ડ્રગ્સ, હથિયારો અને આતંકને ફન્ડિંગના ખાલિસ્તાની નેટવર્કનો મોટો ઘટસ્ફોટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નવી દિલ્હી : ખાલિસ્તાન સમર્થક ટેરર ફન્ડિંગ, ડ્રગ્સ અને હથિયારોની તસ્કરીના એક મોટા નેટવર્કનો દિલ્હી પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલ્લા આ સમગ્ર નેટવર્ક ચલાવી રહ્યો છે, જે કેનેડામાં ગેરકાયદે અફીણ ઘૂસાડીને ફંડ મેળવી રહ્યો છે. જ્યારે પંજાબમાં પાક. સરહદે ડ્રોનની મદદથી હથિયારો ઘૂસાડવામાં આવી રહ્યા છે.
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને અગાઉ એવી બાતમી મળી હતી કે દિલ્હીમાં એક કુરિયર કંપની દ્વારા એક પાર્સલ કેનેડા મોકલવા માટે બૂક કરવામાં આવ્યું છે. આ પાર્સલમાં ઘર વપરાશની વસ્તુઓ તેમજ ખાદ્ય સામગ્રીઓની સાથે ડ્રગ્સ ઘૂસાડવામાં આવ્યું હતું. મોતી નગરમાં કુરિયર કંપનીને ત્યાં પોલીસની ટીમ પહોંચી હતી અને પાર્સલ જપ્ત કરી લેવામાં આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે વિવિધ વસ્તુઓના ફેક તળિયા તૈયાર કરીને તેમાં આ ડ્રગ્સ છૂપાવાયું હતું.
કસ્ટમ કે અન્ય સુરક્ષાકર્મીઓ પણ ઝડપી ના શકે એવી રીતે આ તળિયા તૈયાર કરાયા હતા.
આ એક કેસ બાદ પોલીસે તેને માત્ર એક ઘટનાના બદલે મોટા નેટવર્કની રીતે જોઇને તપાસ શરૂ કરી હતી. જે બાદ પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરેમાં અનેક સ્થળે તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન જ વધુ બે મોટા કન્સાઇન્મેન્ટની જાણકારી મળી હતી. આ દરમિયાન અફીણ, ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. રૂ. ૩.૫ કરોડનું અફીણ કેનેડા મોકલવામાં આવી રહ્યું હતું. આ પાર્સલ અર્શ દલ્લા માટે મોકલવામાં આવી રહ્યું હતું. હથિયારોના બદલામાં ડ્રગ્સ એ રીતે આ તસ્કરીનો સોદો થયો હતો.









