VIDEO : સોલાપુરમાં ફેક્ટરીમાં ફરી ભયાનક આગ, માલિક સહિત 8 લોકોના મોત
Solapur Fire : મહારાષ્ટ્રના સોલાપુર MIDCમાં આવેલી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રી ફેક્ટરીમાં લાગેલી આગે ફરી એકવાર ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. થોડા સમય પહેલા આગ પર કાબુ મેળવી લેવાયો હતો, જોકે ફરી અચાનક આગ ફાટી નીકળી છે. આગમાં ફેક્ટરીના માલિક સહિત કુલ 8 લોકોના મોત થયા હતા. બચાવ કામગીરી દરમિયાન ફાયરબ્રિગેડના વડા સહિત કુલ 2 કર્મચારીઓને ઈજા થઈ છે.
સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં ભયાનક આગ
સોલાપુરના અક્કલકોટ રોડ પર એમઆઈડીસી સ્થિત સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીઝ ફેક્ટરીમાં આજે સવારે લગભગ ત્રણ વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે આવી ગઈ હતી. સવારે લગભગ 5:30 વાગ્યે ફાયર વિભાગે આગમાંથી ત્રણ કર્મચારીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આજે (18 મે) સાંજે 5.00 કલાકે આગ પર કાબુ મેળવી લેવાયો હતો, જોકે એક કલાકમાં જ આગે ફરી ભભુકી હતી.
આગમાં કુલ 8ના મોત
જ્યારે ખબર પડી કે ફેક્ટરી માલિક અને પરિવાર અંદર ફસાઈ ગયા છે, ત્યારે ફાયર બ્રિગેડની ટીમે 14 કલાક સુધી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આગ એટલી ભયંકર હતી કે ફાયર વિભાગની ટીમે દિવાલ તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આગ કાબુમાં આવ્યા બાદ વધુ પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા છે.