India

મેઘાલયના શિલોંગમાં મોટી દુર્ઘટના, કૂવામાં ઝેરી ગેસ લીક થતાં 5 લોકોના દર્દનાક મોત

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
મેઘાલયની રાજધાની શિલોંગમાં શુક્રવારે એક ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લાપાલાંગ વિસ્તારમાં કૂવામાં પાણી કાઢવા એટલે કે સાફ કરવા ઉતરેલા 4 મજૂરો જનરેટરના ઝેરી ધુમાડા અને ઓક્સિજનની અછતને કારણે બેભાન થઈ ગયા. તેમને બચાવવા ગયેલા 2 ભાઈઓ પણ ફસાયા. આ ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા, જ્યારે 1 વ્યક્તિ સુરક્ષિત બહાર નીકળ્યો. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેઘાલયના શિલોંગમાં મોટી દુર્ઘટના, કૂવામાં ઝેરી ગેસ લીક થતાં 5 લોકોના દર્દનાક મોત
AI Image

Toxic Fumes Turn Deadly Trap: મેઘાલયની રાજધાની શિલોંગમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. શિલોંગના લાપાલાંગ વિસ્તારમાં એક ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ પર આવેલા કૂવાની અંદર ઝેરી ધુમાડો ભરાઈ જવાના કારણે ગૂંગળામણ થતાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ભયાનક ઘટના શુક્રવારે ઘટી હતી, ત્યારબાદ રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને શનિવારે તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

પાણી બહાર કાઢતી વખતે સર્જાઈ દુર્ઘટના

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રિનજાહ પોલીસ સ્ટેશન વિસ્તારની અંતર્ગત આવતી એક બાંધકામ સાઇટ પર બની હતી. કૂવામાં જમા થયેલા પાણીને બહાર કાઢવા એટલે કે સાફ કરવા માટે 4 મજૂરો અંદર ઉતર્યા હતા. પાણી ખેંચવા માટે કૂવાની અંદર જનરેટરની મદદથી પંપ ચલાવવામાં આવી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કૂવાની અંદર જનરેટરમાંથી નીકળેલા ઝેરી ધુમાડા અને ઓક્સિજનની ભારે અછતને કારણે મજૂરો ગૂંગળાવા લાગ્યા હતા અને જોતજોતામાં તેઓ કૂવાની અંદર જ બેભાન થઈ ગયા હતા.

મજૂરોને બચાવવા ગયેલા બે સગા ભાઈઓ પણ મુશ્કેલીમાં મુકાયા

પૂર્વ ખાસી હિલ્સના પોલીસ વડા વિવેક સિયમે ઘટના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, કૂવાની અંદર મજૂરોને મુશ્કેલીમાં મુકાયેલા જોઈને તે જ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ તેમને બચાવવા માટે કૂવામાં ઉતર્યા હતા. જોકે, કૂવાની અંદરનો ઝેરી ગેસ એટલો ઘાતક હતો કે આ બંને ભાઈઓ પણ ત્યાં ફસાઈ ગયા હતા. ત્વરિત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં, કૂવામાં ઉતરેલા લોકોમાંથી 5 લોકોના કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે 1 વ્યક્તિ ગમે તેમ કરીને પોતાનો જીવ બચાવી સુરક્ષિત બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ ચકચારી ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના ચોક્કસ કારણોની સત્તાવાર પુષ્ટિ થશે. હાલમાં ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગંભીર બેદરકારી પાછળના વાસ્તવિક કારણો અને કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલકોની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.