Get The App

Bypoll Election Results : મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બાકી

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
Bypoll Election Results :  મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બાકી 1 - image


Bypolls Result 2025: આજે બિહાર વિધાનસભા ચૂંટણી સહિત કુલ 7 રાજ્યોની 8 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થવાની શરૂઆત થઈ ગઈ છે. આ મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓમાં જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા, પંજાબ, મિઝોરમ અને ઓડિશાના મતદારોએ વર્ષની શરૂઆતમાં ખાલી પડેલી આ 8 બેઠકો માટે નવા જનપ્રતિનિધિઓની પસંદગી કરી છે. જેમાં રાજસ્થાનની અંતા, ઝારખંડની ઘાટશિલા, પંજાબની તરનતારન, તેલંગાણાની જ્યુબિલી હિલ્સ, મિઝોરમની ડમ્પા, ઓડિશાની નુઆપાડા અને જમ્મુ-કાશ્મીરની બડગામ તથા નગરોટા બેઠકનો સમાવેશ થાય છે. 

Bypoll Election Results LIVE UPDATES : 

પંજાબમાં AAP અને તેલંગાણામાં કોંગ્રેસની સરસાઈ

પંજાબની તરનતારન વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના હરમીત સિંહ સંધુ આગળ ચાલી રહ્યા છે. જ્યારે, તેલંગાણાની જ્યુબિલી હિલ્સ બેઠક પર કોંગ્રેસના નવીન યાદવ આગળ છે. ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS)ના સુનીતા ગોપીનાથ બીજા ક્રમે છે અને ભાજપના દીપક રેડ્ડી ત્રીજા સ્થાને છે.

જ્યુબિલી હિલ્સમાં કોંગ્રેસના વી. નવીન યાદવની ચોથા રાઉન્ડમાં સરસાઈ વધુ મજબૂત

જ્યુબિલી હિલ્સ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરીના ચાર રાઉન્ડ પૂરા થયા બાદ, કોંગ્રેસના ઉમેદવાર વી. નવીન યાદવે 38,566 મતો સાથે પોતાની સરસાઈ મજબૂત કરી છે. તેઓ BRSના મગંતી સુનીથા ગોપીનાથ (29,007 મત)થી આગળ ચાલી રહ્યા છે. ભાજપના લાંકલા દીપક રેડ્ડી પાસે 7296 મત છે, જ્યારે NOTA 387 મતો સાથે ચોથા સ્થાને છે.

J&K, ઓડિશામાં ભાજપ; જ્યુબિલી હિલ્સ અને અંતામાં કોંગ્રેસ આગળ

8 વિધાનસભા બેઠકો પર મતગણતરી ચાલુ છે, ત્યારે સવારે 11:00 વાગ્યાના પ્રારંભિક વલણો મિશ્ર ચિત્ર રજૂ કરે છે, જેમાં...

- ભાજપ જમ્મુ-કાશ્મીરની નગરોટા અને ઓડિશાની નૂઆપડા બેઠક પર આગળ છે.

- કોંગ્રેસ તેલંગાણાની જ્યુબિલી હિલ્સ અને રાજસ્થાનની અંતા બેઠક પર સરસાઈ ધરાવે છે.

પ્રાદેશિક પક્ષો પણ પોતાની છાપ છોડી રહ્યા છે, જેમાં...

- JMM (ઝારખંડ મુક્તિ મોરચા)ના સોમેશ ચંદ્ર સોરેન ઘાટશિલા (ઝારખંડ)માં આગળ.

- PDP (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)ના મુન્તઝીર મેહદી બડગામ (J&K)માં આગળ.

- MNF (મિઝો નેશનલ ફ્રન્ટ)ના ડૉ. આર. લાલથાંગલિયાની દમ્પા (મિઝોરમ)માં જીત.

- AAP (આમ આદમી પાર્ટી)ના હરમીત સિંહ સંધુ તરન તારન (પંજાબ)માં આગળ.

મિઝોરમની દમ્પા બેઠક પર MNFના આર. લાલથાંગલિયાનાની જીત

મિઝોરમની દમ્પા વિધાનસભા પેટાચૂંટણીમાં, મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ના ઉમેદવાર અને પૂર્વ મંત્રી આર. લાલથાંગલિયાનાએ ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ના ઉમેદવાર વનલાલસૈલોવાને 562 મતોના માર્જિનથી હરાવ્યા છે. શુક્રવારે પરિણામો જાહેર થતાં વિપક્ષ MNF માટે આ એક વિજય સાબિત થયો છે.

Bypoll Election Results :  મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બાકી 2 - image

જ્યુબિલી હિલ્સમાં કોંગ્રેસના નવીન યાદવની ત્રીજા રાઉન્ડમાં BRS પર મોટી સરસાઈ

જ્યુબિલી હિલ્સ વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરીના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ, કોંગ્રેસના ઉમેદવાર નવીન યાદવે કુલ 28,956 મત મેળવ્યા છે. તેઓ BRSના મગંતી સુનીથા ગોપીનાથ કરતાં 6012 મતોની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે. આ સિવાય, ભાજપના એલ. દીપક રેડ્ડીને 5341 મત મળ્યા છે, જ્યારે NOTAમાં 280 મતો છે.

જમ્મુ-કાશ્મીર બડગામ પેટાચૂંટણીમાં PDPના આગા સૈયદ મુન્તઝીર મેહદીની લીડ

જમ્મુ-કાશ્મીર બડગામ વિધાનસભા બેઠકની મતગણતરીમાં, PDPના ઉમેદવાર આગા સૈયદ મુન્તઝીર મેહદી 1000 મતોની સરસાઈ સાથે આગળ છે. ગણતરી આગળ વધતાં તેમણે અગાઉ આગળ રહેલા NCના આગા સૈયદ મહમૂદ અલ-મોસાવી અને અપક્ષ ઉમેદવાર નઝીર અહમદ ખાનને પાછળ છોડી દીધા છે.

રાજસ્થાનમાં ભાજપને ફટકો

રાજસ્થાનની અંતા વિધાનસભા બેઠક પર પાંચ રાઉન્ડની ગણતરી પૂરી થતાં, કોંગ્રેસના પ્રમોદ જૈન ભાયાએ ફરી એકવાર સરસાઈ મેળવી છે, જેનાથી ભાજપને ફટકો પડ્યો છે. નરેશ મીણા બીજા ક્રમે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના મોરપાલ ત્રીજા નંબરે ચાલી રહ્યા છે.

Bypoll Election Results :  મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપને ઝટકો, મિઝો નેશનલ ફ્રન્ટની જીત, 7 બેઠકના પરિણામ બાકી 3 - image

અંતા બેઠક પર ભાજપની ખરાબ હાલત, કોંગ્રેસ પણ પાછળ

રાજસ્થાનની અંતા પેટાચૂંટણીમાં ચોથા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ, અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ 200 મતોની સરસાઈ સાથે લીડ મેળવી છે. આ સાથે કોંગ્રેસના પ્રમોદ જૈન ભાયા બીજા નંબરે છે, જ્યારે ભાજપના મોરપાલ ચોથા રાઉન્ડના અંતે પણ પાછળ રહ્યા છે.

બડગામ પેટાચૂંટણીમાં એનસી (નેશનલ કોન્ફરન્સ)ના ઉમેદવાર આગળ

બડગામ (જમ્મુ-કાશ્મીર) વિધાનસભા પેટાચૂંટણીમાં, ચૂંટણી પંચના શરૂઆતી વલણો મુજબ, 17મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ નેશનલ કોન્ફરન્સ (NC)ના ઉમેદવાર આગા સૈયદ મહમૂદ અલ મોસાવી 624 મતોની સરસાઈ સાથે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના આગા સૈયદ મુન્તઝીર મેહદીથી આગળ છે.

જ્યુબિલી હિલ્સ પેટાચૂંટણીમાં કોંગ્રેસના નવીન યાદવ આગળ

જ્યુબિલી હિલ્સ પેટાચૂંટણીના શરૂઆતી વલણો સૂચવે છે કે કોંગ્રેસના નવીન યાદવ આગળ છે. આ ચૂંટણીમાં કુલ 58 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ભાજપના એલ. દીપક રેડ્ડી અને BRSના સુનીતાનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ 48.49 ટકા મતદાન નોંધાયું હતું, જેમાં 1,94,631 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

રાજસ્થાન અંતામાં EVMથી મતગણતરી શરૂ

રાજસ્થાનની અંતા વિધાનસભા બેઠક પર બૅલેટ પેપરની ગણતરી બાદ હવે EVM મશીનો દ્વારા પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે. બારાં ગવર્મેન્ટ કૉલેજ ખાતે મતગણતરી શરૂ થતાં જ ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જ્યુબિલી હિલ્સ પેટાચૂંટણીની મતગણતરી શરૂ

જ્યુબિલી હિલ્સ પેટાચૂંટણીની મતગણતરી યુસુફગુડાના કોટલા વિજયભાસ્કર રેડ્ડી સ્ટેડિયમ ખાતે સવારે 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે, જેના માટે 42 ટેબલ ગોઠવવામાં આવ્યા છે. શૈકપેટ મંડળના પ્રથમ પોલિંગ બૂથથી શરૂ થયેલી આ ગણતરી કુલ 10 રાઉન્ડમાં પૂરી થશે, ત્યારબાદ અંતિમ પરિણામો જાહેર કરાશે. આ અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતી ચૂંટણીના મતગણતરી કેન્દ્ર પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આસપાસ કલમ 144 લાગુ છે.

ઓડિશા નુઆપાડામાં BJPનો રેકોર્ડ જીતનો દાવો

ભાજપના પ્રવક્તા સત્યબ્રત પાન્ડાએ દાવો કર્યો કે ઓડિશામાં સત્તામાં આવ્યા પછી નુઆપાડાની આ પ્રથમ પેટાચૂંટણીમાં પક્ષ રેકોર્ડ માર્જિનથી જીતશે, જે મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીની જન-કેન્દ્રિત સરકારની સાબિતી છે. તેમણે પૂર્વ CM નવીન પટનાયક દ્વારા લગાવેલા 'મત ચોરી'ના આક્ષેપોને તેમની રાજકીય હતાશા ગણાવી.

જમ્મુ-કાશ્મીર નગરોટા અને બડગામના પરિણામો 

નગરોટા અને બડગામ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવશે. આ બંને બેઠકો પર મતગણતરીની પ્રક્રિયા સવારે 8 વાગ્યે શરૂ થઈ ગઈ છે. જોકે, શરૂઆતના વલણો 9 વાગ્યાથી મળવાની સંભાવના છે અને બપોરના 12 વાગ્યા સુધીમાં આ બેઠકોના અંતિમ પરિણામો સ્પષ્ટ થઈ જશે તેવી અપેક્ષા છે.

પંજાબ તરનતારન પેટાચૂંટણીનું કારણ 

પંજાબ વિધાનસભાની તરનતારન બેઠક પરના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય કશ્મીર સિંહ સોહલના નિધનને કારણે આ સીટ ખાલી પડી હતી, જેના પગલે 11 નવેમ્બરના રોજ અહીં પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં 60.95% મતદાન થયું હતું અને તેના મતોની ગણતરી આજે થઈ રહી છે.

રાજસ્થાન અંતા પેટાચૂંટણીનું કારણ 

રાજસ્થાનની અંતા બેઠક પર ભાજપના ધારાસભ્ય કંવરલાલ મીણાને SDM પર પિસ્તોલ તાકવાના કેસમાં ત્રણ વર્ષની સજા થવાથી તેમની સભ્યતા રદ થઈ હતી. આ કારણોસર આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ, જેમાં 80.32% મતદાન નોંધાયું છે.

Tags :