બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને

Bihar Assembly Election Results 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોમાં NDA ઐતિહાસિક જંગી વિજય તરફ આગળ વધી રહ્યું છે. 243 બેઠકોમાંથી એનડીએ 206 બેઠકો પર આગળ છે, જ્યારે મહાગઠબંધન 30 બેઠકો પર સમેટાઈ રહ્યું છે. આ જનાદેશ માત્ર વિપક્ષની ખામીઓનું નહીં, પરંતુ શ્રેષ્ઠ ઉમેદવારો, ઉત્તમ નેતૃત્વ અને શાનદાર રણનીતિનું પરિણામ છે, જેના 6 મુખ્ય સ્તંભ રહ્યા છે.
1. NDAની જીતનો મજબૂત આધાર: નીતિશ કુમાર
બિહાર ચૂંટણીમાં એનડીએની જંગી જીતનો સૌથી મજબૂત આધાર મુખ્યમંત્રી નીતિશ કુમાર સાબિત થયા છે. બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા આ 74 વર્ષીય મુખ્યમંત્રીએ તેમની રાજકીય કુશળતા અને સામાજિક એન્જિનિયરિંગ દ્વારા ગઠબંધનને મજબૂત ટેકો આપ્યો.
તેમની 'સુશાસન બાબુ'ની છબી 2005થી 'જંગલ રાજ'માંથી બિહારને બહાર કાઢવાનું પ્રતીક બની છે. તેઓ ભલે પોતાની કુર્મી (3.5%) જાતિના હોય, છતાં તેઓ બિહારના સર્વમાન્ય નેતા છે. ઈબીસી (36%) ને આરક્ષણથી એકજૂથ રાખવાથી લઈને અગ્રણી જાતિઓ સુધી, તેઓ તમામ વર્ગોમાં માન્ય છે અને મુસ્લિમોએ પણ તેમને મત આપ્યા છે. તેમણે ઉંમર અને સ્વાસ્થ્ય અંગેના તમામ નકારાત્મક કથનોને ખોટા સાબિત કર્યા છે.
2. ચિરાગ પાસવાનનો નિર્ણાયક સપોર્ટ
ચિરાગ પાસવાનનો સપોર્ટ માટીને સોનું બનાવી ગયો છે, જેના કારણે એનડીએમાં જેડીયુ અને બીજેપી બંને પક્ષો શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. રામવિલાસ પાસવાનના 43 વર્ષીય પુત્ર ચિરાગ પાસવાને પોતાની યુવા ઊર્જાથી પાસવાન વોટ બેન્ક (5-6%)ને એકજૂથ કરીને ગઠબંધનને મજબૂત બનાવ્યું. તેમની પાર્ટી એલજેપી (આરવી)ને એનડીએ તરફથી 28 બેઠકો મળી હતી.
2020માં તેમના એનડીએમાંથી બહાર નીકળી જવાને કારણે જેડીયુ અને બીજેપીને મોટું નુકસાન થયું હતું. 2020માં તેમણે નીતિશ કુમારને 40 બેઠકો ગુમાવવાની ફરજ પાડી હતી અને બીજેપીને પણ ઘણી બેઠકો પર નુકસાન થયું હતું. 2025માં, તેઓ એનડીએમાં જોડાઈને 'ભાઈ ચિરાગ' બન્યા અને પીએમ મોદીએ પણ તેમની પ્રશંસા કરી.
સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, તેઓ એકમાત્ર એવા નેતા તરીકે ઉભર્યા છે જે પોતાના વોટને જેડીયુ અને બીજેપીમાં સફળતાપૂર્વક ટ્રાન્સફર કરાવી શકે છે, જે પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે.
આ પણ વાંચો: ‘જેની શંકા હતી એ જ થયું...’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન
3. એનડીએ ગઠબંધનમાં આંતરિક સંકલન
બિહારની ચૂંટણી દરમિયાન એનડીએમાં આશ્ચર્યજનક સંકલન જોવા મળ્યું. બીજેપી અને જેડીયુમાં આંતરિક સ્પર્ધા હોવા છતાં, બેઠકોની વહેંચણી અંગે ક્યાંય પણ કોઈ ગેરસમજ કે અણબનાવ દેખાયો નહીં. બંને મુખ્ય પક્ષોએ પોતે 101-101 બેઠકો પર પોતાને મર્યાદિત રાખ્યા.
શરૂઆતમાં એલજેપી અને 'હમ' (HAM) જેવા નાના સહયોગી પક્ષોમાં થોડો અસંતોષ દેખાયો હતો, પરંતુ તે મામલો પણ ઝડપથી ઉકેલી લેવામાં આવ્યો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, યોગ્ય સમયે ઉમેદવારોની જાહેરાત પણ થઈ ગઈ.
આનાથી વિપરીત, મહાગઠબંધન અંતિમ સમય સુધી બેઠકોની વહેંચણી માટે સંઘર્ષ કરતું રહ્યું. ફોર્મ પાછું ખેંચવાની સમયમર્યાદા પૂરી થયા પછી પણ મહાગઠબંધનના પક્ષો અંદરોઅંદર લડતા રહ્યા.
4. મુખ્યમંત્રીના ચહેરા પર બીજેપીની વ્યૂહરચના
મુખ્યમંત્રીના ચહેરા પર સસ્પેન્સ રાખવાની બીજેપીની રણનીતિને નબળી કડી ગણવામાં આવતી હતી, પણ તે સફળ સાબિત થઈ. આ વ્યૂહરચના નીતિશ કુમારના સમર્થક અને વિરોધી-બંને મતદારોને સાધવા માટે અપનાવવામાં આવી હતી.
બીજેપી જાણતી હતી કે તેના ઘણા સમર્થકો રાજ્યમાં બીજેપીના નેતાને સીએમ બનાવવા માંગે છે. જોકે, નીતિશ કુમાર બિહારમાં નિર્વિવાદ છબી ધરાવતા અને દરેક વર્ગમાં સન્માન મેળવનાર નેતા છે, તેથી બીજેપી તેમને નકારી શકે તેમ નહોતી.
આથી, પાર્ટીએ રણનીતિના ભાગરૂપે નીતિશ કુમારના નામ પર ગૂંચવણ જાળવી રાખી. બીજેપીએ દિલ્હી, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ આ જ રણનીતિનો ઉપયોગ કર્યો હતો.
આ પણ વાંચો: Bypoll Election Results : મિઝોરમમાં હાર તો જમ્મુ-કાશ્મીરમાં નગરૌટા બેઠક ભાજપે જીતી
5. સુશાસન અને વિકાસ
સુશાસન અને વિકાસ એનડીએની જીતનો મજબૂત સ્તંભ રહ્યો છે, જે નીતિશ કુમારના 20 વર્ષના શાસનનો પુરાવો છે. ભૂતકાળમાં 'બિમારુ' ગણાતું બિહાર હવે રસ્તાઓ (1 લાખ કિમી), વીજળી (95% કવરેજ) અને શિક્ષણમાં પ્રગતિ કરી રહ્યું છે.
નીતિશ કુમારના સુશાસન હેઠળ કાયદા-વ્યવસ્થામાં સુધાર થયો અને ગુનાના દરમાં 50%નો ઘટાડો નોંધાયો, જેણે મધ્યમ વર્ગને આકર્ષ્યો. સ્માર્ટ સિટી અને એક્સપ્રેસવે જેવી વિકાસ યોજનાઓથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળ્યો.
એનડીએનો 'સંકલ્પ પત્ર' નોકરીઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રિત હતો, જે વિશ્વસનીય લાગ્યો. જીવિકા દીદી એ 1.2 કરોડ મહિલાઓને જોડી, જેની અસર મતદાનમાં સ્પષ્ટ દેખાઈ. બેરોજગારીના જવાબમાં નીતિશ કુમારે સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો.
6. જમીની સ્તરની લાભાર્થી યોજનાઓ
જમીની સ્તરની લાભાર્થી યોજનાઓએ બિહારના ગ્રામીણ અને ગરીબો માટે અન્ય રાજ્યો કરતાં વધારે અસરકારક કામ કર્યું છે. નીતિશ કુમારની 'સાત નિશ્ચય' અને બીજેપીની કેન્દ્રીય યોજનાઓ થકી 5 કરોડ લાભાર્થીઓને ફાયદો મળ્યો.
પીએમ આવાસ, ઉજ્જવલા અને આયુષ્માન જેવી યોજનાઓએ ગ્રામીણ મતદારોને એનડીએ સાથે મજબૂતીથી જોડી રાખ્યા. આ યોજનાઓ જાતિગત રીતે સંતુલિત રહી, જેમાં ઈબીસી અને દલિત મતદારોને સૌથી વધુ લાભ મળ્યો.
નીતિશ કુમારની મુખ્ય વ્યૂહરચના મહિલાઓના કલ્યાણ પર કેન્દ્રિત હતી. પંચાયતો અને સરકારી નોકરીઓમાં મહિલાઓને આરક્ષણ આપવાના કારણે એનડીએને મજબૂત આધાર પ્રાપ્ત થયો.

