મહારાષ્ટ્રના ગામની અનોખી પહેલ: સાંજે 7થી 8:30 વાગ્યા સુધી મોબાઇલ-ટીવી બંધ, ચાર વર્ષથી થઈ રહ્યો છે પ્રયોગ

| Image AI |
Unique Social experiment in Maharashtra Village : આજના સમયમાં બાળકો, યુવાનો અને વૃદ્ધો પણ ટીવી-મોબાઇલની દુનિયામાં વ્યસ્ત છે ત્યારે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના બડગાંવ ગામે સાંજે 7:00થી 9:00 વાગ્યા સુધી ટીવી-મોબાઇલ જોવા પર જ પ્રતિબંધ મૂકી દીધો છે. બડગાંવ ગ્રામ પંચાયતે મોબાઇલના વધુ પડતાં ઉપયોગને ખતરો ગણાવીને છેલ્લા ચાર વર્ષથી આ પ્રયોગ હાથ ધર્યો છે.
નાનકડા ગામની સુંદર પહેલ
બડગાંવ 3,000ની વસતી ધરાવતું ગામ છે, જ્યાં મોટા ભાગના લોકો ખેતી અને ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ગામમાં સાંજે સાત વાગ્યે એક સાયરન વાગે છે. આ સાયરન વાગતાં જ ગામના લોકો ટીવી-મોબાઇલ જોવાનું બંધ કરી દે છે. ત્યાર પછી દોઢ કલાક બાદ બીજી સાયરન વાગે છે અને લોકો મોબાઇલ-ટીવીનો ઉપયોગ કરી શકે છે. આ દોઢ-બે કલાકના સમયમાં લોકો એકબીજા સાથે વાતો કરે છે.

કેવી રીતે શરુ થયો આ પ્રયોગ?
બડગાંવના ગ્રામજનોનું કહેવું છે કે, રાતના સમયે સૂતા પહેલા એકબીજા સાથે હાથમાં મોબાઇલ રાખ્યા વિના વાત કરવાથી તેમને લાભ થયો છે. આ સમયમાં બાળકો પણ સ્કૂલનું હોમવર્ક પૂરું કરે છે અથવા વાચન કરે છે. છેલ્લા 4 વર્ષથી મોબાઇલ પરના આંશિક પ્રતિબંધનો અમલ થાય છે, જેની શરુઆત કોરાના મહામારીના લોકડાઉનમાં થઈ હતી.
કોરોનામાં સ્કૂલના બદલે બાળકોએ ઓનલાઇન ભણવાનું શરુ થયું હતું, જેથી તમામ પરિવારોએ તેમના બાળકોને મોબાઇલ કે કમ્પ્યુટર આપવા પડ્યા હતા. ત્યાર પછી સ્કૂલો તો ખૂલી ગઈ, પરંતુ બાળકોમાં પણ મોબાઇલ પર ઓનલાઇન રહેવાની કુટેવ ઘર કરી ગઈ. ગામના અનેક બાળકો માતા-પિતા પાસે જીદ કરીનો મોબાઇલ માંગતા અને ઓનલાઇન ગેમ રમવાનું દુષણ પણ ઘર કરી ગયું હતું.
14 ઑગસ્ટ 2022થી કરાયો હતો આ નિર્ણયનો અમલ
અહીંના વૃદ્ધો પણ સ્વીકારે છે કે, બાળકો તો ઠીક, પુરુષો-મહિલાઓ અને વડીલોનો સ્ક્રીન ટાઇમ પણ વધી ગયો હતો. આખું ગામ જાણે ઇન્ટરનેટની દુનિયામાં જકડાઈ જતું અને સાંજ પછી ગામમાં સન્નાટો થઈ જતો. આ સ્થિતિમાં ગ્રામ પંચાયતે લોકોને થોડો સમય ડિજિટલ ફ્રી રાખવાનો નિર્ણય કર્યો, જેનો અમલ 14 ઑગસ્ટ 2022થી કરાયો હતો.
લોકો સ્વેચ્છાએ નિયમનું પાલન કરે છે
બડગાંવની ગ્રામીણ પરિષદે આ મુશ્કેલીઓનો અંત લાવવા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આ અનોખી પહેલ શરુ કરી હતી. ત્યાર પછી ગ્રામ પંચાયતે ગામના મંદિર પર એક સાયરન લગાડીને આખા ગામને સૂચના આપી દીધી. હવે તો ગામના તમામ લોકો સાયરન વાગે કે તુરંત જ ટીવી-મોબાઇલ બંધ કરીને સ્વેચ્છાએ નિયમનું પાલન કરે છે. જો કે, ગામના લોકો ઇમરજન્સી સહિતની સ્થિતિમાં મોબાઇલનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ટાઇમ પાસ કરવા મોબાઇલના ઉપયોગ પર ચુસ્ત પ્રતિબંધ છે. આ નિયમના લીધે ગામના લોકોનો સાંજે 7:00થી 8:30 વાગ્યા સુધીનો સમય સારી રીતે વીતે છે.
કોલ્હાપુરના માનપુર અને યવતમાલના બંસી ગામે પણ રાહ ચીંધી
કોલ્હાપુરના માનપુર ગામમાં પણ સાંજે દોઢ કલાક ટીવી-મોબાઇલ બંધ રાખવામાં આવે છે. આ ગામના લોકોનો હેતુ પણ બાળકો હોમવર્ક પર ધ્યાન આપે તેમજ પરિવારજનો, ગામના લોકો એકબીજા સાથે વાતચીત કરે, તે જ છે. આ ગામની જાહેર દીવાલો પર પણ પોસ્ટર અને નોટિસ લગાવીને આ સૂચના અપાઈ છે. ગામના લોકો માને છે કે, અમને ટીવી-મોબાઇલથી બિલકુલ વાંધો નથી, પરંતુ તેના ઉપયોગ પર નિયંત્રણ જરૂરી છે.
આ પણ વાંચો: 1 નવેમ્બરથી બદલાઈ જશે બૅન્ક ખાતા અને લૉકરના નિયમ, આધાર કાર્ડ ફેરફાર કરવા હવે વધુ સરળ
પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાને રૂ. 200 દંડ
આ ઉપરાંત યવતમાલ જિલ્લાના બંસી ગામમાં પણ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોબાઇલ ઉપયોગ કરવા પર નિયંત્રણ છે. આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારાને રૂ. 200 દંડ ફટકારાય છે. આ નિયમનો હેતુ મોબાઇલના નકારાત્મક પ્રભાવનો ઓછો કરવાનો છે.

