CBSEની સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કૉલરશીપ: 20 નવેમ્બર સુધી ભરી શકાશે ફૉર્મ, જાણો કોણ કોણ કરી શકે છે આવેદન

CBSE Single Girl Child Scholarship 2025: સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ ‘સિંગલ ગર્લ ચાઇલ્ડ મેરિટ સ્કોલરશિપ સ્કીમ’ માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવીને 20 નવેમ્બર, 2025 કરી દીધી છે. આ યોજના 10મા ધોરણની બોર્ડ પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરનારી તેજસ્વી વિદ્યાર્થીનીઓને નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી શરુ કરાઈ છે, જેથી તેઓ CBSE સંલગ્ન શાળાઓમાં 11મા અને 12મા ધોરણનો અભ્યાસ ચાલુ રાખી શકે.
CBSEના નોટિફિકેશન મુજબ, લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.cbse.gov.in પર 20 નવેમ્બર, 2025 સુધી અરજી કરી શકે છે. વળી, જે વિદ્યાર્થીનીઓને વર્ષ 2024માં આ સ્કોલરશિપ મળી હતી, તેમના માટે રિન્યુઅલ પોર્ટલની તારીખ પણ લંબાવવામાં આવી છે, જેથી રિન્યુઅલ કરાવનારને વર્તમાન સત્ર માટે પણ સહાય મળતી રહે.
કોણ અરજી કરી શકે છે?
CBSEની આ મેરિટ સ્કોલરશિપ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને માન્યતા આપવા માટે છે. આ યોજના માટે ફક્ત તે જ વિદ્યાર્થીનીઓ અરજી કરી શકે છે જેઓ...
- પોતાના માતા-પિતાનું એકમાત્ર સંતાન હોય.
- CBSE ધોરણ 10ની પરીક્ષામાં 70% કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય.
- હાલમાં CBSE સંલગ્ન શાળાઓમાં ધોરણ 11 કે 12મા અભ્યાસ કરી રહી હોય.
- જેમની ટ્યુશન ફી 10મા ધોરણમાં ₹2500 અને 11મા તથા 12મા ધોરણમાં ₹3000 પ્રતિ માસથી વધારે ન હોય.
- જેમના પરિવારની વાર્ષિક આવક ₹8 લાખથી વધુ ન હોય, જેની નોટરાઇઝ્ડ સ્વ-ઘોષણા તેમણે અરજી સમયે અપલોડ કરવાની રહેશે.
અરજી કેવી રીતે કરવી?
વિદ્યાર્થીનીઓ આ સ્ટેપ્સને અનુસરીને સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે:
- CBSEની સત્તાવાર વેબસાઇટ www.cbse.gov.in પર જાઓ.
- 'Single Girl Child Scholarship X-2025 REG' પર ક્લિક કરો.
- SGC-X પર ઍપ્લિકેશનના પ્રકાર મુજબ ન્યુ(New) અથવા રિન્યુઅલ (Renewal) પસંદ કરો.
- ફોર્મ ધ્યાનથી ભરો અને આવકનો પુરાવો તથા સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા વેરિફાઇ કરેલી પ્રથમ ત્રિમાસિકની ફી સ્લિપ સહિત તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ જમા કરો.
પસંદગી અને વેરિફિકેશનની પ્રક્રિયા શું છે?
નવી સ્કોલરશિપ માટે ફક્ત તે જ ઉમેદવારોની પસંદગી થશે જેઓ શૈક્ષણિક અને પારિવારિક આવકની તમામ જરૂરી લાયકાતો પૂરી કરતા હોય. તેમજ રિન્યુઅલ માટે વિદ્યાર્થીનીઓએ 11મા ધોરણમાં 70% કે તેથી વધુ માર્ક્સ સાથે 12મા ધોરણમાં પ્રમોટ થવું જરૂરી છે.
CBSE એ જણાવ્યું છે કે તમામ અરજીઓનું તે શાળાઓ દ્વારા વેરીફીકેશન થવું જોઈએ જ્યાં વિદ્યાર્થીનીઓ હાલમાં અભ્યાસ કરી રહી છે. જે અરજીઓનું વેરીફીકેશન નહીં થાય તે અસ્વીકાર કરી દેવામાં આવશે.

