‘હું બ્રાહ્મણ છું, ભગવાને સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત ન મળ્યું’, નીતિન ગડકરીનું નિવેદન
Maharashtra Political News : કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નિતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન મજાકના અંદાજમાં કહ્યું કે, ‘હું બ્રાહ્મણ જાતિનો છું અને ભગવાને મારા પર સૌથી મોટો ઉપકાર કર્યો કે અમને અનામત નથી આપ્યું. વ્યક્તિનું મહત્વ તેની જાતિ, ધર્મ, ભાષા કે લિંગ પરથી નહીં, પરંતુ તેના ગુણો અને ઉપલબ્ધિઓ પરથી નક્કી થવું જોઈએ.’
ઉત્તર પ્રદેશ, બિહારમાં બ્રાહ્મણોનું ખૂબ મહત્ત્વ : ગડકરી
ગડકરી (Nitin Gadkari)એ કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં ભલે બ્રાહ્મણોનું મહત્વ નથી, પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં તેઓનું ખૂબ મહત્ત્વ છે. જ્યારે પણ હું ત્યાં જાઉં છું, ત્યારે જોઉં છું કે દુબે, મિશ્રા, ત્રિપાઠી જેવા લોકોનો ખૂબ શક્તિશાળી અને દબદબો છે. જેમ અહીં મરાઠા જાતિનું મહત્વ છે, તેવી જ રીતે ત્યાં બ્રાહ્મણો શક્તિશાળી છે. હું તેઓને કહું છું કે, હું કોઈ જાતિવાદમાં માનતો નથી. કોઈ પણ વ્યક્તિ જાતિ, ધર્મ કે ભાષાથી મોટો હોતો નથી, પરંતુ તે ગુણોથી મોટો હોય છે.’
સવાલનો જવાબ નડ્ડાને પૂછો, મને નથી : નવા અધ્યક્ષ મામલે ગડકરીની પ્રતિક્રિયા
થોડા દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે પ્રશ્ન કરવામાં આવતા ગડકરીએ કહ્યું કે, ‘આ સવાલનો જવાબ માત્ર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) જ આપી શકે છે. તમે ખોટા વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો છે.’ વાસ્તવમાં ગડકરીને પૂછવામાં આવ્યું હતું કે, આખરે ભાજપના નવા અધ્યક્ષની પસંદગી કેમ કરાઈ નથી? તેમાં સમસ્યા શું છે? ત્યારે આ મુદ્દે ગડકરીએ કહ્યું કે, આ સવાલ તમારે નડ્ડાને પૂછવો જોઈએ, તેઓ જ તેનો જવાબ આપી શકે છે. આ સવાલનો જવાબ મારી પાસે પણ નથી.’
આ પણ વાંચો : દુશ્મન દેશ ટેન્શનમાં! ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો 'અમોઘ ફ્યૂરી' અભ્યાસ