે, મધ્ય પ્રદેશના બે મોટા શહેરોના ક્લેક્ટરનો આદેશ

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
પહેલી ઓગસ્ટથી હેલ્મેટ વગર પેટ્રોલ નહીં મળે, મધ્ય પ્રદેશના બે મોટા શહેરોના ક્લેક્ટરનો આદેશ 1 - image


Madhya Pradesh News: મધ્ય પ્રદેશના ભોપાલ અને ઈન્દોરમાં માર્ગ સલામતીને લઈને જિલ્લા વહીવટીતંત્રે મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવે પહેલી ઓગસ્ટ 2025થી હેલ્મેટ વગરના ટુ વ્હીલર ચાલકોને શહેરના કોઈપણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવી શકશે નહીં. આ બંને શહેરોના કલેક્ટરો દ્વારા આ કડક આદેશ આપવામાં આવ્યો છે. વહીવટીતંત્રનું માનવું છે કે આ નિર્ણયથી રોડ અકસ્માતો ઘટશે અને લોકો ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃત બનશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઈન્દોરને સતત સાતમી વખત ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકેનો એવોર્ડ મળ્યો હતો.  



આદેશ પહેલા શહેરમાં જનજાગૃતિ અભિયાન ચલાવાશે

અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી કમિટીના ચેરમેન અને નિવૃત્ત જજ અભય મનોહર સપ્રે સાથેની બેઠક બાદ આ આદેશનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં ઈન્દોરની વર્તમાન ટ્રાફિક વ્યવસ્થા અને રોડ અકસ્માતો અંગે વિગતવાર ચર્ચા કરાઈ હતી. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્રે આ નિર્ણય લેવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર, નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ, સ્કૂલો બંધ

કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું હતું કે 'ટુ-વ્હીલર ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે  અને પહેલી ઓગસ્ટથી આ નિયમનો કડક અમલ કરાશે. આદેશ પહેલા 30મી અને 31મી જુલાઈના રોજ સમગ્ર શહેરમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે, જેથી લોકો સમયસર માહિતી મેળવી શકે અને નિયમોનું પાલન કરી શકે.'

નિયમનું પાલન ન કરનારાઓ સામે કાર્યવાહી થશે

વહીવટીતંત્રે પેટ્રોલ પંપ સંચાલકોને હેલ્મેટ વગરના કોઈપણ વ્યક્તિને પેટ્રોલ ન આપવાનો પણ આદેશ આપ્યો છે. જો કોઈ પેટ્રોલ પંપ આ નિયમનું ઉલ્લંઘન કરતો જોવા મળશે, તો તેની સામે કડક કાર્યવાહી થશે. આ આદેશના અમલથી શહેરમાં હેલ્મેટ પહેરવાની આદત મજબૂત થશે અને માર્ગ સલામતીને પ્રોત્સાહન મળશે.

Tags :