India

થાઈલેન્ડમાં મોટી દુર્ઘટના: બેંગકોકની પબમાં વિકરાળ આગ બાદ ધડાકો, 27 લોકોના દર્દનાક મોત

By GS Team
13 Jul 20262 mins read
TukuTouch Logo
બેંગકોકના પ્રખ્યાત પબમાં સોમવારે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 27 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક ગંભીર રીતે દાઝી ગયા છે. શોર્ટ સર્કિટ બાદ ધડાકો થતા આગ ઝડપથી ફેલાઈ હતી. જીવ બચાવવા વોશરૂમ તરફ ભાગેલા લોકો ત્યાં જ ફસાઈને મૃત્યુ પામ્યા. ફાયર સેફ્ટીના અભાવે આ કરુણાંતિકા સર્જાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

થાઈલેન્ડમાં મોટી દુર્ઘટના: બેંગકોકની પબમાં વિકરાળ આગ બાદ ધડાકો, 27 લોકોના દર્દનાક મોત
Fire in Pub in Thailand Bangkok Several Died

Bangkok Pub Fire: થાઈલેન્ડની રાજધાની બેંગકોકના ઉત્તરી ભાગમાં આવેલા એક પ્રખ્યાત પબમાં સોમવારે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે અંદર હાજર લોકોને બહાર નીકળવાની તક જ મળી ન હતી.

શોર્ટ સર્કિટ બાદ થયો જોરદાર ધડાકો
ઘટના સમયે પબમાં હાજર એક મ્યુઝિશિયનના જણાવ્યા અનુસાર, સ્ટેજની નજીક લાગેલા સર્કિટ બ્રેકરમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. તેની ગણતરીની સેકન્ડોમાં જ આખા પબની લાઈટો ગુલ થઈ ગઈ અને એક જોરદાર ધડાકો સંભળાયો હતો. ધડાકા સાથે જ પબની અંદર કાળોટોપ ધુમાડો ભરાઈ ગયો હતો અને જોતજોતામાં આખું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું હતું.

જીવ બચાવવા વોશરૂમ તરફ દોડ્યા અને ત્યાં જ મોત થયું
આ અકસ્માતમાં સૌથી વધુ હૃદયદ્રાવક દ્રશ્યો પબના પાછળના ભાગમાં જોવા મળ્યા હતા. ફાયર ફાઈટરોને પબના પાછળના ભાગમાં આવેલા રેસ્ટરૂમ (વોશરૂમ) માંથી અનેક લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આગ અને ધુમાડાથી બચવા માટે લોકો પાછળ તરફ ભાગ્યા હતા, પરંતુ ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોવાથી શ્વાસ રૂધાવાને કારણે અને દાઝી જવાથી તેમના ત્યાં જ મોત નીપજ્યા હતા.

લખનઉની ઘટના જેવી જ કરુણાંતિકા
આ દુર્ઘટનાએ થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક કોચિંગ સેન્ટરમાં લાગેલી આગની યાદ તાજી કરાવી દીધી છે. લખનઉમાં પણ વિદ્યાર્થીઓ આગથી બચવા માટે સેન્ટરના પાછળના ભાગમાં ભાગ્યા હતા અને નિકાસ દ્વાર ન હોવાને કારણે 15 લોકોના મોત થયા હતા. બેંગકોકના આ 'ના લાદપ્રાઓ' (Na Ladprao) પબમાં પણ ફાયર સેફ્ટીના અભાવે આવી જ મોટી બેદરકારી સામે આવી છે.

થાઈલેન્ડના નાઈટક્લબોનો ખરાબ ટ્રેક રેકોર્ડ
થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે ઘટનાસ્થળની મુલાકાત લઈને 27 લોકોના મોતની પુષ્ટિ કરી છે અને આ મામલે કડક તપાસના આદેશ આપ્યા છે. થાઈલેન્ડના નાઈટક્લબોમાં સુરક્ષાના નિયમોની અનદેખીનો ઇતિહાસ જૂનો છે. અગાઉ 2022માં એક મ્યુઝિક પબની આગમાં 14 લોકોના મોત થયા હતા, જ્યારે 1 જાન્યુઆરી 2009ના રોજ એક નાઈટક્લબમાં નવા વર્ષની આતિશબાજી દરમિયાન લાગેલી આગમાં 66 લોકોએ જીવ ગુમાવ્યા હતા.