ચીનની દરિયાઈ તાકાતનો જવાબ! ભારતે બનાવ્યું મેગા ન્યૂક્લિયર રિએક્ટર, INS અરિહંતથી બમણું શક્તિશાળી
India Developed Mega Nuclear Reactor : ભારતે નૌસેનાની તાકાતમાં વધારો કરવા માટે એક ખાસ અને ખતરનાક ટેકનોલોજી ડેવલપ કરી છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) દ્વારા 200 મેગાવોટ ઈલેક્ટ્રિક (MWe)નો એક નવો ન્યુક્લિયર રીએક્ટર બનાવાયો છે. આ રીએક્ટર S5 ક્લાસની ન્યુક્લિયર સબમરીન અને ન્યુક્લિયર અટેક સબમરીન (પ્રોજેક્ટ 77)માં લગાવવામાં આવશે, જેનાથી સબમરીનની શક્તિ બમણી થઈ જશે.
નવો ન્યુક્લિયર રીએક્ટર સબમરીન માટે ખૂબ મહત્ત્વનો
હાલમાં ભારતની INS અરિહંત અને INS અરિઘાત જેવી ન્યુક્લિયર સબમરીનમાં 83 MWeનો રીએક્ટર છે, જે નાના હોવાથી સબમરીન લાંબો સમય પાણીની અંદર રહી શકતી નથી, જેના કારણે મિશન ટૂંકા થઈ જાય છે. જોકે હવે નવો 200 MWeનો રીએક્ટર બમણી શક્તિ પુરી પાડશે, જેના કારણે સબમરીનને વધુ સમય માટે ડૂબી રહેવા માટે તેમજ લાંબા મિશન પૂરા કરવા માટે સક્ષમ બનાવશે.
એસ5 ક્લાસની સબમરીન, ભારતની મેગાશક્તિ
S5 ક્લાસ ભારતની નેક્સ જનરેશનની બેલિસ્ટિક મિસાઈલ સબમરીન (SSBN) છે, જે આઈએનએસ અરિહંત ક્લાસ કરતાં મોટી એટલે કે 13000 ટનની હશે. આ સબમરીનમાં 5000 કિલોમીટરની રેન્જની ‘K-5 SLBM 12-16 ICBM મિસાઈલો’ લગાવી શકાશે. આ ઉપરાંત પ્રોજેક્ટ 77 હેઠળની એટેક સબમરીન દુશ્મન જહાજોનો સરળતાથી શિકાર કરી શકશે.
નવો ન્યુક્લિયર સ્વદેશી
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ચીનની સબમરીન સતત મજબૂત થઈ રહી છે, તેથી ભારતે પણ મજબૂત હથિયારો વિકસીત કરવા જરૂરી બની ગયા છે. નવા ન્યુક્લિયરના કારણે હવે ભારત સબમરીન થકી લાંબા મિશનો સરળતાથી પાર પાડી શકશે. ખાસ વાત એ છે કે, બીએઆરસી દ્વારા નવો ન્યુક્લિયર આત્મનિર્ભર ભારત હેઠળ વિકસીત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : દુશ્મન દેશ ટેન્શનમાં! ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર પર કર્યો 'અમોઘ ફ્યૂરી' અભ્યાસ